Fri Jul 24 2026

Logo

એક્સપ્રેસ ટ્રેનોના એસી કોચમાંથી ચોરી કરનારો રીઢો ચોર પકડાયો: 26 લાખના દાગીના મળ્યા

2026-07-24 18:50:11
Author: Yogesh C. Patel
Article Image

થાણે: લાંબા અંતરની ટ્રેનોના એસી કોચમાંથી મુસાફરોનો સામાન ચોરનારા રીઢા ચોરને રેલવે પોલીસે પકડી પાડતાં તેની પાસેથી અંદાજે 26 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા.

ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ રઘુ સુમન ખોસલા (41) તરીકે થઈ હતી. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદનો વતની ખોસલા નવી મુંબઈના પનવેલ રેલવે સ્ટેશને આંટા મારતો સીસીટીવી સર્વેલન્સમાં દેખાયો હતો.

અધિકારીએ જણાવ્યું હતું કે 17 જુલાઈએ મંગલા લક્ષદ્વીપ એક્સપ્રેસના એસી કોચમાંથી ઊતરીને આરોપી શંકાસ્પદ રીતે ફરતો નજરે પડ્યો હતો. પરિણામે શંકાને આધારે તાબામાં લઈ તેની પાસેની બૅકપેકની તપાસ કરવામાં આવી હતી. બૅગમાંથી મોટી સંખ્યામાં સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા. આ દાગીના સંબંધે સંતોષકારક જવાબ આપવામાં નિષ્ફળ જતાં પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો.

તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ખોસલા રેકોર્ડ પરનો આરોપી છે અને તેની વિરુદ્ધ મુંબઈ રેલ નેટવર્ક તેમ જ અન્ય રાજ્યોમાં 39 જેટલા ગુના નોંધાયેલા છે. તે એક્સપ્રેસ ટ્રેનોના એસી કોચમાંથી મુસાફરોની બૅગ ચોરતો હતો.

આરોપી પાસેથી મળી આવેલા દાગીના તેણે 17 જુલાઈએ નેત્રાવતી એક્સપ્રેસમાંથી ચોર્યા હતા. કેરળ જઈ રહેલા મુસાફરની બૅગ કારવાર સ્ટેશન નજીક ટ્રેનમાંથી ચોરાઈ હતી, જેમાં દાગીના અને આઈફોન હતો. આ પ્રકરણે ગોવાના મડગાંવ ખાતે કોંકણ રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ખોસલાને વધુ કાર્યવાહી માટે દાગીના સાથે કોંકણ રેલવે પોલીસના તાબામાં સોંપાયો હતો.

(પીટીઆઈ)