Wed Sep 09 2026

Logo

19 કલાકમાં 16,727 લોકો વિરુદ્ધ ટ્રાફિક વિભાગની કાર્યવાહી: ડ્રન્ક એન્ડ ડ્રાઇવિંગના 159 કેસ નોંધાયા

2026-03-04 14:53:00
Author: kshitij Nayak
19 કલાકમાં 16,727 લોકો વિરુદ્ધ ટ્રાફિક વિભાગની કાર્યવાહી: ડ્રન્ક એન્ડ ડ્રાઇવિંગના 159 કેસ નોંધાયા

મુંબઈ: હોળીની ઉજવણી દરમિયાન ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન રોકવા માટે ચલાવાયેલી વિશેષ ઝુંબેશમાં મુંબઈમાં સોમવારે મધરાત બાદથી મંગળવારે સાંજે સાત વાગ્યા સુધીમાં 16,727 લોકો સામે ટ્રાફિક વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને 1.99 કરોડ રૂપિયાથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ સમયગાળામાં ડ્રન્ક એન્ડ ડ્રાઇવિંગ કરવા બદલ 159 વાહનચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ટ્રાફિક વિભાગ દ્વારા હાથ ધરાયેલી ઝુંબેશ હેઠળ હેલ્મેટ પહેર્યા વિના વાહન હંકારવા બદલ 4,317 વાહનચાલકો, ટ્રાફિકમાં અવરોધ ઊભો કરવા બદલ 2,532 વાહનચાલકો, સિગ્નલ તોડવા બદલ 610, ડ્રાઇવિંગ લાઇસન્સ વિના વાહન ચલાવનારા 413, ટ્રિપલ સીટ બદલ 530, નો-એન્ટ્રિમાં પ્રવેશ બદલ 278, ખોટી દિશામાં ડ્રાઇવિંગ બદલ 20 તથા ટ્રાફિકના અન્ય નિયમોનું ભંગ કરનારા 1,603 વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

સીસીટીવી, ઇ-ચલાન અને બ્રૅથ એનલાઇઝરના માધ્યમથી આ કાર્યવાહી કરવામાં આવી હતી. ડ્રન્ક એન્ડ ડ્રાઇવિંગ પ્રકરણમાં સંબંધિત વાહનચાલકોના ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.