નવી દિલ્હીઃ વીતેલા સપ્તાહ દરમિયાન દેશની ટોચની 10 કંપનીઓ પૈકી ચાર કંપનીઓનાં માર્કેટ કેપિટલાઈઝેશન અથવા તો માર્કેટકેપમાં રૂ. 1.43 લાખ કરોડનો વધારો થયો છે, જેમાં સૌથી વધુ વધારો સ્ટેક બૅન્ક ઑફ ઈન્ડિયામાં થયો છે. નોંધનીય બાબત એ છે કે ગત સપ્તાહે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 404.53 પૉઈન્ટ અથવા તો 0.51 ટકાનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં 187.05 પૉઈન્ટ અથવા તો 0.76 ટકાનો વધારો થયો હતો.
એકંદરે ગત સપ્તાહે નવાં ક્લોઝિંગ ઑક્શન સેશન (સીએએસ) અને એફ ઍન્ડ ઑ (ફ્યુચર ઍન્ડ ઓપ્શન) સ્ટોકનાં નવાં માળખાનો અમલ થવાની સાથે ગત સપ્તાહે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની નાણાનીતિની સમીક્ષાની બેઠક હોવાથી ભારે ચંચળતા હોવા છતાં બૅન્ચમાર્ક સુધારા સાથે બંધ રહ્યા હોવાનું રેલિગેર બ્રોકિંગનાં રિસર્ચ વિભાગના સિનિયર વાઈસ પ્રેસિડૅન્ટ અજિત મિશ્રાએ જણાવ્યું હતું.
ગત સપ્તાહે દેશની ટોચની 10 કંપનીઓમાં મુખ્યત્વે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા, ટાટા ક્નસલ્ટન્સી સર્વિસીસ અને લાર્સન ઍન્ડ ટૂબ્રોનાં માર્કેટ કેપિટલાઈઝેશનમાં વધારો થયો હતો, જ્યારે ભારતી એરટેલ, એચડીએફસી બૅન્ક, આઈસીઆઈસીઆઈ બૅન્ક, બજાજ ફાઈનાન્સ, લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા અને હિન્દુસ્તાન યુનીલિવરનાં માર્કેટકેપમાં ધોવાણ થયું હતું.
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના અંતે સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયાનું માર્કેટકેપ રૂ. 63,922.03 કરોડ વધીને રૂ. 10,11,721.84 કરોડની સપાટીએ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટકેપ રૂ. 32,816.4 કરોડ વધીને રૂ. 18,01,925.19 કરોડ, ટાટા ક્નસલ્ટન્સી સર્વિસીસનું માર્કેટકેપ રૂ. 31,875.35 કરોડ વધીને રૂ. 8,87,770.13 કરોડ અને લાર્સન ઍન્ડ ટૂબ્રોનું માર્કેટકેપ રૂ. 14,637.76 કરોડ વધીને રૂ. 5,56,482.45 કરોડની સપાટીએ રહ્યું હતું.
જોકે, સપ્તાહના અંતે એલઆઈસીનું માર્કેટકેપ રૂ. 40,543.23 કરોડ ઘટીને રૂ. 4,96,891.82 કરોડ, બજાજ ફાઈનાન્સનું માર્કેટકેપ રૂ. 37,168.96 કરોડ ઘટીને રૂ. 6,73,648.55 કરોડ, એચડીએફસી બૅન્કનું માર્કેટકેપ રૂ. 24,183.16 કરોડ ઘટીને રૂ. 11,27,967.47 કરોડ, આઈસીઆઈસીઆઈ બૅન્કનું માર્કેટકેપ રૂ. 9507.67 કરોડ ઘટીને રૂ. 10,20,370.63 કરોડ, ભારતી એરટેલનું માર્કેટકેપ રૂ. 7581.65 કરોડ ઘટીને રૂ. 12,22,423.98 કરોડ અને હિન્દુસ્તાન યુનીલિવરનું માર્કેટકેપ રૂ. 4793.16 કરોડ ઘટીને રૂ. 4,88,808.97 કરોડની સપાટીએ રહ્યું હતું.
સપ્તાહના અંતે માર્કેટ કેપિટલાઈઝેશન અનુસાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.એ ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું, ત્યાર બાદ અનુક્રમે ભારતી એરટેલ, એચડીએફસી બૅન્ક, આઈસીઆઈસીઆઈ બૅન્ક, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા, ટીસીએસ, બજાજ ફાઈનાન્સ, લાર્સન ઍન્ડ ટૂબ્રો, એલઆઈસી અને હિન્દુસ્તાન યુનીલિવરનો સમાવેશ થતો હતો.