Fri Apr 17 2026

Logo

ગત સપ્તાહે ટોચની 10 કંપની પૈકી છ કંપનીઓનું માર્કેટકેપ વધીને રૂ. 63,000 કરોડની પાર

2026-02-22 19:06:32
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ ગત સપ્તાહ દરમિયાન સાપ્તાહિક ધોરણે બૉમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 0.22 ટકાનો અથવા તો 187.95 પૉઈન્ટનો સુધારો આવ્યો હતો. તેમ જ સેન્સેક્સ હેઠળની ટોચની 10 કંપનીઓ પૈકી છ કંપનીઓના માર્કેટકેપમાં સંયુક્તપણે રૂ. 63,478.46 કરોડનો વધારો થયો હતો. જેમાં લાર્સન ઍન્ડ ટૂબ્રો તથા સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં સૌથી વધુ વૃદ્ધિ જોવા મળી હતી.

એક્સચેન્જની માહિતી અનુસાર સપ્તાહ દરમિયાન ટોચની 10 કંપનીઓ પૈકી લાર્સન ઍન્ડ ટૂબ્રો, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા, એચડીએફસી બૅન્ક, લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા, બજાજ ફાઈનાન્સ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માર્કેટકેપમાં વધારો થયો હતો, જ્યારે ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બૅન્ક, ઈન્ફોસિસ અને ટાટા ક્નસલ્ટન્સી સર્વિસીસનાં માર્કેટકેપમાં ઘટાડો થયો હતો. 

ગત સપ્તાહે લાર્સન ઍન્ડ ટૂબ્રોનું માર્કેટકેપ રૂ. 28,523.31 કરોડ વધીને રૂ. 6,02,552.24 કરોડ, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયાનું માર્કેટકેપ રૂ. 16,015.12 કરોડ વધીને રૂ. 11,22,581.56 કરોડ, એચડીએફસી બૅન્કનું માર્કેટકેપ રૂ. 9617.56 કરોડ વધીને રૂ. 14,03,239.48 કરોડ, લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનનું માર્કેટકેપ રૂ. 5977.12 કરોડ વધીને રૂ. 5,52,203.92 કરોડ, બજાજ ફાઈનાન્સનું માર્કેટકેપ રૂ. 3142.36 કરોડ વધીને રૂ. 6,40,387 કરોડ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.નું માર્કેટકેપ રૂ. 202.99 કરોડ વધીને રૂ. 19,21,678.78 કરોડની સપાટીએ રહ્યું હતું. 

જોકે, તેની સામે ભારતી એરટેલનું માર્કેટકેપ રૂ. 15,338.66 કરોડ ઘટીને રૂ. 11,27,705.37 કરોડ, આઈસીઆઈસીઆઈ બૅન્કનું માર્કેટકેપ રૂ. 14,632.10 કરોડ ઘટીને રૂ. 9,97,346.67 કરોડ, ઈન્ફોસિસનું માર્કેટકેપ રૂ. 6791.58 કરોડ ઘટીને રૂ. 5,48,496.14 કરોડ અને ટાટા ક્નસલ્ટન્સી સર્વિસીસનું માર્કેટકેપ રૂ. 1989.95 કરોડ ઘટીને રૂ. 9,72,053.48 કરોડની સપાટીએ રહ્યું હતું. 

એકંદરે સપ્તાહ દરમિયાન વૅલ્યુએશન્સની દૃષ્ટિએ રિલાયન્સ ઈન્ડ્સ્ટ્રીઝે ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું. ત્યાર બાદ અનુક્રમે એચડીએફસી બૅન્ક, ભારતી એરટેલ, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બૅન્ક, ટાટા ક્નસલ્ટન્સી સર્વિસીસ, બજાજ ફાઈનાન્સ, લાર્સન ઍન્ડ ટૂબ્રો, એલઆઈસી અને ઈન્ફોસિસનો સમાવેશ થતો હતો.