નવી દિલ્હીઃ સરકારે તંબાકુના ઉત્પાદનો અને સિગારેટ પર વેરાના દરમાં કરેલા તીવ્ર વધારાની માઠી અસર આઈટીસી, ગોડફ્રે ફિલિપ્સ ઈન્ડિયા અને વીએસટી ઈન્ડસ્ટ્રીઝ જેવી દેશની અગ્રણી સિગારેટ કંપનીઓનાં વર્તમાન નાણાકીય વર્ષનાં ગત જૂનના અંતે પૂરા થયેલા ત્રિમાસિકગાળાની ચોખ્ખી આવકો, વૉલ્યૂમ અને નફાશક્તિ પર માઠી અસર પડી છે.
અત્રે નોંધનીય બાબત એ છે કે સ્થાનિક સિગારેટ બજારમાં ઉક્ત ત્રણ કંપનીઓ 90 ટકા બજાર હિસ્સો ધરાવે છે અને એક અહેવાલ અનુસાર તેઓનું વાર્ષિક વૉલ્યૂમ અંદાજે 100થી 120 અબજ સ્ટિક (સિગારેટ) કરતાં વધુ છે. અગાઉ સરકારે ગત ફેબ્રુઆરી મહિનામાં સિગારેટ અને તંબાકુના ઉત્પાદનો પરનાં ગૂડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ (જીએસટી)ના દર વધારીને 40 ટકા કર્યા હતા અને કોમ્પેન્સેશન સેસને સ્થાને સિગારેટની લંબાઈ અનુસાર પ્રત્યેક 1000 સ્ટિકદીઠ રૂ. 2100થી 8500 સુધીની અતિરિક્ત એક્સાઈઝ ડ્યૂટી લાદી હતી.
આમ ડ્યૂટીના વધારાને કારણે સિગારેટ કંપનીઓની રેવેન્યૂ (આવકો)માં વધારો વેચાણમાં જોવા મળ્યો હતો, પરંતુ વેરામાં અકલ્પનિય વધારો થવાને કારણે કંપનીઓનાં નફાના માર્જિન દબાણ હેઠળ આવ્યા હતા. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર વર્તમાન નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકગાળામાં બજારની અગ્રણી કંપની આઈટીસીની સિગારેટ બિઝનૅસમાંથી આવકો ગત સાલના સમાનગાળાના રૂ. 9553.86 કરોડ સામે 73.71 ટકા વધીને રૂ. 16,596.67 કરોડની સપાટીએ રહી હતી.
આ વૃદ્ધિનું મુખ્ય કારણ વેરામાં થયેલો વધારો છે. જોકે, કંપનીની સિગારેટ સેગ્મેન્ટમાં કુલ આવકો (ઉત્પાદનોનાં વેચાણ અને સર્વિસીસમાંથી) જેમાં ડ્યૂટી પાસ થ્રુ દૂર કરવામાં આવે તે આવક વર્ષાનુવર્ષ ધોરણે 31.45 ટકાના ઘટાડા સાથે રૂ. 5498.93 કરોડની થઈ હતી.જે વેચાણના વૉલ્યૂમમાં ઘટાડો દર્શાવે છે.
તે જ પ્રમાણે ગોડફ્રે ફિલિપ્સ ઈન્ડિયાનો સમીક્ષા હેઠળના સમયગાળામાં કોન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખો નફો ગત સાલના સમાનગાળાની તુલનામાં 44.3 ટકા ઘટીને રૂ. 198.39 કરોડની સપાટીએ રહ્યો હતો. જ્યારે ડ્યૂટી વધારને કારણે મોદી એન્ટરપ્રાઈઝીસની 2614 કરોડની એક્સાઈઝ ડ્યૂટીને કારણે કાર્યકારી આવકો રૂ. ગત સાલની સરખામણીમાં બમણી થઈને રૂ. 3819.56 કરોડની થઈ હતી, પરંતુ એક્સાઈઝ ડ્યૂટીને બાદ કરતાં ચોખ્ખા આવકો 18.8 ટકાના ઘટાડા સાથે રૂ. 1206 કરોડ (રૂ. 1486 કરોડ)ની સપાટીએ રહી હોવાનું કંપનીએ જણાવ્યું હતું.
વધુમાં વીએસટી ઈન્ડસ્ટ્રીઝની સમીક્ષા હેઠળના સમયગાળામાં આવકો ગત સાલના સમાનગાળાની સરખામણીમાં બમણી થઈને રૂ. 881.49 કરોડ (રૂ. 424.93 કરોડ)ની સપાટીએ રહી હતી, પરંતુ કરવેરા બાદનો ચોખ્ખો નફો વર્ષાનુવર્ષ ધોરણે 24.42 ટકા ઘટીને રૂ. 42.42 કરોડ (રૂ. 56.13 કરોડ)ની સપાટીએ રહ્યો હતો. તેમ જ ચોખ્ખી આવકો 13.5 ટકા ઘટીને રૂ. 256 કરોડ (રૂ. 216 કરોડ)નાં સ્તરે રહી હતી.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ડ્યૂટીનાં નવા માળખાનું અમલીકરણ થતાં જ તાત્કાલિક ધોરણે 10 સ્ટિકનાં સિગારેટના એક પેકેટનાં ભાવમાં રૂ.22થી 25નો ઉછાળો આવ્યો હતો. જેને કારણે ઉત્પાદકોને તે સમયે કેલિબે્રટેડ ભાવવધારો કરવાની અને પોર્ટફોલિયો એડજસ્ટમેન્ટ કરવાની ફરજ પડી હતી.