Sun Sep 13 2026

Logo

‘યોગ્ય સમય આવશે ત્યારે હું બોલીશ’, મમતા સામે બળવો કરવા અંગે સાયોની ઘોષનો જવાબ

2026-06-14 17:33:22
Author: Vimal Prajapati
‘યોગ્ય સમય આવશે ત્યારે હું બોલીશ’, મમતા સામે બળવો કરવા અંગે સાયોની ઘોષનો જવાબ

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પરાજયનો સામનો કર્યા બાદ પૂર્વ મુખ્ય પ્રધાન મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ અત્યાર સુધીના સૌથી મોટા રાજકીય સંકટમાંથી પસાર થઈ રહી છે. દિલ્હીમાં આજે રવિવારે ટીએમસીના બાગી સાંસદો એકઠા થઈને મોટું શક્તિપ્રદર્શન કરવા જઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બાગી સાંસદો પહેલા કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર યાદવના નિવાસ્થાને પહોંચ્યા છે અને ત્યારબાદ મોડી સાંજે બંગ ભવન ખાતે ડિનર ડિપ્લોમસી અંતર્ગત એક મહત્વની બેઠક યોજાશે.

ભૂપેન્દ્ર યાદવના ઘરે નેતાઓનો જમાવડો

આ હાઈ પ્રોફાઈલ બેઠકમાં ભાગ લેવા માટે ટીએમસીના અનેક બાગી સાંસદો પહેલેથી જ દિલ્હી પહોંચી ચૂક્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સાયોની ઘોષ, પ્રસૂન બેનર્જી, માલા રોય અને શતાબ્દી રોય કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવના ઘરે પહોંચી ગયા છે. આ બેઠક કેટલી મહત્વની છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ભાજપના ફાયરબ્રાન્ડ સાંસદ નિશિકાંત દુબે પણ ભૂપેન્દ્ર યાદવના નિવાસે હાજર છે. સૌથી મોટો ઝટકો મમતા બેનર્જીને ત્યારે લાગ્યો જ્યારે તેમના અત્યંત નજીકના ગણાતા વરિષ્ઠ નેતા સુદીપ બંદોપાધ્યાય પણ બાગી જૂથમાં સામેલ થઈ ગયા. સુદીપ બંદોપાધ્યાયે શનિવારે જ દિલ્હીમાં શતાબ્દી રોય સાથે ભૂપેન્દ્ર યાદવ અને ત્યારબાદ કેન્દ્રીય ગૃહ પ્રધાનઅમિત શાહ સાથે મુલાકાત કરી હતી.

શું ટીએમસી બે ભાગમાં વહેંચાશે? 

લોકસભામાં ટીએમસીના કુલ 28 સાંસદો છે. પક્ષપલટાના કાયદાથી બચવા અને પાર્ટી પર સત્તાવાર દાવો મજબૂત કરવા માટે બાગી જૂથને બે-તૃતીયાંશ બહુમતી એટલે કે 19 સાંસદોના સમર્થનની જરૂર હતી. સુદીપ બંદોપાધ્યાયના પ્રવેશ સાથે જ બાગી સાંસદોની સંખ્યા વધીને 20 થઈ ગઈ છે. એટલે કે બાગી જૂથ કાનૂની રીતે મજબૂત સ્થિતિમાં આવી ગયું છે અને ટીએમસીમાં ભંગાણના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.

મમતા બેનર્જીની પાર્ટીમાં કયા ફેરફારો થયા છે?

સુદીપ બંદોપાધ્યાય અને સાયોની ઘોષના અસંતુષ્ટ જૂથમાં સમાવેશ થયા પછી, મમતા બેનર્જીએ ટીએમસીમાં ઘણા મોટા ફેરફારો અમલમાં મૂક્યા છે. સુદીપ બંદોપાધ્યાયના સ્થાને કુણાલ ઘોષને ઉત્તર કોલકાતા સંગઠનાત્મક જિલ્લાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. દરમિયાન, સાયોની ઘોષનું પદ સંભાળતા, અર્નબ બેનર્જીને ટીએમસી યુવા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વધુમાં, માલા રોયના સ્થાને ટીએમસી મહિલા પાંખનું નેતૃત્વ કરવાની જવાબદારી અલીફા અહેમદને સોંપવામાં આવી છે.