Mon Jul 27 2026

Logo

બંગાળની ચૂંટણીમાં TMCની હારનું ઠીકરું જેના પર ફોડાઇ રહ્યું છે તે જ હવે આપી રહ્યા છે 'જીતનો મંત્ર'

2026-05-18 18:03:30
Author: Devayat Khatana
Article Image

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં પોતાના અનોખા અંદાજમાં પ્રચાર કરવા માટે જાણીતા બનેલા TMC સાંસદ સાયોની ઘોષ હવે પાર્ટીની મોટી હાર બાદ જીતનો મંત્ર આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરતા તેમણે લખ્યું છે કે, માત્ર જીતવાની ઈચ્છા જ પૂરતી નથી, પરંતુ તૈયારી કરવાની ધગશ, પોતાની ખામીઓ પર વિજય અને અન્યને પાછળ છોડીને સતત આગળ વધતા રહેવું ખૂબ જ જરૂરી છે. 

પ્રચાર દરમિયાન સાયોની ઘોષની ખૂબ ચર્ચા થતી હતી, તેઓ સ્ટેજ પરથી મા કાળીથી લઈને મક્કા-મદીના સુધીના ગીતો ગાતા હતા. આ અંગે ભાજપ નેતા ઉમા ભારતીએ દાવો કર્યો છે કે સાયોની ઘોષનું મક્કા-મદીનાવાળું ગીત જ TMCને ભારે પડ્યું છે અને પાર્ટીને લઈ ડૂબ્યું છે.

આસનસોલ બેઠક પરથી હાર્યાં હતા

બંગાળી ફિલ્મોના જાણીતા અભિનેત્રીમાંથી રાજનેતા બનેલા સાયોની ઘોષની જનસભાઓમાં તેમના આક્રમક ભાષણોને કારણે ભારે ભીડ ઉમટતી હતી. તેમનો અભ્યાસ કોલકાતાની સાઉથ પોઈન્ટ હાઈસ્કૂલ અને કલકત્તા યુનિવર્સિટીમાંથી થયો છે. તેઓ શરૂઆતથી જ જાહેર મંચ પર બોલવામાં માહિર હોવાથી તેમને ટીવી એન્કરિંગ અને એક્ટિંગની તકો મળી હતી. 

વર્ષ 2021માં જ્યારે TMCને યુવા અને પ્રભાવશાળી ચહેરાઓની જરૂર હતી, ત્યારે સાયોની પાર્ટીમાં જોડાયા હતા. તેઓ અત્યંત લોકપ્રિય હતા, જોકે TMC એ તેમને આસનસોલ બેઠક પરથી વિધાનસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતાર્યા ત્યારે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

મમતા બેનરજીના પગલે પગલે ચાલ્યા

સાયોની ઘોષની લોકપ્રિયતા ત્રિપુરાના એક વિવાદ બાદ દેશભરમાં વધી ગઈ હતી. ત્રિપુરામાં એક નુક્કડ સભા પાસેથી પસાર થતી વખતે તેમણે મમતા બેનર્જીનો પ્રખ્યાત 'ખેલા હોબે'નો નારો લગાવ્યો હતો. આ ઘટના બાદ અગરતલામાં તેમની સામે કેસ નોંધવામાં આવ્યો અને તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ બાદ તેમનું નામ ઘણુ પ્રખ્યાત થઈ ગયું હતું. આ ઉપરાંત, શિક્ષક ભરતી કૌભાંડ મામલે ED દ્વારા પણ તેમની પૂછપરછ કરવામાં આવી હતી. તે સમયે તેઓ TMC યુવા મોરચાના અધ્યક્ષ પદે કાર્યરત હતા.

વર્ષ 2021ની વિધાનસભા ચૂંટણીમાં હાર મળી હોવા છતાં પાર્ટીએ તેમના પર વિશ્વાસ કાયમ રાખ્યો અને 2024ની લોકસભા ચૂંટણીમાં તેમને જાદવપુર બેઠક પરથી ટિકિટ આપી. આ વખતે તેમણે શાનદાર જીત મેળવી અને લોકસભા પહોંચી ગયા. સંસદમાં પણ તેઓ પોતાના અનોખા અંદાજમાં જ ભાષણો આપે છે. 

જોકે, તાજેતરમાં બંગાળમાં TMCની થયેલી કરારી હાર બાદ હવે વિરોધીઓએ આ હારનું સીધું ઠીકરું સાયોની ઘોષના માથે ફોડ્યું છે. વિરોધીઓનું કહેવું છે કે સાયોનીનો ચૂંટણી પ્રચાર સંપૂર્ણપણે તુષ્ટિકરણથી ભરેલો હતો, અને તેના જ પરિણામે પાર્ટીને મોટું નુકસાન વેઠવું પડ્યું છે.