હેમુ ભીખુ
આ પ્રશ્ન વારંવાર પુછાય છે. સામે દેખાતી ભીંત શું વાસ્તવિક છે? તેમાંથી શું આરપાર જઈ શકાય? ભીંત જ શું કામ, શું આ સૃષ્ટિ વાસ્તવિક છે કે માત્ર એક કલ્પના. જે કંઈ પ્રતિત થાય છે, જે કંઈ અનુભવાય છે, જેના અસ્તિત્વની ખાતરી થઈ શકે છે, શું આ બધું મનની કલ્પના છે કે હકીકત. જવાબ સીધો સાદો છે. આ જવાબ સંકલ્પની સવિકલ્પતા કે નિર્વિકલ્પતા પર આધાર રાખે છે.
ગીતામાં જણાવ્યા પ્રમાણે સૃષ્ટિનું સર્જન તે પરમ તત્ત્વના ‘ભાવ’થી ઉદ્ભવેલી માનસિક ક્રિયાનું પરિણામ છે. સમગ્ર સૃષ્ટિના સર્જન પાછળ તે પરબ્રહ્મની માનસિક લીલા કારણભૂત છે. તેમના નિર્વિકલ્પ સંકલ્પથી, તેમની અધ્યક્ષતામાં, તેમની પ્રકૃતિએ ઘનતા અનુભવી શકાય તેવી સૃષ્ટિનું સર્જન કર્યું છે. અહીં સંકલ્પે ઘનતા ધારણ કરી છે, કારણ કે સંકલ્પ પાછળ નિર્વિકલ્પતા થી ઘનતા ધારણ કરવાનો આશય હતો.
કોઈપણ સંકલ્પ સાથે જ્યારે કોઈ એક જ વિચાર જોડાય ત્યારે તે વાસ્તવિકતામાં પરિણામે. જો સંકલ્પમાં સવિકલ્પતા હોય, આ કે તે માટે સંભાવના રાખવામાં આવી હોય, ક્યાંક સંશય હોય કે ક્યાંક દ્વિધા હોય, મન સ્થિર ન હોય, એક જ વિચાર માટે દૃઢ કૃતનિશ્ર્ચયતા ન હોય, તો કશું પણ ઘનતા ન પામે. ભીંત ત્યારે જ ભીંત બને જ્યારે તેના અસ્તિત્વ માટે નિર્વિકલ્પતા જોડાઈ હોય.
સંકલ્પ એ મનની ક્રિયા છે, જ્યાં મનનું અસ્તિત્વ જ એક પરીકલ્પના તરીકે ગણાતું હોય ત્યાં તેની ક્રિયા સઘનતા કેવી રીતે પામી શકે. પણ, સૃષ્ટિના સર્જનનું આ એક મહાન સત્ય છે કે મનનો સંકલ્પ વાસ્તવમાં, હકીકતમાં હોય તે રીતે અનુભવી શકાય છે. જો અન્યની મનોસ્થિતિ પણ તે પ્રમાણેની જ હોય તો તે સંકલ્પથી પ્રતીત થતી ઘનતા અન્ય પણ અનુભવી શકે છે. સમગ્ર ખેલ મનનો છે. મન દૃઢતાથી માને તો આમ છે અને ન માને તો આમ-તેમ, બંને છે. મનની આ પ્રક્રિયામાં શ્રદ્ધા અને માન્યતા મહત્ત્વની રહે છે. મનની આ પ્રક્રિયામાં મન પ્રત્યેનો વિશ્વાસ અને મન દ્વારા જ સ્થાપિત થયેલ અપેક્ષા મુખ્ય હોય છે.
તેથી જ ગીતામાં પણ કહેવાનું છે કે, જે દેવને ભજે તે દેવને પામે, જે પિતૃને ભજે તે પિતૃને પામે, જે ભૂત ને ભજે તે ભૂતને પામે અને શ્રીકૃષ્ણને ભજનાર શ્રીકૃષ્ણને પામે. મન જ્યાં અટકે તે દિશાની ગતિ થાય. મન જે માને તે પ્રમાણેની પરિસ્થિતિ પ્રતિત થાય. મન જે વિચારને પોષણ આપે તે વિચાર પાંગરે. મનના સંકલ્પ દ્વારા જે વસ્તુ સ્વીકારી લેવામાં આવે તે વાસ્તવિક લાગે. સિદ્ધ યોગી આ સત્ય પૂર્ણતામાં સમજતા હોય છે અને તેથી જ તેઓ સંકલ્પ દ્વારા કોઈપણ પ્રકારની પરિસ્થિતિ સર્જી શકે છે અથવા તે હયાત હોય તેવી પ્રતીતિ કરાવી શકે છે. આ સંકલ્પમાં નિર્વિકલ્પતા હોય તે સ્વાભાવિક છે.
એમ કહેવાય છે કે મન જો એક જ બાબતનું સતત ચિંતન કર્યા કરે તો તે બાબત અસ્તિત્વમાં આવે. સૃષ્ટિમાં ત્રણ પ્રકારના અસ્તિત્વ છે - સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. સ્થૂળ અસ્તિત્વ પરતંત્ર છે, તેના પર સૂક્ષ્મ અને કારણ અસ્તિત્વનો પ્રભાવ હોય છે. સૂક્ષ્મ અસ્તિત્વ પર કારણ અસ્તિત્વનો પ્રભાવ હોય છે, જ્યારે કારણ-જગત સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે. કારણના અસ્તિત્વ માટે તે સ્વયં કારણ બને છે.
જ્યારે સૂક્ષ્મ અસ્તિત્વ માટેનું કારણ પણ કારણ-જગત છે. સ્થૂળ અસ્તિત્વની માટે સૂક્ષ્મ તેમ જ કારણ; એમ બંને પ્રકારના અસ્તિત્વ કારણગત છે. સૂક્ષ્મ ભાવના પાછળ જો કારણની ઊર્જા હોય તો સ્થૂળ પરિકલ્પના સઘનતા પામી અસ્તિત્વમાં આવે. એટલે એક પ્રકારનો વિચાર લાંબા ગાળા સુધી કરવાથી તે સ્થૂળ હકીકતમાં પરિણમી શકે.
આની માટે પૂર્વ શરત નિર્વિકલ્પતાની છે. વિચારો તો બધા કરે છે, કોઈ એક જ બાબતનું ચિંતન પણ ઘણા કરતા હોય છે; પણ તેનું પરિણામ નથી આવતું. આના મૂળમાં ક્યાંક નિર્વિકલ્પતાનો અભાવ છે. મન દ્વિધા તેમજ સંશય યુક્ત હોય, ‘થવા- ન થવા’ બાબતે કે હોવા-ન હોવા બાબતે હજુ પણ આશંકા હોય, ચિંતનની પ્રક્રિયા તથા તેના પરિણામ વિશે થોડો ઘણો અવિશ્વાસ હોય, ચિંતન યોગ્ય બાબત માટે થઈ રહ્યું છે કે નહીં તે માટે પણ મનને ખાતરી ન હોય; તો સંકલ્પ ઘનતામાં ન પરિણામે.
ત્રિપુરા રહસ્ય- જ્ઞાનખંડમાં તંગણ ઋષિપુત્રની વાત આવે છે જેમણે એક શીલાની અંદર એક અન્ય બ્રહ્માંડની કલ્પના કરી હોય છે. આ કલ્પના જાણે વાસ્તવિક બનીને તે ઋષિપુત્રને બ્રહ્માંડના વિવિધ પાસાઓની પ્રતીતિ કરાવે છે. એમ જણાય છે કે આ ઋષિપુત્ર આ બ્રહ્માંડને સાચે જ અનુભવે છે. કોઈ એક સમયે કોઈ મહાસેન રાજાને ઋષિપુત્રની સાથે તે શીલામાં પ્રવેશવાની અનુમતિ મળે છે, પણ તે પ્રવેશી શકતો નથી. આના કારણમાં ઋષિપુત્ર રાજાને સમજાવે છે કે તમારા મનમાં જે શંકા છે તેને કારણે મારા સંકલ્પનું બ્રહ્માંડ તમે અનુભવી શકતા નથી. રાજાનું મન શંકા-રહિત નિર્વિકલ્પતાને પામતાં રાજા પણ તે બ્રહ્માંડમાં પ્રવેશી શકે છે, તે બ્રહ્માંડને અનુભવી શકે છે. અહીં પણ નિર્વિકલ્પ સંકલ્પ વાસ્તવિક ઘનતામાં રૂપાંતરિત થયો હોય તેમ દર્શાવાયું છે.
મન ત્યારે જ પરિણામ આપી શકે જ્યારે તે સ્થિર હોય. મનને વિચલિત કરતી બાબતો પ્રત્યેથી મનને દૂર કરી એક ચિત્તે ચોક્કસ બાબતમાં મનને પરોવી દેવાથી સંકલ્પની સિદ્ધિ મળી શકે. સંકલ્પ સિદ્ધ થયા પછી જ તેનાથી ઉદ્ભવેલી ઘનતાની અનુભૂતિ થઈ શકે. મનનું નિયંત્રણ બહુ જરૂરી છે, આમ તો મનની શુદ્ધતા પણ જરૂરી છે. પણ ક્યાંક એમ લાગે છે કે અશુભ વિચારો પણ નિર્વિકલ્પતાથી ઘનતાને પામી શકે. મનના નિયંત્રણ માટે, મનની સાત્ત્વિકતા માટે, મનની પવિત્રતા માટે તેથી જ જોર અપાય છે. જો સંકલ્પ નકારાત્મક હોય તો સમગ્ર સમાજને નુકસાન થઈ શકે, પરંતુ હકીકત તો એ જ છે કે કોઈપણ પ્રકારના પરિણામ માટે મનની એક જ વિચાર પ્રત્યેની નિષ્ઠા અને તેમાં સાતત્યતા જરૂરી છે.
આમ પણ મનને મર્કટ સાથે સરખાવવામાં આવ્યું છે. તે પણ એવું મર્કટ કે જેણે મદિરાપાન કર્યું છે, જે પાગલ છે અને જેને વીંછીએ ડંખ માર્યો છે. આ પ્રકારનું મન કોઈનાં કાબૂમાં ન રહે. છતાં પણ જો સાધનાથી મન કાબૂમાં આવી જાય તો તેનો સાધન તરીકે ઉપયોગ કરી સ્વર્ગ કે નર્ક, એ બંનેની રચના થઈ શકે- અને આ સ્વર્ગ તથા નર્ક બંનેની અનુભૂતિ પણ થઈ શકે. જાણે બંને વાસ્તવમાં અસ્તિત્વમાં આવ્યા હોય- બંને સ્થૂળ સઘનતાને પામ્યાં હોય. આવું સ્વર્ગ વ્યક્તિની આકાંક્ષાઓને પણ પૂરી કરી શકે. અહીં વ્યક્તિ એ ધારેલ બાબત અસ્તિત્વમાં આવી શકે અને જે તે વ્યક્તિ તેને જે તે ઇચ્છિત રીતે ભોગવી પણ શકે. સંકલ્પની ઘનતાનું આ પ્રમાણ છે.
મૂળ પ્રશ્ન એ છે કે જ્યાં મન સ્વયં પરીકલ્પના છે ત્યાં તેના સંકલ્પથી સર્જાયેલ પરિસ્થિતિ વાસ્તવમાં કઈ રીતે હોઈ શકે. એક બાજુ આપણે સમગ્ર સૃષ્ટિને કલ્પના સમાન ગણીએ છીએ - સમગ્ર બ્રહ્માંડને ભ્રમ તરીકે સ્થાપવાનો પ્રયત્ન કરીએ છીએ, તો પછી મનના નિર્વિકલ્પ સંકલ્પ થકી સઘનતા કઈ રીતે પામી શકે.
જો બધું જ પરબ્રહ્મની ભાવના સમાન જ હોય અને તેની ભાવના દૃઢ હોવાને કારણે આપણને સઘનતા પ્રતીત થતી હોય, તો પણ અંતે તો આ એક ભાવના માત્ર છે. આ ભાવનાના ભાગરૂપે આપણો આત્મા પ્રકાશિત થયો છે. આ ભાવનાના ભાગરૂપે જ મન-બુદ્ધિ-ચિત-અહંકાર અસ્તિત્વમાં આવ્યા છે અને અંતે આ ભાવનાને કારણે જ પંચમહાભૂત પરસ્પરના સંકલનથી જુદા જુદા સ્વરૂપ ધારણ કરે છે. ભાવનામય વિશ્વમાં સઘનતા ક્યાંથી શક્ય બને. પ્રશ્ન મોટો છે.
અહીં સમજવાની વાત એ છે કે ઈશ્વરના સંકલ્પથી સૃષ્ટિ અસ્તિત્વમાં આવી છે. આ સૃષ્ટિના જીવંત તત્ત્વને પોતાના સંકલ્પ માટે અધિકાર આપવામાં આવ્યો છે. આ અધિકારથી વ્યક્તિ સૃષ્ટિના સંકલ્પનો વિરોધ પણ કરી શકે, તેને ચાલુ પણ રાખી શકે, અથવા તો તેને સમાંતર હોય તેવો અન્ય વિકલ્પ પોષી શકે. સરળ એ બની રહે કે ઈશ્વરના સંકલ્પને સંકલ્પ તરીકે જોવો. એ સંકલ્પ સાથે જો તાદાત્મ્યતા કેળવાય જાય તો સંસાર સઘનતા પૂર્વકનો વાસ્તવિક જણાય. પરંતુ જો મૂળથી વિચાર કરી સંસારને સંકલ્પના પરિણામ સમાન જ જોવામાં આવે તો આ સંસાર ક્ષણભરમાં નાશ પામે. વ્યક્તિએ શું જોવું છે તે તેના હાથમાં હોય છે. ભીંત છે પણ ખરી અને નથી પણ.
જે સઘનતા અનુભવાય છે તે મનનો વ્યભિચાર છે. જે સ્થૂળ વિશ્વની પ્રતીતિ થાય છે તે ક્યાંક મનની ભાવનાનું પ્રતિબિંબ છે. હોવું કે ન હોવું એ બાબતને માત્ર પરિકલ્પના સમાન ગણી શકાય. જે અનુભવાય છે અથવા જે અનુભવાતું હોય તેમ જણાય છે તે અનેક જન્મોથી પ્રભુત્વ ધરાવતી માયાનો પ્રપંચ માત્ર છે. એમ જણાય છે કે અવિદ્યા તથા અજ્ઞાનના આવરણથી બંધાયેલ મનુષ્ય પરમકલ્પનાને સઘન માની લે છે. યુગોના એકધારા અ-સંસ્કારને કારણે જે નથી તે જોવાની આદત તો નથી પડી ગઈ છે. સંકલ્પની સઘનતા એક ભ્રમ માત્ર જ છે.