Sat Sep 12 2026

Logo

‘ત્રીજા મુંબઈ’ના વિરોધમાં ખેડૂતો આક્રમકઃ રાયગઢના 124 ગામના રહેવાસીઓએ આપી ચીમકી, એક ઇંચ જમીન નહીં આપીએ....

2026-08-25 16:19:00
Author: Mumbai Samachar Team
‘ત્રીજા મુંબઈ’ના વિરોધમાં ખેડૂતો આક્રમકઃ રાયગઢના 124 ગામના રહેવાસીઓએ આપી ચીમકી, એક ઇંચ જમીન નહીં આપીએ....

જમીન આપવાનો ઇનકાર કરીને ખેડૂતોએ MMRDA સામે વિરોધ નોંધાવ્યો

મુંબઈ/રાયગઢ: મહારાષ્ટ્ર સરકારના મહત્વાકાંક્ષી ‘થર્ડ મુંબઈ’ એટલે ત્રીજા મુંબઈના પ્રસ્તાવિત પ્રોજેક્ટને લઈને રાયગઢ જિલ્લાના 124 ગામોના ખેડૂતોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેઓ પ્રોજેક્ટ માટે પોતાની જમીનની એક ઇંચ પણ આપવા તૈયાર નથી. ખેડૂતોની સમિતિએ સરકારના 22.5 ટકા લેન્ડ-પૂલિંગ મોડલને પણ નકારી કાઢ્યું છે અને જમીન સંપાદન કે નવા સર્વે પહેલાં 25,000 વાંધાઓ તથા ગ્રામસભાના ઠરાવો પર સુનાવણી કરવાની માગણી કરી છે.

‘થર્ડ મુંબઈ’ તરીકે ઓળખાતું કેએસસી ન્યૂ ટાઉન ઉરણ, પનવેલ અને પેણ તાલુકાના 124 ગામોમાં આશરે 323 ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિકસાવવાનું આયોજન છે. અટલ સેતુ, નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટી (જેએનપીએ) સાથે જોડાયેલા આ પ્રોજેક્ટને ભવિષ્યના આર્થિક કેન્દ્ર તરીકે વિકસાવવાની સરકારની યોજના છે.

થર્ડ મુંબઈ વિરોધી સમિતિના પ્રતિનિધિઓએ રાજ્ય સરકાર અને એમએમઆરડીએના અધિકારીઓ સાથેની બેઠકમાં ખેડૂતોનો વિરોધ સ્પષ્ટ કર્યો હતો. સમિતિએ સરકારની 22.5 ટકા વિકસિત જમીન આપવાના મોડલ ઉપરાંત રોકડ તથા એફએસઆઈ કે ટીડીઆરના વિકલ્પોને પણ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. ખેડૂતોનું કહેવું છે કે આ મોડલ તેમના હિતોનું પૂરતું રક્ષણ કરતું નથી.

ખેડૂતોના જણાવ્યા મુજબ અગાઉ સિડકો, જેએનપીટી અને નવી મુંબઈ એરપોર્ટ માટે થયેલા જમીન સંપાદનનો અનુભવ સારો રહ્યો નથી. આ જ કારણસર તેઓ થર્ડ મુંબઈ પ્રોજેક્ટમાં ખેતીલાયક જમીન, ઘરો અને હાલની વસાહતો પર અસર થવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. સમિતિના અધ્યક્ષ સુધાકર પાટીલે જણાવ્યું હતું કે અગાઉના જમીન સંપાદનથી ખેડૂતોની થયેલી હાલત તેઓ જોઈ ચૂક્યા છે અને થર્ડ મુંબઈમાં આ સ્થિતિ ફરી સર્જાવા નહીં દે.

પેણ તાલુકાના હેટવણે સિંચાઈ પ્રોજેક્ટ હેઠળ આવતા 50થી વધુ ગામોને લઈને પણ ખેડૂતોએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કાર્યકારી અધ્યક્ષ સંતોષ ઠાકુરે જણાવ્યું હતું કે આ ગામો સિંચાઈ વ્યવસ્થા પર નિર્ભર છે ત્યારે ફળદ્રુપ ખેતીની જમીનને શહેરી વિકાસ માટે કેમ ફેરવવામાં આવી રહી છે તે સરકાર સ્પષ્ટ કરે. ખેડૂતોની માગ છે કે આ વિસ્તારમાં ખેતીને પ્રોત્સાહન આપતું વૈકલ્પિક મોડલ તૈયાર કરવામાં આવે.

વિરોધ વચ્ચે ખેડૂતોની સમિતિએ 16 માર્ચ, 2026ની જમીન નીતિ હેઠળની પ્રક્રિયાને બદલે જમીન સંપાદન માટે 2013ના ‘રાઈટ ટુ ફેર કોમ્પેન્સેશન એન્ડ ટ્રાન્સપરન્સી ઇન લેન્ડ એક્વિઝિશન, રિહેબિલિટેશન એન્ડ રિસેટલમેન્ટ એક્ટ’ મુજબ કાર્યવાહી કરવાની માગ કરી છે. સાથે જ 124 ગામોમાં જમીનના વ્યવહારો પર રોક, હેટવણે પ્રોજેક્ટ સાથે જોડાયેલા 50થી વધુ પેણ ગામોને થર્ડ મુંબઈમાંથી બહાર રાખવા અને એમએમઆરડીએના સર્વે તાત્કાલિક બંધ કરવાની માગ કરવામાં આવી છે.

ખેડૂતોનો આક્રોશ 15 ઓગસ્ટે વધુ સ્પષ્ટ બન્યો હતો, જ્યારે તેમણે કોંકણ વિભાગીય કમિશનરની કચેરી બહાર પ્રતિકાત્મક ભૂખ હડતાળ કરી હતી ત્યાર બાદ પ્રતિનિધિમંડળે અર્બન ડેવલપમેન્ટ વિભાગના અધિકારીઓ અને એમએમઆરડીએના  વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. સમિતિના મહાસચિવ રૂપેશ પાટીલે જણાવ્યું હતું કે 25 હજાર વાંધાઓ અને ગ્રામસભાના ઠરાવો પર સુનાવણી કર્યા વિના આગળ વધવું કુદરતી ન્યાયના અધિકારનું ઉલ્લંઘન છે.

જૂનમાં પણ 124 ગામોના સેંકડો રહેવાસીઓ ચિર્ણેર જંગલ સત્યાગ્રહ હુતાત્મા સ્મારક ખાતે એકત્ર થયા હતા અને જમીન ન આપવાનો સંકલ્પ લીધો હતો. દરમિયાન, મહારાષ્ટ્ર સરકારે થર્ડ મુંબઈના માસ્ટર પ્લાન માટે સિંગાપોર સ્થિત કંપનીની સલાહકાર તરીકે નિમણૂક કરી છે. 

બીજી તરફ એમએમઆરડીએનું કહેવું છે કે પ્રોજેક્ટ તમામ કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન કરીને આગળ વધારવામાં આવી રહ્યો છે અને શહેરી વિકાસ સાથે સ્થાનિક ગામો તથા આસપાસના રહેવાસીઓના હિતો વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હવે ખેડૂતોની 25 હજાર વાંધાઓ પર સુનાવણી થાય છે કે નહીં અને સરકાર તેમની માગણીઓ અંગે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.