‘સ્ત્રીઓને ઓછી આંકવાની ભૂલ ક્યારેય ન કરવી....એ ઘણો બોજો ઉઠાવી શકે છે.’ રાધાએ કહ્યું.
સન્ડે ધારાવાહિક - અનિલ રાવલ
બીજે દિવસે રાધા ગુલાબ કુંજવાળા રસ્તે ગઈ. ગુલાબ કુંજને જોડતી એક સાંકડી ફૂલ ગલી હતી. ગલીમાં બંને બાજુ ગુલાબ, મોગરા, જુઇ, જાસૂદ, ગલગોટા સહિતના જાતજાતનાં ફૂલો ભરેલી ટોકરીઓ વેંચતી બાઇઓ બેઠી હતી. કેટલાક લોકો ભાવ માટે રકઝક કરતા હતા.
‘આજ ગોપાલા કો શિંગાર મેં ગુલાબ કે ફૂલ કી માલા હોગી.....’ રાધાની સામે ટોકરી ધરીને એક બાઇએ કહ્યું. રાધાએ ભાવતાલ કર્યા વિના સો રૂપિયામાં એક નાની ટોકરી ખરીદી લઇને બાઇની સામે જોયું.
‘અપને હાથોં સે ફૂલઘર મેં દે દો....’ બાઇએ ફૂલઘરનો રસ્તો ચીંધ્યો. રાધા ફૂલ આપવા લગભગ પંદરેક પગથિયાં ચડીને ફૂલઘરમાં ગઇ. સંખ્યાબંધ મહિલાઓ ફૂલોને અલગ તારવતી હતી...કેટલી ફૂલમાળાઓ બનાવતી હતી. એણે જય ગોપાલા કહીને એક મહિલાને ટોકરી આપી. મહિલાએ ગુલાબના ઢગલા સાથે એના ગુલાબ ભેળવી દઇને ટોકરી પાછી આપી. દરમિયાન રાધાએ જાતજાતના ફૂલો, માળા ગૂંથતી બાઇઓથી લઇને અંદરનો પૂરો નજારો ફોટોગ્રાફિક મેમરીમાં ઉતારી લીધો. પાછી ફરી ત્યારે બાઇ ખાલી ટોકરી લેવા તૈયાર જ ઊભી હતી.
******
રાધા જરા આગળ ચાલી ત્યાં પાછળથી અવાજ આવ્યો: ‘દૂધ લે લો.....દૂધ...ગોપાલા કો દૂધ કા ભોગ ચડાવો...’ જાણીતો અવાજ કાને અફળાયો. પુરોહિત ચાવાળાને ત્યાં સાંભળેલો એ જ અવાજ...રાધાએ એને ધારીને જોયો. દમદાર અવાજ, લંબગોળ ચહેરા પર પાણીદાર આંખો..ખડતલ શરીર. રાઘવ દૂધનો ઘડો ખભે ચડાવીને ઊભો હતો.
દસ લિટર બચા હૈ...દસ રૂપિયા લિટર...દું. રાધાએ સોની નોટ આપીને દૂધ ખરીદી લીધું.
‘મેડમજી, દસ લિટર હૈ....આપ વજન નહીં ઉઠા પાઓગી...ચલો રસોઇ ઘર મેં છોડ દેતા હું’ રાઘવે કહ્યું.
રાધા કોઇ પ્રતિભાવ આપ્યા વગર ઘડો કાંખમાં નાખીને રસોઇ ઘરના દાદરા ચડી ગઇ. રાઘવે ફાળિયું કસીને કમરે બાંધ્યું, વાળ ઝાટકીને રાધાની ખુમારી જોતો રહી ગયો. રસોઇ ઘરના દરવાજે લખ્યું હતુ: ‘પ્રવેશ નિશિદ્ધ.’ પ્રવેશદ્વાર પર એક જણ યંત્રવત્ત જય ગોપાલા બોલીને દૂધનો ઘડો લઇને અંદર ગયો. રાધા આસપાસ નજર કરી રહી હતી. એ પાછો આવ્યો એટલે જય ગોપાલા બોલીને રાધાએ એના હાથમાં દસ રૂપિયાની નોટ મૂકતા કહ્યું: ‘આ તમારી સેવા માટે છે.’ હાથ જોડીને પેલા માણસે કહ્યું: ‘આપ ભોગ કે લિયે જો કૂછ ભી સીધાસામાન દેના ચાહતી હો.....દાનાપાની, સબ્જી, ફલફૂલ, ઘી, તેલ....યહાં દિજિયે.’
‘કલ મૈં કૂછ સામાન લાઉંગી....મુઝે અપને હાથોં સે રસોઇ ઘર મેં રખના હૈ.....મૈં સમઝુંગી મૈંને ગોપાલા કે ચરનો મેં રખા હૈ...’
‘કલ ઇસી સમય આઇએ.....મૈં યહીં રહુંગા...’ પેલો માણસ બોલ્યો ને રાધા દસની નોટની કમાલ જોઇને હસી પડી. રાધાએ મંદિરના દરેક ખૂણાની રેકી શરૂ કરી દીધી હતી. રાધા બહાર આવી. રાઘવ સામે જ ઊભો હતો.
‘સ્ત્રીઓને ઓછી આંકવાની ભૂલ ક્યારેય ન કરવી... એ ઘણો બોજો ઉઠાવી શકે છે.’ રાધાએ દૂધનો ખાલી ઘડો પાછો આપતાં કહ્યું.
‘તો કાલે પણ દસ લિટર આપું?’ રાઘવે કહ્યું.
‘ના, કાલે ગોપાલાનાં ચરણોમાં બીજો સામાન ધરવો છે.’ રાધા બોલી. રાઘવ કોઇ ઊંડા વિચારમાં પડી ગયો. જય ગોપાલા બોલીને એ નીકળી ગયો. રાધા એની ચાલ જોતી ઊભી રહી.
******
સાંજે છ પછી રાધા પુરોહિત ચાવાળાને ઘરે ગઇ. પુરોહિતને કામ જાણવાની ઉત્સુકતા હતી અને રાધાને એની પાસેથી એસેટ તરીકે કામ કરાવવાની ઉતાવળ હતી, પણ બધો આધાર પુરોહિતના જવાબ પર હતો.
‘પધારો,’ પુરોહિતનો મીઠો આવકારો સંભળાયો. રાધા ઓસરીના હિંચકે બેઠી. આસપાસ નજર કરી.
‘ઘરમાં બીજું કોઇ નથી?’ એણે પૂછ્યું.
‘પત્ની પિયર ગઇ છે. છોરો અને એની લુગાઇ જયપુરમાં રહે છે....હું એકલો જ છું...એટલે જ મેં તમને ઘરે બોલાવ્યાં.’
‘મતલબ...?’ રાધાની આંખના ભંવા ઊંચા ચડી ગયા.
‘મતલબ એ કે તમે મને જે કામ સોંપવાના છો એની જાણ કદાચ મારે મારી પત્નીને પણ કરવાની ન હોય તો.....આપણે એકલાં જ મળવું પડેને....?’ પુરોહિતે સ્પષ્ટતા કરી. રાધાને પુરોહિતનો તેજ દિમાગ જોઇને માન થઇ ગયું. એણે પગની ઠેંસ મારીને હિંચકાને ઝુલતો કર્યો.
‘તમે દેશ માટે કામ કરવા તૈયાર છો પુરોહિતજી.....? ફક્ત હા કે નામાં જવાબ આપજો.’ રાધા મુદ્દાની વાત પર આવી.
પુરોહિત આંચકો ખાઇ ગયો. આવા સવાલની એણે ક્યારેય કલ્પના કરી નહતી...અને જવાબ હા કે નામાં આપવાનો હતો. એ એકીટસે રાધાને જોઇ રહ્યો... એના મોઢાના હાવભાવ નિરખતો રહ્યો....
‘તમે ના પાડશો તો આપણે આ વાતને અહીં જ દફનાવીને જય ગોપાલા કરીને છુટા પડીશું અને હા પાડશો તો તમારા મનમાં રમતા દરેક સવાલનો હું જવાબ આપીશ.’ રાધાએ કહ્યું.
‘હા...’ પુરોહિત ચાવાળો બોલ્યો ને રાધાએ પગથી હિંચકો થોભાવ્યો. એના ચહેરા પર એક અનેરી મુસ્કાન ફરકી.
‘પુરોહિતજી, તાલીમ લેવી પડશે અને આ માટે કોઇ યુનિવર્સિટીમાં કે કોલેજમાં કે એકેડેમીમાં જવાનું નથી. તમારો ચાનો ધંધો પૂરો થાય પછી હું તમને રોજ રાતે તાલીમ આપીશ....’
‘તાલીમમાં શું કરવાનું....?’ પુરોહિતે પૂછ્યું.
‘આજે બસ આટલું જ...તમારી તાલીમ શરૂ થશે આવતી કાલથી....રાતે નવ વાગ્યાથી ચિત્રકાર દેવીપ્રસાદજીના સ્ટુડિયોમાં.’
*****
રાધા રાતે ધરમશાળા પહોંચી ત્યારે જગદીશ એની રાહ જોતો હોય એમ બેઠો હતો. જય ગોપાલા બોલીને ચહેરા પર બાલીશ સ્મિત લાવ્યો.
‘બહુ મોડું થઇ ગયું તમને...’ જગદીશે વાતની શરૂઆત કરી.
રાધા હાથમાં પકડી રાખેલું રબ્બર બેન્ડથી વીંટાળેલું પેન્ટિંગ કાઉન્ટર પર મૂકીને ખભે લટકતા ઝોલામાંથી ચાવી શોધવા લાગી.
‘અમે બીજી ચાવી રાખીએ....ખોવાઇ જાય તો ચિંતા નહીં કરવાની.’ એ બોલ્યો.
‘ચાવી મળી ગઇ..’ કહીને રાધા જવા લાગી. ચાવી મળી એની નિરાશા જગદીશના ચહેરા પર ઊપસી આવી.
‘તમે દોરેલાં ચિત્રોના મને દર્શન કરાવજો....ક્યારેક.’ જગદીશનો ઇશ્કી મિજાજ દિલમાંથી નીકળીને શબ્દોમાં ગોઠવાઇ રહ્યો હતો. રાધાને પણ સમજાવા લાગ્યું હતું. જવાબમાં એને માત્ર સ્મિત મળ્યું.
*****
રાધાએ પુરોહિત ચાવાળામાં કેટલીક ખૂબીઓ જોઇ હતી. એક તો એ મોઢું જોયા વિના માત્ર અવાજ પરથી ઘરાક નવો છે કે જૂનો પારખી જતો હતો. બીજું, એની મેમરી ફોટોગ્રાફિક હતી.....એ જોયેલો ચહેરો ભૂલતો નહીં. વરસો પછી ચા પીવા આવનારા ભાવિકોને ઓળખી જતો.
બીજે દિવસે રાતે નવને ટકોરે પુરોહિત દેવીપ્રસાદજીના ઘરે પહોંચી ગયો.....નક્કી થયા મુજબ તાલીમ વખતે દેવીપ્રસાદ હાજર રહેવાના ન હતા...તાલીમ માત્ર પુરોહિત માટે હતી એટલે દેવીપ્રસાદજીએ અલગ રૂમમાં બંનેને ગોઠવી દીધા.
‘પુરોહિતજી, તમને શંકા જાય એ માણસનો ચહેરો જોઇને તમારે માત્ર સાત શબ્દોમાં કોડવર્ડમાં લખવાનું. દાખલા તરીકે....માંજર, મહેંદી, તલ, ભગવા, કડું, બાલિ....આ બધા કોડવર્ડ છે. માંજર એટલે એ માંજરી આંખો, માથામાં મહેંદી, કાળો કે લાલ તલ, ભગવા કપડાં...હાથમાં કડ઼ું ને કાનમાં બાલી છે. આને કહેવાય કોડ આઇડેન્ટીફિકેશન એટલે કે સાંકેતિક ભાષા લખવી અને ઉકેલવી.’
‘બોલવા-ચાલવાની કોઇ ખાસિયત હોય તો ધ્યાનમાં રાખીને લખવાનું.....જેમ કે એ હકલાતો હોય કે ખોડંગાતો હોય. હકલાતો હોય તો હાકલ લખવું ને ખોડંગાતો હોય તો ચાલ લખવું.’
‘માણસની બોલી બદલાતી નથી...બોલી અને શબ્દો પરથી એ કયા પ્રદેશનો કે દેશનો છે એની તરત જ ખબર પડી જાય...અને સૌથી મહત્ત્વની વાત....તમારી પર કોઇને શંકા જવી ન જોઇએ. હવે બીજી મહત્ત્વની વાત. તમારે કોડવર્ડમાં લખીને ચિઠ્ઠી ગામના પાદરે આવેલા શંકર ભગવાનના મંદિરની દાનપેટીમાં નાખી દેવી અને હું ચા પીવા આવું ત્યારે શંકર શંભો કહીને ચા આપવી. આપણો કોડવર્ડ શંકર શંભો.’
*****
રાધા ધરમશાળામાં પાછી ફરીને એ પલંગ પર આડી પડી. થોડીવારમાં એની આંખ મિંચાવા લાગી ત્યાં એનાં ફોનની રિંગ વાગી. એણે ધીમેથી હેલો કહ્યું.
‘વો વેસ્ટ બંગાલ કે માલદા સે ઘૂસ ચૂકા હૈ....મેરે ખયાલ સે વો અકેલા નહીં હોગા....’ રોના ચીફ રવિ જયસ્વાલનો ઠંડી આગ ઝરતો અવાજ આવ્યો.
‘સર, વો ખાલી હાથ ભી નહીં હોંગેં....મૈં ખાલી હાથ હું....’
‘તુમ્હારા હાથ ખાલી નહીં હૈ....તૂમ જુડો, કરાટે, કૂંગ-ફૂ, શીખી હો....વો તાલીમ કબ કામ આયેગી.....?’ રોના ચીફ બોલી રહ્યા હતા ત્યારે રાધાને રૂમની બહાર કોઇ અવાજ આવ્યો. ફોન કાપીને ઝડપથી દરવાજો ખોલ્યો...બહાર જગદીશ ઊભો હતો.
‘શું થયું...કેમ અહીં ઊભો છે...?’ રાધા બગડી.
‘બાજુના રૂમમાં રજાઇ આપવા જતો હતો....થયું તમને પૂછી જોઉં....તમારે વધુ ઓઢવાનું જોઇએ છે...ટાઢ બહુ છે.’
‘ના...’ કહીને રાધાએ ગુસ્સામાં દરવાજો જોરથી બંધ કર્યો. જગદીશ ચોરીછૂપીથી વાત સાંભળતો હશે કે રજાઇને બહાને મારી નિકટ આવવા માગતો હશે. એ વિચારતી બારી પાસે ગઇ..એણે નીચે નજર કરી....એક શખસ ઝડપથી ધરમશાળામાંથી નીકળીને લપાતોછુપાતો અદ્રશ્ય થઇ ગયો. રાધા ઝડપથી નીચે ઊતરીને કાઉન્ટર પર ગઇ.
‘હમણાં ગયો એ કોણ હતો....?’ એણે જગદીશને પૂછ્યું.
‘મને કેમ ખબર પડે....હું તો ઉપર રજાઇ આપવા ગયો હતો....તમે તો મને જોયો....’ જગદીશ બોલ્યો.
‘કોઇ તો છે આ ધરમશાળામાં..’ વિચારતી રાધા રૂમમાં પાછી ફરી. કડકડતી ઠંડીમાં રાધા અને શંકાનો કીડો રાતભર રજાઇમાં સળવળતા રહ્યા.
(ક્રમશ:)