Fri Sep 04 2026

Logo

થાણે ઝૂ પ્રોજેક્ટ: થાણેમાં રાણીબાગ જેવો ભવ્ય પ્રાણીસંગ્રહાલય બનાવવા  ૧૦ કરોડ રૂપિયા સરકાર આપશે

2026-08-04 08:28:00
Author: Sapna Desai
થાણે ઝૂ પ્રોજેક્ટ: થાણેમાં રાણીબાગ જેવો ભવ્ય પ્રાણીસંગ્રહાલય બનાવવા  ૧૦ કરોડ રૂપિયા સરકાર આપશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણેમાં  વધી રહેલા શહેરીકરણની પૃષ્ઠભૂમિમાં ભાયખલાના પ્રાણીસંગ્રહાલય જેવું ભવ્ય બોટનિકલ ગાર્ડન અને આધુનિક પ્રાણી સંગ્રહાલય થાણેમાં ઊભું કરવામાં આવવાનું છે, તે માટે રાજ્ય સરકાર દ્વારા ૧૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. 

અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટે આ પહેલ માટે મંજૂરી આપી દીધી છે અને પહેલા તબક્કા માટે ૧૦ કરોડ રૂપિયાના નોંધપાત્ર ભંડોળની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ સાથે જ  થાણેવાસીઓેેએ હવે વન્યજીવન અને જૈવ વિવિધતાનો આનંદ માણવા માટે મુંબઈ પર નિર્ભર રહેવું પડશે નહીં. શહેરમાં જ વિશ્ર્વ કક્ષાનું પ્રવાસન કેન્દ્ર ઊભું કરવામાં આવશે.
આ પ્રોજેક્ટ ટીકુજીની વાડી વિસ્તારમાં ૧૦ હેક્ટર જમીન પર અમલમાં આવશે. ચિતલસર-માનપાડા (ટીકુજીની વાડી) ખાતે ૧૦ હેક્ટરના અનામત પ્લોટ પર આ બહુપ્રતિક્ષિત પ્રોજેક્ટ વિકસાવવામાં આવશે. 

મહાનગરપાલિકાના વિકાસ કામો માટે મંજૂર થયેલા કુલ ૧૫૦ કરોડ રૂપિયાના ભંડોળમાંથી આ નેચર પાર્ક માટે પ્રારંભિક ભંડોળ ફાળવવામાં આવ્યું છે. આ સ્થળે માત્ર પ્રાણીઓ જ નહીં પરંતુ દુર્લભ છોડની જાળવણી, જૈવ વિવિધતા સંશોધન કેન્દ્ર અને નાગરિકો માટે વોકિંગ ટ્રેક જેવી આધુનિક સુવિધાઓ બનાવવામાં આવશે. ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓ માટે, પ્રોજેક્ટ પર્યાવરણીય શિક્ષણ અને હાથથી શીખવા માટેનું કેન્દ્રબિંદુ બની રહેશે. શહેરીકરણ અને પર્યાવરણને સંતુલિત કરવાનો પ્રયાસ આ માસ્ટરપ્લાન ગ્રીન બેલ્ટને જાળવવા અને શહેરમાં સિમેન્ટના જંગલ વધતા પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવ્યો છે. 

ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રધાન પ્રતાપ સરનાઈકના જણાવ્યા અનુસાર ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેના માર્ગદર્શન હેઠળ  આ ભંડોળને મંજૂરી આપવામાં આવી છે. તેની પાછળનો મુખ્ય હેતુ શહેરનો વિકાસ કરતી વખતે પ્રકૃતિનું સંતુલન જાળવવાનો છે. આ પાર્કને એવી રીતે ડિઝાઇન કરવામાં આવશે કે થાણે શહેરને ભવિષ્યમાં માત્ર રહેણાંક કે ઔદ્યોગિક કેન્દ્ર તરીકે નહીં પણ એક મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે ઓળખવામાં આવે.