મહિલા પોલીસને કારની અડફેટે લેવાનો આરોપીએ વારંવાર પ્રયત્ન કર્યો: કર્ણાટકથી ચોરાઈ કાર
થાણે: થાણેમાં કારચોર અને ટ્રાફિક વિભાગની મહિલા પોલીસ વચ્ચે રાતના સમયે જીવસટોસટનો ખેલ ખેલાયો હતો. ફિલ્મી સીનને છાજે એમ નાકાબંધી તોડીને ભાગેલી કારનો મહિલા અધિકારીએ ડિલિવરી બૉયની બાઈક પર દસેક કિલોમીટર સુધી પીછો કર્યો હતો. આ દરમિયાન આરોપીએ મહિલા પોલીસને વારંવાર કારની અડફેટે લેવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ અધિકારીએ તેનો પીછો છોડ્યો નહોતો. આખરે કર્ણાટકથી ચોરવામાં આવેલી કારને ઘોડબંદર રોડ પર આંતરવામાં સફળતા મળી હતી, પરંતુ કારચોર પલાયન કરી ગયો હતો.
ડેપ્યુટી પોલીસ કમિશનર (ટ્રાફિક) પંકજ શિરસાટે જણાવ્યું હતું કે ઘટના રવિવારની રાતે બની હતી. કર્ણાટકથી ચોરવામાં આવેલી એક કાર નવી મુંબઈની દિશામાંથી થાણે શહેર તરફ આવી રહી હોવાની માહિતી ટ્રાફિક કંટ્રોલ રૂમમાંથી મળી હતી.
માહિતીને આધારે કાપૂરબાવડી ટ્રાફિક વિભાગની ટીમે થાણેના ગોલ્ડન ડાયસ ક્રોસ ખાતે નાકાબંધી કરી હતી. કર્ણાટકના રજિસ્ટ્રેશનવાળી કિયા સેલ્ટોસ કાર શંકાસ્પદ જણાતાં ટ્રાફિક પોલીસની ટીમે તેને રોકવાનો ઇશારો કર્યો હતો.
કહેવાય છે કે કાર ધીમી કરવાને બદલે ડ્રાઈવરે પુરપાટ વેગે દોડાવી મૂકી પોલીસની ટીમને કચડવાનો પ્રયાસ કર્યો હતો. તેજ ગતિએ કાર ઘોડબંદર રોડ તરફ જતાં સમય ગુમાવ્યા વિના મહિલા અધિકારી આશા હાકેએ બાઈક પર જઈ રહેલા ડિલિવરી બૉયને રોક્યો હતો.
હાકેએ ડિલિવરી બૉયની બાઈકની મદદથી ઘોડબંદર રોડ પર કારનો પીછો કરવા માંડ્યો હતો. મહિલા અધિકારી પીછો કરતી હોવાનું જોઈ આરોપીએ વારંવાર તેને કારની અડફેટે લેવાનો પ્રયાસ કર્યો હતો. બેદરકારીથી કાર ચલાવી અન્ય વાહનોને ટક્કર મારવાનો પણ તેણે પ્રયત્ન કર્યો હતો. આખરે સાતથી આઠ કિલોમીટર પીછો કર્યા પછી વિજય ગાર્ડન સિંગ્નલ પાસે કારને રોકવામાં આવી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે કાર છોડીને આરોપી ભાગવા લાગ્યો હતો. અધિકારીએ ત્રણેક કિલોમીટર પીછો કરીને આરોપીના શર્ટને પકડી પાડ્યો હતો, પરંતુ ઝટકો મારી આરોપી ફરાર થઈ ગયો હતો. ફરાર આરોપીની શોધ ચલાવાઈ રહી છે. જપ્ત કરાયેલી કાર બેળગામ પોલીસને સોંપાઈ હતી. વધુ કાર્યવાહી બેળગામ પોલીસ કરી રહી છે. (પીટીઆઈ)