થાણે: થાણે જિલ્લાના કલ્યાણની 51 વર્ષની મહિલાએ ડૉક્ટરની ઓનલાઇન એપોઇન્ટમેન્ટ બુક કરવાના પ્રયાસમાં 8.18 લાખ રૂપિયા ગુમાવ્યા હતા. મહિલાએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
હોસ્પિટલ શોધવા અને સંપર્ક કરવા માટેની વિગતો જાણવા મહિલાએ ડૉક્ટરનું નામ ગૂગલ પર સર્ચ કર્યું હતું અને એપોઇન્ટમેન્ટ બુક કરવા માટે તેણે ઓનલાઇન આપેલા મોબાઇલ નંબર પર સંપર્ક સાધ્યો હતો. સામેની વ્યક્તિએ પોતે ડૉક્ટર હોવાનું જણાવ્યું હતું અને મહિલા સાથે હિન્દીમાં વાત કરી હતી. તેણે મહિલા પાસે તેનો વ્હૉટ્સઍપ નંબર માગ્યો હતો અને ઍપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે કહ્યું હતું. તેણે મહિલાને એપીકે ફાઇલ મોકલી હતી અને યુપીઆઇ દ્વારા પાંચ રૂપિયા ટોકન ચૂકવવા માટે કહ્યું હતું.
30 જુલાઇએ મહિલા હૉસ્પિટલમાં પહોંચી ત્યારે તેના કર્મચારીઓએ તેમની સિસ્ટમમાં જોયા બાદ મહિલાને જણાવ્યું હતું કે તેના નામે કોઇ એપાઇન્ટમેન્ટ બુક કરાઇ નથી. કર્મચારીઓએ સ્પષ્ટતા કરી હતી કે હોસ્પિટલ ઓનલાઇન બુકિંગ સિસ્ટમ ઓફર કરતી નથી અને મહિલાએ આપેલો નંબર ખોટો છે અને તે હોસ્પિટલનો નથી.
2 ઑગસ્ટે મહિલાને જાણવા મળ્યું હતું કે તેના મોબાઇલમાં ડાઉનલોડ કરેલી એપીકે ફાઇલ દ્વારા અનેક અનધિકૃત ટ્રાન્ઝેક્શન્સ મારફત તેના બૅંક ખાતામાંથી 8.18 લાખ રૂપિયા ડેબિટ થઇ ગયા છે. મહિલાએ આ પ્રકરણે સાયબર સેલમાં ઔપચારિક ઓનલાઇન ફરિયાદ નોંધાવી હતી અને ત્યાર બાદ 3 ઑગસ્ટે ખડકપાડા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો, જ્યાં તેનું નિવેદન નોંધવામાં આવ્યા બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
(પીટીઆઇ)