Thu Oct 01 2026

Logo

‘ઈસ એરિયા મેં હમારા રાજ હૈ’ કહીને ચાકુના ઘા ઝીંકી યુવકની કરપીણ હત્યા

2026-05-31 19:34:00
Author: Yogesh C. Patel
‘ઈસ એરિયા મેં હમારા રાજ હૈ’ કહીને ચાકુના ઘા ઝીંકી યુવકની કરપીણ હત્યા

થાણેમાં મળસકે બનેલી ઘટનામાં તલવાર-ચાકુથી દહેશત ફેલાવી: સાત વિરુદ્ધ ગુનો

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે
: ‘ઈસ એરિયા મેં હમારા રાજ હૈ’ કહીને તલવાર-ચાકુથી દહેશત ફેલાવનારા સાત આરોપીએ ચાકુના ઘા ઝીંકી યુવકની કરપીણ હત્યા કરી હોવાની ઘટના થાણેમાં બની હતી.
પોલીસના જણાવ્યા મુજબ રવિવારના મળસકે ત્રણ વાગ્યાની આસપાસ બનેલી ઘટનામાં વિષ્ણુ નાયરનું મોત નીપજ્યું હતું. આ પ્રકરણે વર્તકનગર પોલીસે મુખ્ય આરોપી પ્રકાશ મારુતિ તિખે ઉર્ફે પક્યા, વિકી મારુતિ તિખે, વિકી કરોતિયા, સિદ્ધાર્થ ગૌતમ રોકડે અને ગણેશ દીવે સહિત સાત જણ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પોલીસ ફરિયાદ અનુસાર શાસ્ત્રીનગર ખાતે રહેતો ફરિયાદી પ્રવીણ ઈંગળે તેના મિત્રો સાથે વર્તકનગરમાં ઉપવન પરિસરમાં ચા પીતો હતો. તે સમયે આરોપી પક્યા અને ફરિયાદી વચ્ચે કોઈ વાતે વિવાદ થયો હતો. વિવાદમાં વિષ્ણુ નાયરે મધ્યસ્થી કરતાં આરોપી ગિન્નાયો હતો અને ત્યાંથી જતો રહ્યો હતો.થોડા સમય પછી પક્યા તેના સાથીઓ સાથે ત્રણ બાઈક પર ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તલવાર અને ચાકુ સાથે આરોપીઓએ દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. ગાળાગાળી કરી પક્યાએ ‘ઈસ એરિયા મેં હમારા રાજ હૈ’ કહ્યું હતું અને નાયરને ટાર્ગેટ કર્યો હતો. તેમનાથી બચવા નાયર ભાગવા લાગ્યો હતો. થોડે અંતરે જ તે પડી ગયો હતો અને આરોપીઓએ તેને પકડી પાડ્યો હતો.

ફરિયાદ અનુસાર પક્યાએ ચાકુથી ઘા કર્યા હતા, જ્યારે તેના ભાઈ વિકી તિખેએ પણ મારપીટ કરી હતી. હુમલા બાદ નાયરના મિત્રોને ‘તુમ લોગ જ્યાદા હોશિયાર બનોગે તો તુમકો ભી યહીં માર ડાલેંગે’ કહીને ધમકાવી આરોપી ત્યાંથી રવાના થઈ ગયા હતા. બેભાન અવસ્થામાં નાયરને વેદાંત હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. હૉસ્પિટલમાંથી માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ ફરાર આરોપીની શોધ ચલાવી રહી છે.