Thu Sep 10 2026

Logo

રેલવે હોસ્પિટલના નિવૃત્ત કર્મચારીએ સાયબર ફ્રોડમાં લાખો રૂપિયા ગુમાવ્યા

2026-08-01 17:19:27
Author: Yogesh D. Patel
રેલવે હોસ્પિટલના નિવૃત્ત કર્મચારીએ સાયબર ફ્રોડમાં લાખો રૂપિયા ગુમાવ્યા

થાણે: પેન્શન સંબંધી વિગતોને બહાને સાયબર ઠગોએ રેલવે હોસ્પિટલના નિવૃત્ત કર્મચારીનો મોબાઇલ હૅક કરીને સાત લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. દક્ષિણ મુંબઈના ભાયખલા વિસ્તારમાં આવેલી રેલવે હોસ્પિટલના ફરિયાદી વોર્ડબોય તરીકે કામ કરતો હતો અને તેના પેન્શન પેમેન્ટ ઑર્ડરના નંબર અંગે શંકાસ્પદ કૉલ આવ્યા બાદ તરત જ તેના બૅંક ખાતામાં અનધિકૃત વ્યવહારો થયા હતા.

એફઆઇઆર અનુસાર પાંચમી મેના રોજ આ ઘટના બની હતી, જ્યારે ફરિયાદીને એક વ્યક્તિનો કૉલ આવ્યો હતો, જેણે દાવો કર્યો હતો કે તે ડિવિઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ) ઓફિસથી બોલી રહ્યો છે અને તેણે ફરિયાદીને તેનો પેન્શન પેમેન્ટ ઓર્ડર (પીપીઓ) નંબર ચકાસણી કરવા માટે કહ્યું હતું. 

ફરિયાદીની પુત્રીએ કૉલરને કહ્યું હતું કે પેન્શન સંબંધી ફાઇલ સહેલાઇથી ઉપલબ્ધ થઇ નહોતી અને તે તેને પિતા સાથે મુંબઈની ઑફિસમાં મોકલશે. આ સાંભળીને કૉલરે તરત જ કૉલ કટ કરી નાખ્યો હતો. ત્યાર બાદ ફરિયાદીની જાણ બહાર તેના બૅંક ખાતામાંથી સાત લાખ રૂપિયા ડેબિટ થઇ ગયા હતા.

પોલીસે જણાવ્યું હતું કે ફરિયાદી સાથે મોબાઇલ પર વાત કરતી વખતે આરોપીએ તેનો મોબાઇલ હૅક કર્યો હતો. પોલીસે આ પ્રકરણે ભારતીય ન્યાય સંહિતા અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ આદરી હતી. (પીટીઆઇ)