થાણે: બિનહિસાબી મિલકતોના 2007ના કેસમાં સસ્પેન્ડ કરાયેલા ઈન્કમ ટૅક્સ (આઈટી) ઑફિસર અને તેમની પત્નીને કોર્ટે નિર્દોષ છોડ્યાં હતાં. સીબીઆઈની તપાસ ક્ષતિયુક્ત અને અણધારી છે, એવી નોંધ કરી કોર્ટે તપાસ એજન્સીની ટીકા કરી હતી.
સુપ્રીમ કોર્ટના ચુકાદાનો આધાર લેતાં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટ જજ ડી. એસ. દેશમુખે મંગળવારે જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારના કેસમાં પ્રતિવાદીએ ઉચિત શંકાની પાર પોતાને નિર્દોષ સિદ્ધ કરવાની જરૂર હોતી નથી.
કોર્ટે તે સમયે થાણેમાં ફરજ બજાવતા આવકવેરા વિભાગના અધિકારી અનિલ રત્નાકર મલ્લેલ (45) અને તેની પત્ની સુવર્ણા અનિલ મલ્લેલ (43)ને પ્રિવેન્શન ઑફ કરપ્શન ઍક્ટ અને ભારતીય દંડ સંહિતાની કલમ 109 હેઠળ નિર્દોષ જાહેર કર્યાં હતાં.
આ પ્રકરણે સીબીઆઈના એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી), મુંબઈએ જાન્યુઆરી, 2007માં ગુનો નોંધ્યો હતો. ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે અનિલ મલ્લેલે તેના પદનો દુરુપયોગ કરીને સપ્ટેમ્બર, 1991થી ડિસેમ્બર, 2006 દરમિયાન પોતાના અને પરિવારના નામે સંપત્તિ ભેગી કરી હતી.
પ્રારંભિક એફઆઈઆરમાં 15.34 લાખ રૂપિયાની બિનહિસાબી અસ્ક્યામતોની નોંધ હતી, જ્યારે સીબીઆઈએ નવેમ્બર, 2008માં રજૂ કરેલી ફાઈનલ ચાર્જશીટમાં આંકડો 28,57,984 રૂપિયા સુધી વધી ગયો હતો. ટ્રાયલ દરમિયાન બચાવ પક્ષના વકીલ એમ. એસ. મોરે દલીલ કરી હતી કે સીબીઆઈએ મલ્લેલની પત્ની અને તેની માતા દ્વારા લેવાયેલી આઠ લાખ રૂપિયાની જૉઈન્ટ લોન, 2000ની સાલથી પત્ની દ્વારા દાખલ કરાતા સ્વતંત્ર આઈટી રિટર્ન્સ, જનરલ પ્રોવિડન્ટ ફન્ડમાંથી ઉપાડેલાં નાણાં અને સંબંધીઓ પાસેથી લીધેલી દસ્તાવેજી લોન સહિતના રોકડ મેળવ્યાના પ્રમાણિત સ્રોતોની સંપૂર્ણ અવગણના કરી હતી.
મલ્લેલની અંગત મિલકત તરીકે ઘરની સર્ચ દરમિયાન 2.43 લાખ રૂપિયા મળ્યા હતા. એ નાણાં પોતાનાં હોવાનો દાવો મલ્લેલની માતાએ કર્યો હોવા છતાં સીબીઆઈએ તેની ખોટી રીતે રજૂઆત કરી હતી. કોર્ટે ફરિયાદ પક્ષના કેસને ફગાવતાં નોંધ કરી હતી કે ઊલટતપાસ દરમિયાન તપાસ અધિકારીએ વિવિધ કારણો આપ્યાં હતાં, જે આરોપીની આવક તરીકે યોગ્ય રીતે ધ્યાનમાં લેવાયાં નહોતાં, એવું દર્શાવે છે. (પીટીઆઈ)