Sat Oct 03 2026

Logo

‘રિન્કુ ક્યાં છે? આજે તેને ખતમ કરી નાખીશ...’

2026-08-04 20:06:00
Author: Yogesh D. Patel
‘રિન્કુ ક્યાં છે? આજે તેને ખતમ કરી નાખીશ...’

થાણેની હોટેલમાં ચોપર સાથે ઘૂસેલા શખસે કરી તોડફોડ: કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો

થાણે: થાણે રેલવે સ્ટેશનની નજીક આવેલી હોટેલમાં મંગળવારે વહેલી સવારે ચોપર સાથે ઘૂસેલા શખસે મેનેજરને જાનથી મારવાની ધમકી આપીને હોટેલમાં તોડફોડ કરી હતી, જેને કારણે ત્યાંના કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો હતો. હોટેલમાં તોડફોડને કારણે સવા લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનો આક્ષેપ પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યો હતો. થાણે નગર પોલીસે આ પ્રકરણે શખસ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ શરૂઆતમાં હોટેલની બહાર ઊભેલા કર્મચારીઓ પાસે બે હજાર રૂપિયાની માગણી કરી હતી. તેમણે રૂપિયા આપવાનો ઇનકાર કરતાં આરોપી ઉશ્કેરાયો હતો. આરોપીએ બાદમાં હોટેલના મેનેજરનો સંપર્ક સાધ્યો હતો અને રૂપિયાની માગણી કરી હતી અને થોડા સમય બાદ તે ચોપર સાથે હોટેલમાં ઘૂસ્યો હતો.

હોટેલમાં તેણે ચોપર દેખાડીને દહેશત નિર્માણ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે જોરજોરથી બૂમો પાડી રહ્યો હતો અને તેણે ‘રિન્કુ ક્યાં છે? આજે તેને ખતમ કરી નાખીશ’ એવી ધમકી આપી હતી. આરોપી ત્યાર બાદ વધુ આક્રમક બન્યો હતો અને એસી વિભાગમાં પ્રવેશીને તેણે કાચનો સામાન ફર્નિચર તથા અન્ય વસ્તુઓની તોડફોડ કરી હતી. આ ઘટનામાં હોટેલના કોઇ કર્મચારીઓને ઇજા થઇ ન હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસમાં નોંધાવાયેલી ફરિયાદમાં જણાવાયું હતું કે આરોપીએ હોટેલમાં કરેલી તોડફોડને કારણે સવા લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. પોલીસે આ પ્રકરણે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હોઇ આરોપીએ પૈસાની માગણી શા માટે કરી તેની પોલીસ તપાસ કરી રહી છે.