Thu Sep 03 2026

Logo

સરકારી જમીન પચાવી પાડવાનું કાવતરું: ભૂતપૂર્વ અધિકારી સહિત પાંચ સામે ગુનો

2026-03-13 17:54:00
Author: Yogesh C. Patel
સરકારી જમીન પચાવી પાડવાનું કાવતરું: ભૂતપૂર્વ અધિકારી સહિત પાંચ સામે ગુનો

થાણે: થાણે જિલ્લામાં બોગસ દસ્તાવેજોની મદદથી રાજ્ય સરકારની માલિકીની જમીન કથિત રીતે પચાવી પાડવા બદલ પોલીસે ભૂતપૂર્વ સરકારી અધિકારી સહિત પાંચ જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ રજિસ્ટ્રાર ઑફિસને ગેરમાર્ગે દોરી હતી. શાહપુર તાલુકામાં આવેલી બિરવાડી ગ્રામપંચાયત હેઠળનો પ્લૉટ ટ્રાન્સફર કરવા માટે જમીનના જૂના રેકોર્ડસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એમએસઆરડીસી)ના ડેપ્યુટી કલેક્ટર અને એડમિનિસ્ટ્રેટર (ન્યૂ ટાઉન્સ)ની ફરિયાદને આધારે આ ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે આરોપીઓએ જમીનની કાનૂની માલિકી ન હોવા છતાં 2010નો જૂનો 7/12 ઉતારા જોડીને સરકારી મિલકત પચાવી પાડવાનું કાવતરું ઘડ્યું હતું. તેમણે સરકારી માલિકીની જમીન ખાનગી વ્યક્તિને નામે અનધિકૃત રીતે ટ્રાન્સફર કરવા માટે ખોટા કાનૂની આર્ટિકલ્સની પસંદગી કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

એફઆઈઆરમાં આરોપી તરીકે એક ક્ધસ્ટ્રક્શન કંપનીના ભાગીદાર અજય વેદપ્રકાશ છાબરા, રજની અજય છાબરા, મંગેશ મહાદેવ કોળેકર અને રીના રત્નેશ જૈન તેમ જ ભિવંડીના જૉઈન્ટ ડેપ્યુટી રજિસ્ટ્રાર ઇન્ચાર્જ બી. એસ. ગાયકવાડનાં નામ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 318 (છેતરપિંડી) અને 336 (ફોર્જરી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ છેતરપિંડી ભિવંડીમાં જૉઈન્ટ ડેપ્યુટી રજિસ્ટ્રાર-2 ઑફિસ ખાતે પહેલી ઑગસ્ટ, 2025ના રોજ થઈ હતી. રાજ્યની યંત્રણાને ગેરમાર્ગે દોરીને આરોપીઓએ જમીન નામે કરાવી લીધી હતી અને સરકારી સરકારી ભંડોળની ઉચાપત કરી હતી, એવું અધિકારીએ જણાવ્યું હતું.

આ પ્રકરણે તપાસ ચાલી રહી હોવાથી શુક્રવારની મોડી સાંજ સુધી કોઈની ધરપકડ કરાઈ નહોતી, એમ અધિકારીનું કહેવું છે. (પીટીઆઈ)