થાણે: થાણેના લુઈસવાડી વિસ્તારમાં આવેલી ઈમારતના એક ફ્લૅટમાં આગ લાગતાં ફાયર બ્રિગેડના જવાનોએ 40થી 45 રહેવાસીને ઉગારી લીધા હતા.
ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના અધિકારીએ જણાવ્યું હતું કે આગ સોમવારની સવારે 8.48 વાગ્યે નિર્મલ સોસાયટીની સામે સાંઈબાબા મંદિર નજીકની રાજતારા સોસાયટીમાં લાગી હતી. ચાર માળની ઈમારતના ચોથા માળે આવેલા ફ્લૅટ નંબર-410માં અચાનક આગ ફાટી નીકળી હતી.
ફ્લૅટ સંતાષ શ્રીરંગ શેલારનો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડના જવાનો ફાયર ટેન્ડર અને વૉટર ટેન્કર સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલ, એમએસઈડીસીએલ, મહાનગર ગૅસના અધિકારીઓ સાથે વાગળે એસ્ટેટ પોલીસની ટીમ પણ આવી પહોંચી હતી.
શેલારના ફ્લૅટમાંથી બે જણને બચાવી લેવાયા હતા. એ સિવાય સતર્કતા ખાતર ઈમારત ખાલી કરાવીને 40થી 45 રહેવાસીને ઉગારાયા હતા. લગભગ કલાકની જહેમત પછી આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈને ઇજા થઈ નહોતી કે કોઈ દાઝ્યું નહોતું. જોકે ફ્રિજ, વૉટર ફિલ્ટર, લાકડાનું મંદિર, લાકડાનો કબાટ, કપડાં, ઈલેક્ટ્રિકલ વાયરિંગ સહિત ઘરવખરીને ખાસ્સું નુકસાન થયું હતું. આગ લાગવાનું કારણ તાત્કાલિક જાણી શકાયું નહોતું.