રાજકોટઃ એક સમય હતો જ્યારે રણજી ટ્રોફીમાં એક જ ટીમમાં જાડેજા અટકવાળા બે ખેલાડી રમી રહ્યા હતા, પણ હવે સમય એ આવ્યો છે જેમાં એક જાડેજાએ બીજા જાડેજાની વિકેટ લેવામાં સફળતા મેળવી છે.
37 વર્ષનો રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja) અને 36 વર્ષીય ધર્મેન્દ્રસિંહ જાડેજા, બન્ને લેફ્ટ-આર્મ સ્પિન ઑલરાઉન્ડર છે. ફરક માત્ર એટલો છે કે રવીન્દ્ર જાડેજા ભારત વતી રમ્યો છે, જ્યારે ધર્મેન્દ્રસિંહ જાડેજા (Dharmendrasingh Jadeja)ને ભારત વતી હજી રમવા નથી મળ્યું.
સૌરાષ્ટ્રની ટીમ છોડીને પહેલી જ વિકેટ લીધી
રવીન્દ્ર જાડેજા રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રની ટીમમાં છે. ધર્મેન્દ્રસિંહ જાડેજા હજી હમણાં સુધી સૌરાષ્ટ્રની ટીમમાં હતો, પણ તાજેતરમાં જ છત્તીસગઢની ટીમમાં જોડાયો છે અને રવિવારે નવી રણજી સીઝનમાં સૌરાષ્ટ્રએ જે પહેલી વિકેટ ગુમાવી એ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જ લીધી હતી. તેણે ઓપનર હાર્વિક દેસાઈ (20 રન)ને એલબીડબ્લ્યૂ કર્યો હતો.
હવે મૂળ વાત પર આવીએ તો સોમવારે રવીન્દ્ર જાડેજાએ સૌરાષ્ટ્ર વતી પ્રથમ દાવમાં સેન્ચુરી (209 બૉલમાં સાત ચોગ્ગા સાથે 102 રન) પૂરી કરી ત્યાર બાદ તે ધર્મેન્દ્રસિંહ જાડેજાના બૉલમાં તેના જ હાથમાં કૅચ આપી બેઠો હતો. સૌરાષ્ટ્રએ 392 રન બનાવ્યા હતા અને છેલ્લી વિકેટ રવીન્દ્ર જાડેજાની પડી હતી.
બન્ને જાડેજાના ફર્સ્ટ-ક્લાસમાં પર્ફોર્મન્સ
રવીન્દ્ર જાડેજાએ ટેસ્ટ-ક્રિકેટ સહિતની ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં કુલ 589 વિકેટ લીધી છે અને 8,504 રન બનાવ્યા છે. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 425 વિકેટ લીધી છે અને 2,123 રન બનાવ્યા છે.