નવી દિલ્હીઃ આગામી ડિસેમ્બરમાં ભારતના પ્રવાસે આવનારા શ્રીલંકા (SriLanka)ના ક્રિકેટરો જે ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 રમશે એનું સમયપત્રક જાહેર થઈ ચૂક્યું છે અને એ માટે તમામ સ્ટેડિયમોમાં અત્યારથી તૈયારીઓ પણ થવા લાગી છે, પણ રવિવારથી એવી વાત ઉડી હતી કે દિલ્હીમાં જે વન-ડે (ODI) રમાવાની છે એ અમદાવાદમાં શિફ્ટ થવાની છે. કેટલાક અહેવાલોમાં જણાવાયું હતું કે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સમારકામ થવાનું હોવાથી ત્યાંની મૅચ અમદાવાદમાં રમાશે.
જોકે બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના સેક્રેટરી દેવજિત સૈકિયાએ વાઇરલ થયેલા અહેવાલો બાબતમાં સ્પષ્ટતા કરી છે જેને કારણે હવે આ વિષયમાં ચર્ચા બંધ થઈ જશે.
ભારત-શ્રીલંકા વચ્ચે 13મી ડિસેમ્બરે રમાનારી સિરીઝની પ્રથમ વન-ડે દિલ્હીને અમદાવાદમાં રમાશે એવી જે વાત ફેલાઈ એના પર સૈકિયા (SAIKIA)એ ખુલાસો કરતા જણાવ્યું છે કે `આવું કંઈ જ નથી થવાનું. આ માત્ર અફવા છે. દિલ્હીની 13મી ડિસેમ્બરની વન-ડે અમદાવાદમાં રમાશે એ અફવા ખોટી છે. બીસીસીઆઇએ આવો કોઈ નિર્ણય નથી લીધો.'
શ્રીલંકન ટીમના ભારતપ્રવાસનું શેડ્યૂલ
વન-ડે સિરીઝઃ
(1) પ્રથમ મૅચ, 13મી ડિસેમ્બરે દિલ્હીમાં
(2) બીજી મૅચ, 16મી ડિસેમ્બરે બેંગ્લૂરુમાં
(3) ત્રીજી મૅચ, 19મી ડિસેમ્બરે અમદાવાદમાં
ટી-20 સિરીઝઃ
(1) પ્રથમ મૅચ, બાવીસમી ડિસેમ્બરે રાજકોટમાં
(2) બીજી મૅચઃ 24મી ડિસેમ્બરે કટકમાં
(3) ત્રીજી મૅચઃ 27મી ડિસેમ્બરે પુણેમાં