મુંબઈ: શહેરમાં આ વર્ષે જાન્યુઆરીથી ઓગસ્ટ દરમિયાન સાયબર ક્રાઈમના કેસોની નોંધણીમાં ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન નોંધાયેલા કેસોની તુલનામાં 44 ટકાથી વધુનો વધારો થયો હોવાની જાણકારી શહેર પોલીસ દ્વારા પૂરા પાડવામાં આવેલા આંકડા પરથી મળી છે.
આ વર્ષે શહેર પોલીસે 4,254 સાયબર-ક્રાઈમના કેસ નોંધ્યા છે. સૌથી વધુ કેસ ક્રેડિટ/ડેબિટ કાર્ડ ઓનલાઈન છેતરપિંડી સંબંધિત છે, ત્યારબાદ શેરબજારમાં રોકાણની છેતરપિંડી અને હેકિંગના છે.
૪,૨૫૪ કેસમાંથી ફક્ત ૧,૧૨૧ કેસમાં પગેરું મળી આવ્યું હતું અને ૭૯૪ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. ગયા વર્ષે, શહેર પોલીસ દ્વારા જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીમાં ૨,૯૪૮ સાયબર-ક્રાઈમ કેસ નોંધાયા હતા.
પોલીસે ઓનલાઈન છેતરપિંડીના કેસને ૧૩ અલગ અલગ શ્રેણીઓમાં વર્ગીકૃત કર્યા છે. આ વર્ષે, ૨,૨૮૩ ઓનલાઈન છેતરપિંડીના કેસ નોંધાયા હતા, જેમાંથી સૌથી વધુ શેરબજારમાં રોકાણ છેતરપિંડી (૩૦૨) હતા, ત્યાર બાદ રોકાણ છેતરપિંડી (૧૫૬), સરકારી અધિકારીઓનો સ્વાંગ /ડિજિટલ ધરપકડ (૯૫), નોકરીની છેતરપિંડી (૭૭), નકલી વેબસાઇટ છેતરપિંડી (૭૬), ઓનલાઈન ખરીદી છેતરપિંડી (૫૨), લોન છેતરપિંડી (૪૨), કસ્ટમ/ગિફ્ટ છેતરપિંડી (૨૬) અને ક્રિપ્ટોકરન્સી છેતરપિંડી (૧૪) સંબંધિત હતા.
પોલીસે 2,283 ઓનલાઈન છેતરપિંડીના કેસમાંથી 537 કેસ પકડી પાડ્યા છે અને આ ગુનાઓમાં સંડોવણી બદલ 471 વ્યક્તિની ધરપકડ કરી છે. ઓનલાઈન છેતરપિંડીના કેસ ઉપરાંત, આ વર્ષે પોલીસે 1,020 ક્રેડિટ/ડેબિટ કાર્ડ ઓનલાઈન છેતરપિંડીના કેસ નોંધ્યા છે, ત્યારબાદ હેકિંગ (202), ફિશિંગ/એમઆઈએમ એટેક /સ્પૂફિંગ મેઈલ (151), નકલી સોશિયલ મીડિયા પ્રોફાઇલ/મોર્ફિંગ ઈમેઈલ/એસએમએસ (151), અશ્લીલ ઈમેઈલ/એસએમએસ /એમએમએસ /પોસ્ટ (117), સેક્સટોર્શન (32), ડેટા ચોરી (10) અને પોર્નોગ્રાફી (08) કેસ નોંધ્યા છે.