Mon Oct 12 2026

Logo

પંજાબના અમૃતસર એરપોર્ટ નજીક જોવા મળ્યા શંકાસ્પદ ડ્રોનઃ સુરક્ષા તંત્ર એલર્ટ, ત્રણ ફ્લાઇટ ડાઇવર્ટ

2026-10-12 15:07:57
Author: Vimal Prajapati
પંજાબના અમૃતસર એરપોર્ટ નજીક જોવા મળ્યા શંકાસ્પદ ડ્રોનઃ સુરક્ષા તંત્ર એલર્ટ, ત્રણ ફ્લાઇટ ડાઇવર્ટ

અમૃતસર: પંજાબના શ્રી ગુરુ રામદાસ જી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક ડ્રોન દેખાયા હોવાની જાણ થતાં રવિવારે રાત્રે સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. સાવચેતીના પગલાંરૂપે અમૃતસર આવી રહેલી ત્રણ ફ્લાઇટને અન્ય એરપોર્ટ તરફ વાળવામાં આવી હતી. એરપોર્ટ સત્તાધીશો મુજબ, રાત્રે લગભગ 10:30 વાગ્યા પછી સ્થિતિ સામાન્ય થઈ હતી. 

એરપોર્ટ ડિરેક્ટરના જણાવ્યાં પ્રમાણે ડ્રોન અંગેની માહિતી મળ્યા બાદ સુરક્ષાને પ્રાથમિકતા આપીને ફ્લાઇટ ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવાયો. અચાનક ફેરફારને કારણે કેટલાક મુસાફરોમાં ગભરાટ અને નારાજગી થઈ હતી, પરંતુ પરિસ્થિતિ સામાન્ય થયા પછી કામગીરી ફરી શરૂ થઈ છે. રાજાસાંસી નજીકના ગામ પાસે રાત્રે લગભગ 9 વાગ્યે ડ્રોનની હિલચાલ જોવા મળ્યાની માહિતી મળી હતી. 

કઈ ફ્લાઇટ ક્યાં ડાયવર્ટ થઈ?

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ડાયવર્ટ કરાયેલી ફ્લાઇટ્સમાં એર ઇન્ડિયા, ઇન્ડિગો અને મલેશિયા એરલાઇન્સનો સમાવેશ થાય છે. વિગતે જોઈએ તો,  દિલ્હીથી અમૃતસર આવી રહેલી એર ઇન્ડિયાની AI-855ને પાછી દિલ્હી મોકલવામાં આવી. મુંબઈથી અમૃતસર આવી રહેલી ઇન્ડિગોની 6E-5028ને ચંદીગઢ ડાયવર્ટ કરાઈ હતી. જે પછી કુઆલાલંપુરથી અમૃતસર આવી રહેલી મલેશિયા એરલાઇન્સની MH-118ને દિલ્હી તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. 

સુરક્ષા કારણોસર નિર્ણય લેવામાં આવ્યો

ડ્રોન જેવી દેખાયેલી વસ્તુઓની પ્રકૃતિ અને હિલચાલ અંગે તપાસ ચાલુ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ પહેલા ગયા મહિને પણ અમૃતસર એરપોર્ટના ઓપરેશનલ વિસ્તાર નજીક બે થી ચાર શંકાસ્પદ ડ્રોન દેખાયાની માહિતી પછી સાત ફ્લાઇટ ડાયવર્ટ થઈ હતી. તે વખતે ATCએ સુરક્ષા એલર્ટ જાહેર કર્યો હતો અને ફ્લાઇટ કામગીરી થોડા સમય માટે અટકાવવામાં આવી હતી.