Wed Aug 19 2026

Logo

થાણેના દંપતીએ ઓનલાઇન ટાસ્ક ફ્રોડમાં 29.38 લાખ રૂપિયા ગુમાવ્યા

2026-08-14 16:51:47
Author: Yogesh D. Patel
Article Image

થાણે: થાણેમાં વિવિધ ઓનલાઇન ટાસ્ક પૂર્ણ કર્યા બાદ ઊંચું વળતર આપવાને બહાને દંપતી સાથે સાયબર ઠગોએ 29.38 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી.પોલીસના જણાવ્યા અનુસાર 13 ડિસેમ્બર, 2025થી 8 ઑગસ્ટ, 2026 દરમિયાન આરોપીઓ દ્વારા છેતરપિંડી આચરવામાં આવી હતી. નૌપાડા વિસ્તારમાં રહેતા દંપતીનો અજાણ્યા શખસોએ સંપર્ક સાધ્યો હતો અને પોતાની ઓળખ ‘એનટીએલ મીડિયા’ના પ્રતિનિધિ તરીકે આપી હતી.

આરોપીઓએ ઓનલાઇન નિર્ધારિત ટાસ્ક પૂર્ણ કરવા પર ઊંચું વળતર મળશે, એવું આશ્ર્વાસન દંપતીને આપ્યું હતું. આરોપીઓએ ‘એનટીએલ ઍપ’ રજિસ્ટર કરવા અને ડાઉનલોડ કરવાનું કહ્યું હતું અને તેમને વિવિધ બૅંક અકાઉન્ટ્સમાં અને યુપીઆઇ ટ્રાન્સફર દ્વારા રૂપિયા ડિપોઝિટ કરવાનું કામ આપવામાં આવ્યું હતું.બાદમાં દંપતીને તેમની કમાણી અનલૉક કરવા માટે વધુ રૂપિયાનું રોકાણ કરવાનું કહેવામાં આવ્યું હતું.

દંપતીએ જ્યારે રૂપિયા ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ઑપરેટરોએ ટેક્નિકલ કારણો બતાવ્યા હતા અને રૂપિયા આપવાનો ઇનકાર કર્યો હતો તેમ જ વધુ રૂપિયાની માગણી તેમણે કરી હતી. નૌપાડા પોલીસ સ્ટેશનમાં બુધવારે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંંહિતા અને આઇટી (ઇન્ફોર્મેશન ટેક્નોલોજી) એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોઇ હજી સુધી કોઇની પણ ધરપકડ કરાઇ ન હોવાનું પોલીસે કહ્યું હતું. (પીટીઆઇ)