થાણે: થાણે જિલ્લામાં સરકારી આશ્રમશાળામાં 22 સગીર વિદ્યાર્થિનીનો વિનયભંગ કરવા બદલ આ સપ્તાહની શરૂઆતમાં ધરપકડ કરાયેલો રસોઇયો ગુનાહિત ભૂતકાળ ધરાવતો હોઇ અગાઉ તેને પોક્સો એક્ટ હેઠળ જેલભેગો કરવામાં આવ્યો હતો.શહાપુરમાં ટેમ્બા ખાતેની આશ્રમશાળામાં કામ કરતો ગણપત ગવળી રેકોર્ડ પરનો આરોપી છે અને અઘાઇ ખાતેની આશ્રમશાળામાં પણ આવો જ ગુનો આચર્યો હોવાનો તેના પર આરોપ હતો, એમ ઇન્ટિગ્રેટેડ ટ્રાઇબલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ (આઇટીડીપી)નાં પ્રોજેક્ટ ઓફિસર તેજસ્વિની ગલાંડેએ જણાવ્યું હતું.
ગણપત ગવળીની આ સપ્તાહની શરૂઆતમાં ધરપકડ કરવામાં આવ્યા બાદ તેને સસ્પેન્ડ કરાયો હતો. ગવળી 10 મહિના બાદ નિવૃત્ત થવાનો હતો. અઘાઇની આશ્રમશાળામાં આચરેલા કૃત્ય બદલ તેની વિરુદ્ધ અગાઉ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એ સમયે પણ તેને સસ્પેન્ડ કરાયો હતો. હાલ એ જાણી શકાયું નથી કે તેને કેવી રીતે અને કોના દ્વારા ટેમ્બાની આશ્રમશાળામાં નોકરી પર રાખવામાં આવ્યો હતો, એમ ગલાંડેએ કહ્યું હતું.
ટેમ્બાની આશ્રમશાળાની પીડિતાઓએ સૌપ્રધમ 24 ઑગસ્ટે ફરિયાદ સાથે સત્તાવાળાઓનો સંપર્ક સાધ્યો હતો. સુપરિન્ટેન્ડેન્ટે આ મામલો હેડમાસ્ટર પાસે મોકલ્યો હતો અને તેમણે તરત આદિવાસી વિકાસ વિભાગને પત્ર લખ્યો હતો. આ પ્રકરણે શહાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને આરોપીની ધરપકડ કરાઇ હતી. અધિકારીના જણાવ્યા અનુસાર અઘાઇની આશ્રમશાળામાં વિનયભંગ બદલ ગવળીની ધરપકડ કરાઇ હતી. જેલમાંથી બહાર આવ્યા બાદ તેને મુરબાડમાં મોરોશી આશ્રમશાળામાં રખાયો હતો અને તાજેતરમાં તેની ટેમ્બા ખાતે બદલી કરાઇ હતી. (પીટીઆઇ)