ગાંધીનગરઃ રાજ્યમાં ભાદરવા મહિનાની શરૂઆતથી જ ચોમાસાએ જમાવટ કરી છે. આજે સવારે 6 થી 8 કલાકના સમયગાળામાં 31 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. કચ્છના માંડવીમાં બે કલાકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
કચ્છમાં ક્યાં કેટલો વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ માંડવી (કચ્છ)માં 1.22 ઇંચ, અબડાસામાં 0.67 ઇંચ, ભુજમાં 0.59 ઇંચ, મુન્દ્રામાં 0.43 ઇંચ, ગાંધીધામમાં 0.39 ઇંચ, અંજારમાં 0.35 ઇંચ, લખતપતમાં 0.31 ઇંચ, નખત્રાણામાં 0.20 ઇંચ વરસાદ નોંધાયો હતો.
જ્યારે દેવભૂમિ દ્વારકાના ખંભાળીયામાં 0.87 ઇંચ, ભાવનગરના સિહોરમાં 0.47 ઇંચ, આણંદના આંકલાવમાં 0.35 ઇંચ, સુરતમાં 0.31 ઇંચ, જામનગરમાં 0.28 ઇંચ, ઉનામાં 0.20 ઇંચ, જોડિયા, કામરેજ અને કોઠંબામાં 0.16 ઇંચ, આણંદ, ઓલપાડ, મોડાસામાં 0.12 ઇંચ, માણાવદર, પેટલાદ, નડિયાદ, કલોલ, હાંસોટ, ભાણવડમાં 0.08 ઇંચ તથા વડાલી, થાસરા, અંકલેશ્વર, કલ્યાણપુર અને બાલાસિનોરમાં 0.04 ઇંચ વરસાદ નોંધાયો હતો.
કચ્છ-સૌરાષ્ટ્રમાં વરસાદ અંગે લઈ શું બોલ્યા પરેશ ગોસ્વામી
રાજ્યમાં હાલ વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મુંબઈ સમાચાર સાથે વાત કરતાં જણાવ્યું,વરસાદની ઘટ ભોગવતા કચ્છમાં આ રાઉન્ડમાં સૌથી વધુ વરસાદ અને એક-બે સ્પેલ અત્યંત ભારે વરસાદના જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી અને સુરેન્દ્રનગરમાં 2 થી 4 ઇંચ જેટલો સારો વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગનું પૂર્વાનુમાન
હવામાન વિભાગે સોમવારે જાહેર કરેવા પૂર્વાનુમાન મુજબ મુજબ, આજે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દેવભૂમિ દ્વારકા તેમજ કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે બાકીના રાજ્યના વિસ્તારોમાં 30-40 કિ.મીની ગતિએ પવન અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે 16 થી 18 સપ્ટેમ્બર રાજ્યભરમાં ભારે વરસાદનું જોર ઘટશે, પરંતુ મોટાભાગના જિલ્લાઓમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા સતત ચાલુ રહેશે. 19 અને 20 સપ્ટેમ્બર સપ્તાહના અંત સુધીમાં ચોમાસાની સિસ્ટમ ધીમી પડશે અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં માત્ર છૂટા છવાયા સ્થળોએ જ ગાજવીજ સાથે હળવા ઝાપટાં પડશે.