પુણે: પુણે-બેંગલુરુ હાઇવે પર જાંબુળવાડી નજીક ટ્રકે ટેમ્પો તથા અન્ય વાહનોને અડફેટમાં લેતાં બે જણનાં મોત થયા હતા, જ્યારે અન્ય 12 લોકો ઘવાયા હતા. શનિવારે મોડી રાતે થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા બંનેની ઓળખ હૃદયનાથ મોહન ગાયકવાડ (47) અને આનંદીબાઇ રામચંદ્ર વાડકર (50) તરીકે થઇ હતી.
સાતારાથી પુણે તરફ જઇ રહેલી ટ્રકે ટેમ્પોને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહન વિરુદ્ધ દિશામાં જતા રહ્યા હતા અને બે કાર સાથે ટકરાયા હતા. આ અકસ્માતમાં વાહનોને ખાસ્સું નુકસાન થયું હતું.
અકસ્માતમાં ઘવાયેલા લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં બે જણનાં મોત થયાં હતાં. ઘાયલોમાંથી બે જણની હાલત નાજુક છે. અંબેગાંવ પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે ટ્રક ડ્રાઇવર પ્રમોદ વિઠ્ઠલ વાઘ (40) અને માલિક સંદીપ ગોરખ સૂર્યવંશી (45) વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને મોટર વેહિકલ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું. (પીટીઆઇ)