થાણે: ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (ટીઈટી) પેપર લીક કેસમાં સંડોવણી પ્રકરણે બિહાર અને બીડથી પકડાયેલા બન્ને ફરાર આરોપીને કોર્ટે 29 સપ્ટેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
ભિવંડી પોલીસે ગયા અઠવાડિયે જ બિહાર અને બીડથી અશોક સાવ અને પ્રકાશ મિસળની ધરપકડ કરી હતી. બન્નેના પકડાવાથી આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા 18 પર પહોંચી હતી.
ભિવંડીની જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ મૅજિસ્ટ્રેટ કોર્ટે સાવ અને મિસળને છ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. ભિવંડી ડિવિઝનના એસીપી વિજય મરાઠેએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા 18માંથી 16 આરોપી અત્યારે અદાલતી કસ્ટડીમાં છે.
શુક્રવારે કોર્ટમાં રજૂ કરાયેલી ચાર્જશીટ અનુસાર પ્રશ્ર્નપત્રો આગ્રાના પ્રિન્ટિંગ પ્રેસમાંથી બૂટના સોલમાં સંતાડીને બહાર કાઢવામાં આવ્યા હતા. આ કામ પ્રેસમાં કામ કરનારા બે કર્મચારીએ કર્યું હતું અને તેના માટે બન્નેને આઠ-આઠ હજાર રૂપિયા મળ્યા હતા. આરોપનામામાં આ રૅકેટના માસ્ટરમાઈન્ડ બિજેન્દ્ર ગુપ્તાની અગાઉના ઓડિશા પેપર લીકમાં સંડોવણીનો પણ ઉલ્લેખ કરાયો છે.
મરાઠેએ જણાવ્યું હતું કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ)ની જોગવાઈ અનુસાર અદાલતી કસ્ટડીમાં રહેલા 16 આરોપીને પેન ડ્રાઈવમાં ચાર્જશીટની નકલ અપાશે. ભિવંડી કોર્ટમાં આ રીતે પહેલી વાર કોઈ આરોપીને ચાર્જશીટની નકલ આપવામાં આવશે. આ 16 આરોપીને ગુરુવારે મૅજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવશે.
(પીટીઆઈ)