તેલંગાણા: તેલંગાણાના મહબૂબાબાદ જિલ્લામાંથી એક હૃદયકંપાવતી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં સાત જન્મ સુધી સાથે રહેવાના વચન આપનાર પત્ની જ પતિની હત્યાનું કાવતરૂ ઘડ્યું હતું.. કોઈ અન્ય પરપુરુષ સાથેના અફેરના ચક્કરમાં એક પરિણિત મહિલાએ પોતાના પ્રેમી સાથે મળીને પતિને અકસ્માતનો બોગસ બનાવ બનાવીને મોતને ઘાટ ઉતારી દેવા માટે પ્લાન ઘડ્યો હતો પરંતુ તે પહેલા જ પતિને સમગ્ર મામલે જાણ થઈ જતા તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જોકે, સમયસર પકડાઈ ગયેલી ચેટ્સના લીધે પતિનો જીવ બચી ગયો અને આ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો છે.
કેવી રીતે શરૂ થઈ આ કાળી કહાની?
મહબૂબાબાદ જિલ્લાના ડોરનકલ મંડળ સ્થિત ચિલાકોડુ ગામના રહેવાસી ગાડે રાજેશ્વર રાવ એક ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. વર્ષ 2016માં તેમના લગ્ન રાઘવાપુરમ ગામની ભવાની સાથે થયા હતા. આ દંપતીને બે બાળકો પણ છે અને ઘર-સંસાર સામાન્ય રીતે ચાલી રહ્યો હતો. પરંતુ, આ દરમિયાન ભવાનીનો સંપર્ક 'સૈદુલુ' નામના એક કુરિયર ડિલિવરી બોય સાથે થયો. ધીમે-ધીમે આ સંપર્ક ગાઢ બન્યો અને બંને વચ્ચે અફેર શરૂ થઈ ગયું હતું.
બપોરે ઘરે પહોંચતા જ ખુલ્લો પડ્યો ભેદ
વધારે વિગતે વાત કરવામાં આવે તો, 27 જુલાઈના રોજ રાજેશ્વર રાવ બપોરના સમયે અચાનક હોસ્પિટલથી ઘરે જમવા માટે આવ્યા ત્યારે તેમણે પત્ની ભવાનીને સૈદુલુ સાથે વાંધાજનક હાલતમાં જોઈ લીધી હતી. આ ઘટના બાદ બંને વચ્ચે ભારે વિવાદ થયો અને વાત પંચાયત સુધી પહોંચી હતી. 28 જુલાઈના રોજ ગામના વડીલોની હાજરીમાં આ મુદ્દા પર પંચાયત બોલાવવામાં આવી હતી. પંચાયતના દિવસે જ જ્યારે રાજેશ્વર રાવ પોતાના મોટા ભાઈને લેવા માટે બાજુના ગામે જઈ રહ્યા હતા, ત્યારે સૈદુલુએ તેમનો પીછો કર્યો હતો. રાજેશ્વર રાવે જેમ-તેમ કરીને પોતાનો જીવ બચાવ્યો. આ શંકાસ્પદ હિલચાલ બાદ જ્યારે રાજેશ્વર રાવે પત્ની ભવાનીનો મોબાઈલ ચેક કર્યો, ત્યારે તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.
પત્નીના WhatsApp અને Instagram એકાઉન્ટમાં સૈદુલુ સાથે થયેલી ચેટ્સમાં હત્યાનું પ્લાનિંગ ચાલી રહ્યું હતું. ભવાનીએ ચેટમાં લખ્યું હતું કે, ‘મારા પતિને રોડ અકસ્માતનો ડ્રામા કરીને મારી નાખ, નહીંતર હું પોતે આત્મહત્યા કરી લઈશ’. મૂળ વાત એ છે કે, પતિની હત્યા ઘરની અંદર નહીં પરંતુ ઘરની બહાર રોડ પર અકસ્માત જેવી દેખાય તે રીતે જ કરવી જેથી કોઈને શંકા ન જાય! પરંતુ પતિને સમગ્ર મામલે જાણ થઈ જતા ઘટનાનો પર્દાફાશ થઈ ગયો હતો. પ્રેમી સાથે કરેલી ચેટ્સના સ્ક્રિનશોટ લઈને પતિ રાજેશ્વર રાવે 1 ઓગસ્ટે ડોરનકલ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી અને સુરક્ષાની ગુહાર લગાવી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે વધારે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.