Wed Aug 19 2026

Logo

તેલંગાણા હાઈકોર્ટ પવન ખેડાને આપી મોટી રાહત, કોંગ્રેસ નેતાના આગોતરા જામીન મંજૂર

2026-04-10 12:46:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા પવન ખેડાને તેલંગાણા હાઈકોર્ટે મોટી રાહત આપી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. તેલંગાણા હાઈકોર્ટે પવન ખેડા એક અઠવાડિયાના સમયગાળા માટે વચગાળાના આગોતરા જામીન મંજૂર કર્યા છે. આ રાહત આસામ પોલીસ દ્વારા તેમના પર બનાવટી અને ગુનાહિત કાવતરાના આરોપો સાથે સંકળાયેલા કેસના સંદર્ભમાં આપવામાં આવી છે. પવન ખેડા પર આસામમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં તેલંગાણા હાઈકોર્ટ દ્વારા સુનાવણી કરવામાં આવી અને રાહત આપવામાં આવી છે.

પવન ખેડાના વચગાળાના આગોતરા જામીન મંજૂર

વિગતે વાત કરવામાં આવે તો, ન્યાયાધીશ કે. સુજાનાએ આ આદેશ આપ્યો છે. પવન ખેડાને એક અઠવાડિયાનો સમય આપતી વખતે કોર્ટે તેમને આ સમયગાળામાં દરમિયાન સક્ષમ અધિકારક્ષેત્રની અદાલત સમક્ષ નિયમિત આગોતરા જામીન માટે અરજી કરવાનો નિર્દેશ આપ્યો છે. અરજદારને યોગ્ય અદાલતનો સંપર્ક કરવા માટે એક અઠવાડિયાની મુદત આપવામાં આવી રહી છે હોવાનું કોર્ટે તેના આદેશમાં સ્પષ્ટ કર્યું છે. કોંગ્રેસ માટે આ મોટા સમાચાર સાબિત થઈ શકે છે. 

આ કાર્યવાહી લોકશાહી વ્યવસ્થાની વિરુદ્ધઃ વકીલ

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે પવન ખેડા વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ સુનાવણી દરમિયાન દલીલ કરી હતી. પવન ખેડા પર જે આરોપો લગાવવામાં આવ્યાં છે તેને તેમના વકીલે રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યાં છે. એટલે કે, રાજકીય ખાર રાખીને પવન ખેડા પર કેસ કરવામાં આવ્યો હોવાની દલીલ વકીલે કરી હતી. વકીલે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ કાર્યવાહી લોકશાહી વ્યવસ્થાની વિરુદ્ધ છે, જે પરિસ્થિતિને જંગલ રાજ અને વાઇલ્ડ વેસ્ટ જેવી ગણાવે છે.

પવન ખેડા પર શા માટે ફરિયાદ થઈ હતી?

કેસની વાત કરવામાં આવે તો, પવન ખેડાએ હિમંત બિસ્વાની પત્ની રિંકી ભૂયાન સરમા પર અનેક વિદેશી પાસપોર્ટ અને વિદેશમાં અઘોષિત સંપત્તિ ધરાવવાનો આરોપ લગાવ્યો હતો. તે પછી આસામ પોલીસ દ્વારા પવન ખેડા પર માનહાનિ, બનાવટી અને ગુનાહિત કાવતરું ઘડવાના આરોપો લગાવી ફરિયાદ દાખલ કરી હતી. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે ફરિયાદ નોંધ્યાં બાદ આસામ પોલીસ પવન ખેડાની ધરપકડ કરવા માટે દિલ્હી પહોંચી હતી, પરંતુ તેઓ હાજર નહોંતા. આ દરમિયાન ધરપકડથી બચવા માટે પવન ખેડા તેલંગાણા હાઈકોર્ટ પહોંચ્યાં હતાં.