Sun Oct 04 2026

Logo

NPTમાંથી હટી જવાની ઇરાનની ધમકી, હોર્મુઝ પર કરી આ વાત

Tehran   2026-05-25 08:58:19
Author: Mumbai Samachar Team
NPTમાંથી હટી જવાની ઇરાનની ધમકી, હોર્મુઝ પર કરી આ વાત

વોશિંગ્ટનઃ મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ)માં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાને ફરી એકવાર કડક વલણ અપનાવ્યું છે. ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈના સૈન્ય સલાહકાર મોહસિન રઝાઈએ દાવો કર્યો છે કે, 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (હોર્મુઝની સામુદ્રધુની)નું સંચાલન અને તેના પર નિયંત્રણ રાખવું એ તેહરાન (ઈરાન)નો કાનૂની અધિકાર છે.

રઝાઈનું કહેવું છે કે ઈરાન પોતાની રાષ્ટ્રીય સુરક્ષા માટે આવું કરી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ઈરાનનું નિયંત્રણ ફારસની ખાડી (પર્શિયન ગલ્ફ)માં છેલ્લા 50 વર્ષોથી ચાલી આવતી અસુરક્ષાને સંપૂર્ણપણે ખતમ કરે છે.'

મોહસિન રઝાઈએ અમેરિકા અને વિરોધી દેશોને ચેતવણી પણ આપી છે. તેમણે જણાવ્યું કે, જો ઈરાનને કોઈપણ રીતે ડરાવવાનો કે ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવશે, તો તે NPT (Nuclear Non-Prolifiration Treaty)માંથી બહાર નીકળી શકે છે.

'અમે NPTમાંથી નીકળી ગયા તો...'

રઝાઈ કહે છે, 'જો તમે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર હુમલો કરવાનું અને ફારસની ખાડીમાં ઘૂસવાનો નિર્ણય કરશો, તો સૌથી પહેલા તમારે દર્દનાક જવાબનો સામનો કરવો પડશે. તેનાથી પણ મોટી વાત હું તમને જણાવી દઉં કે અમે પોતાને NPTમાંથી અલગ કરી શકીએ છીએ. શું તમે જાણો છો કે આ ધમકીનો અર્થ શું થાય છે? જો અમે NPTમાંથી હટી જઈશું તો તમારી શું હાલત થશે? એટલા માટે આ રસ્તા પરથી પાછા હટી જાવ.'

બીજી તરફ, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સતત યુદ્ધ સમાપ્ત કરવા માટે સમજૂતીના પ્રયાસોમાં લાગેલા છે. અમેરિકાનું કહેવું છે કે બંને દેશો વચ્ચે વાતચીત આગળ વધી રહી છે અને ટ્રમ્પનો એવો દાવો પણ છે કે ઈરાન યુરેનિયમ સોંપવા માટે સહમત થઈ ગયું છે. પરંતુ ઈરાન આ દાવાઓને સતત નકારી રહ્યું છે.