Tue Sep 01 2026

Logo

મદરેસાઓ માત્ર જેહાદીઓ પેદા કરે છે! કોલકાતા પહોંચેલા તસલીમા નસરીને બાંગ્લાદેશ માટે આપ્યું મોટું નિવેદન

2026-08-02 17:54:43
Author: Devayat Khatana
મદરેસાઓ માત્ર જેહાદીઓ પેદા કરે છે! કોલકાતા પહોંચેલા તસલીમા નસરીને બાંગ્લાદેશ માટે આપ્યું મોટું નિવેદન

કોલકાતા: બહુ લાંબા સમય બાદ બાંગ્લાદેશથી ભારત આવેલા લેખિકા તસલીમા નસરીને  મીડિયા સાથે વાત કરતા બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ પર ખુલીને પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં અગાઉની બે સરકારોના કાર્યકાળ દરમિયાન તેઓ બંગાળ આવી શક્યા ન હતા, પરંતુ હવે ત્યાં ત્રીજી સરકાર આવતા અને સત્તામાં બદલાવ થતા તેમને એન્ટ્રી મળી છે. આ વાતચીત દરમિયાન તેમણે બાંગ્લાદેશમાં લઘુમતીઓની સ્થિતિ, શિક્ષણ અને મહિલાઓના અધિકારો જેવા ગંભીર મુદ્દાઓ પર પોતાની તીખી પ્રતિક્રિયા આપી હતી.

મીડિયા દ્વારા મદરેસા શિક્ષણ અંગે પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં તસલીમા નસરીને આકરા પ્રહારો કર્યા હતા. તેમણે મદરેસા શિક્ષણને સંપૂર્ણપણે બિનજરૂરી ગણાવતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે, "અહીંથી માત્ર જેહાદીઓ જ પેદા થાય છે." આ સાથે જ તેમણે એવી માંગ પણ કરી હતી કે સમાજમાંથી કટ્ટરવાદ નાબૂદ કરવા માટે તમામ મદરેસાઓને તાત્કાલિક અસરથી સેક્યુલર  શાળાઓમાં તબદીલ કરી દેવા જોઈએ.

બાંગ્લાદેશમાં હિન્દુઓની દયનીય સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે ત્યાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે અને ખાસ કરીને હિન્દુ મહિલાઓ પાસે કોઈ અધિકાર બચ્યા નથી. તેમણે વારસામાં પણ મહિલાઓને કોઈ હક ન મળતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ સ્થિતિ સુધારવા માટે તેમણે બાંગ્લાદેશમાં 1956ના હિન્દુ એક્ટને લાગુ કરવાની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તસલીમાએ દાવો કર્યો હતો કે બેગમ ખાલિદા ઝિયા અને મોહમ્મદ યુનુસના સમયમાં પણ હિન્દુઓ પર આવા જ અત્યાચારો થયા છે.

તસલીમા નસરીને 'એક દેશ, એક કાયદો'ની હિમાયત કરતા બાંગ્લાદેશ અને પાકિસ્તાન જેવા દેશોમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવાની પણ માંગ કરી હતી. તેમણે કહ્યું કે જો UCC જેવો કાયદો અમલમાં આવશે તો મહિલાઓને વધુ અધિકારો અને સમાન મહત્વ મળશે. અંતમાં, બાંગ્લાદેશના વર્તમાન સંજોગો પર ઘેરી ચિંતા વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે ત્યાંની પરિસ્થિતિ હજુ પણ એવી છે કે ખુલ્લા વિચારોવાળા લોકો સતત પલાયન કરવા મજબૂર હોવાનો દાવો કર્યો હતો.