Tue May 05 2026

Logo

તમિલનાડુમાં કોકડું ગૂંચાવ્યુંઃ વિજય માટે સરકાર બનાવવાનું સરળ કે મુશ્કેલ, ત્રણ જ વિકલ્પ બચ્યાં

2026-05-05 15:33:00
Author: Mayur Patel
Article Image

બહુમતીથી માત્ર 10 સીટ દૂર: શું ગઠબંધન સાથ આપશે કે અપક્ષો બનશે કિંગમેકર?

નવી દિલ્હીઃ તમિલનાડુ વિધાનસભાના ચૂંટણી પરિણામો ગઈકાલે જાહેર થયા હતા. અભિનેતામાંથી નેતા બનેલા થલાપતિ વિજયે પોતાની પ્રથમ ચૂંટણીમાં જ 108 બેઠકો પર જીત મેળવીને રાજ્યમાં પોતાનું સ્થાન જમાવ્યું હતું, પરંતુ 118ના બહુમતના આંકડાથી હજુ પણ 10 બેઠક દૂર હોવાથી સત્તા સુધી પહોંચવાની રાહ જટિલ બની છે. 234 સભ્યોની તમિલનાડુ વિધાનસભામાં સ્પષ્ટ બહુમત માટે 118 સીટ જરૂરી છે.
 
આ ઉપરાંત વિજય બે સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. નિયમો અનુસાર તેમણે એક સીટ ખાલી કરવી પડશે, જેનાથી પક્ષના ધારાસભ્યની સંખ્યામાં એકનો ઘટાડો થશે તેમ જ સરકાર બન્યા બાદ એક ધારાસભ્યને સ્પીકર બનાવાશે. એક સીટમાં ઘટાડા સાથે બહુમતી માટે ટીવીકે માટે કપરા ચઢાણ છે, પરંતુ એની વચ્ચે વિજયે ચોંકાવનારું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે અમે કોઈ પાસે હાથ ફેલાવીશું નહીં.

10થી વધુ ધારાસભ્યોના સમર્થનની પડશે જરૂર
સ્પીકર સામાન્ય સંજોગોમાં મતદાન નથી કરતાં, જેથી ગૃહમાં પક્ષના સભ્યોની સંખ્યા વધુ ઘટશે. આ તમામ સમીકરણોને જોતાં ટીવીકેને વિધાનસભામાં બહુમત સાબિત કરવા ઓછામાં ઓછા 12 વધારાના ધારાસભ્યોના સમર્થનની જરૂર પડશે. બુહમતના આંકડાથી થોડી જ દૂર રહી ગયેલી ટીવીકેએ સરકાર બનાવવા ત્રણ વિકલ્પો પર મનોમંથન શરૂ કર્યું છે.

ક્યા ત્રણ વિકલ્પો પર થઈ રહ્યું છે મનોમંથન
પ્રથમ વિકલ્પ પ્રમાણે, DMK ગઠબંધન સાથે નાના પક્ષોના સાથ સહકારથી સરકાર બનાવવામાં આવી શકે છે. ટીવીકેના 108, કોંગ્રેસના 5, ડાબેરીના 4, આઈયુએમએલ-2 અને વીસીકે-2ને લઈ સરકાર રચવામાં આવી શકે છે. બીજા વિકલ્પ મુજબ, DMK અને AIDMK બંને ગઠબંધનમાંથી નાના પક્ષોનો સાથ લઈ સરકારનું ગઠન કરવામાં આવી શકે છે. ટીવીકેના 108, કોંગ્રેસના 5, પીએમકેના 4, આઈયુએમએલના 2, ડાબેરીના 4 ધારાસભ્યોનું સમર્થન લેવામાં આવી શકે છે.  

સૂત્રો મુજબ કોંગ્રેસ સહિત તમામ નાના પક્ષોની સાથે ગઠબંધન પર વિચારણા થઈ રહી છે. સ્થિર સરકાર બની શકે તે માટે ટીવીકેએ તમામ સાથી પક્ષોને મંત્રીમંડળમાં સ્થાન આપવા પણ વિચારી રહ્યું છે.  ત્રીજા વિકલ્પ તરીકે ગઠબંધનના બાકી પક્ષોના બદલે AIADMKનું સમર્થન લઈ મજબૂત સરકારનું ગઠન કરવામાં આવી શકે છે. જે મુજબ ટીવીકે 108 અને AIADMKના 47 ધારાસભ્યો મળીને પણ સરકાર રચી શકે છે. 

નાના પક્ષો અને ગઠબંધન બનશે કિંગમેકર
નાના પક્ષો અને ગઠબંધન હવે કિંગમેકરની ભૂમિકામાં આવી ગયા છે. ચૂંટણી પરિણામો મુજબ DMK ગઠબંધનને વિખરાયેલો જનાદેશ મળ્યો છે. કોંગ્રેસે 6 બેઠકો જીતી છે, જ્યારે ડાબેરી પક્ષો CPI અને CPI-Mને 2-2 બેઠકો મળી છે. આ ઉપરાંત, ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ અને વિદુથલાઈ ચિરુથિગલ કાચી જેવા પક્ષોને પણ પ્રતિનિધિત્વ મળ્યું છે.

બીજી તરફ AIADMK ગઠબંધન પણ મર્યાદિત સંખ્યામાં બેઠકો મેળવી શક્યું છે. આ ગઠબંધનમાં સામેલ PMK અને ભાજપ જેવા પક્ષોએ કેટલીક બેઠકો જીતી છે. જો TVK આ પક્ષોમાંથી થોડા પક્ષો પણ ટેકો મેળવી લેશે તો તે સરળતાથી બહુમતીનો આંકડો પાર કરી લેશે.