Mon Jul 27 2026

Logo

તમિલનાડુમાં કેબિનેટનું વિસ્તરણ: શપથગ્રહણ વખતે રાજ્યપાલે કોંગ્રેસ નેતાને કેમ ટોક્યા?

2026-05-21 19:25:54
Author: Vimal Prajapati
Article Image

ચેન્નઈ: તમિલનાડુના મુખ્ય પ્રધાન વિજયે આજે પોતાના 11 દિવસ જૂના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું હતું. આ વિસ્તરણમાં કોંગ્રેસના બે ધારાસભ્ય સહિત કુલ 23 નવા સભ્યોને સામેલ કરવામાં આવ્યા હતા. આ ઐતિહાસિક ઘટના સાથે તમિલનાડુના રાજકારણમાં આશરે 6 દાયકા (૬૦ વર્ષ) પછી કોંગ્રેસની સત્તામાં વાપસી થઈ છે. લોકભવન ખાતે આયોજિત ભવ્ય શપથગ્રહણ સમારોહમાં રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે તમામ નવા પ્રધાનોને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા, પરંતુ આ દરમિયાન રાજકારણ ગરમાયું છે.

શપથગ્રહણ વખતે પ્રધાનોને રાજ્યપાલે કેમ ટોક્યા?

ટીવીકેના ધારાસભ્યો શ્રીનાથ, એસ. કમાલી, સી. વિજયલક્ષ્મી અને આર.વી. રંજીતકુમારે સૌથી પહેલા પ્રધાનપદના શપથ લીધા હતા. ત્યાર બાદ કિલિયૂરથી કોંગ્રેસના ધારાસભ્ય એસ. રાજેશ કુમાર અને મેલૂરથી ચૂંટાયેલા પી. વિશ્વનાથને પણ પ્રધાન તરીકે શપથગ્રહણ કર્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય એસ. રાજેશ કુમાર જ્યારે શપથ લઈ રહ્યા હતા ત્યારે સમારોહમાં નાટકીય સ્થિતિ સર્જાઈ હતી. શપથ પત્રનું વાંચન પૂરું કર્યા પછી તરત જ તેઓ મંચ પર કોંગ્રેસના નેતા કામરાજ, પૂર્વ પીએમ રાજીવ ગાંધી અને રાહુલ ગાંધીના સમર્થનમાં નારા બોલવા લાગ્યા હતા. તેમણે કહ્યું, "કામરાજ અમર રહે, ભારત રત્ન રાજીવ ગાંધી અમર રહે" અને "જનનેતા રાહુલ ગાંધી ઝિંદાબાદ" 

રાજ્યપાલે કહ્યું - આ તમારી શપથનો ભાગ નથી

આ સાંભળીને રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે તેમને અધવચ્ચે જ અટકાવ્યા હતા અને કહ્યું કે, આ તમારી શપથનો ભાગ નથી." રાજ્યપાલે હસતા હસતા ઉમેર્યું કે જે લેખિત શપથ પત્ર આપવામાં આવ્યું છે તે જ વાંચો. ત્યાર બાદ ધારાસભ્ય પણ હસી પડ્યા હતા અને દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવા આગળ વધ્યા હતા. આ જ રીતે TVK ના ધારાસભ્ય એ. વિજય તમિલન પાર્થિબને પણ શપથ લીધા બાદ સીએમ જોસેફ વિજયના સમર્થનમાં નારા લગાવ્યા હતા. જેના કારણે તમિલનાડુમાં રાજકીય ગરમાવો આવ્યો હતો. 

6 દાયકા પછી કોંગ્રેસની સત્તામાં વાપસી

તમિલનાડુના પ્રાદેશિક પક્ષો DM) અને AIADMKએ પોતાના લાંબા શાસનકાળ દરમિયાન ક્યારેય સહયોગી પક્ષોને સત્તામાં ભાગીદારી આપી નહોતી. કોંગ્રેસે અલગ-અલગ સમયે બંને પક્ષો સાથે ગઠબંધન કર્યું હોવા છતાં તેને ક્યારેય મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નહોતું. તમિલનાડુ વિધાનસભામાં 5 ધારાસભ્યો ધરાવતી કોંગ્રેસ હાલમાં વિજયના નેતૃત્વવાળી TVK સરકારનો મહત્વનો હિસ્સો છે. 

તાજેતરના ચૂંટણી પરિણામોમાં સીએમ વિજયની પાર્ટીને બહુમતી કરતાં થોડી ઓછી બેઠકો મળી હતી, જેના કારણે સરકાર બનાવવા માટે કોંગ્રેસનું સમર્થન અનિવાર્ય બન્યું હતું. કોંગ્રેસ 20 વર્ષ સુધી ડીએમકેની સાથી રહી હતી, પરંતુ ક્યારેય મંત્રાલયનો ભાગ બની શકી નહોતી. આ ચૂંટણીમાં કોંગ્રેસે ડીએમકે સાથે છેડો ફાડીને ટીવીકેને સમર્થન આપવાની જાહેરાત કરી હતી.