Mon Sep 14 2026

Logo

T20 વર્લ્ડ કપ સેમીફાઈનલ-1: ઈડન ગાર્ડન્સની પિચ કેવી રહેશે? જાણો હેડ-ટૂ-હેડ રેકોર્ડ...

2026-03-04 14:33:44
Author: Savan Zalariya
T20 વર્લ્ડ કપ સેમીફાઈનલ-1: ઈડન ગાર્ડન્સની પિચ કેવી રહેશે? જાણો હેડ-ટૂ-હેડ રેકોર્ડ...

ICC


કોલકાતા: ભારત અને શ્રીલંકાની મેજબાની હેઠળ રમાઈ રહેલી ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ટુર્નામેન્ટ તેના અંતિમ તબક્કામાં પહોંચી ચુકી છે, આજે કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડની ટીમો વચ્ચે ટુર્નામેન્ટની પહેલી સેમિફાઇનલ મેચ રમાશે. ક્રિકેટ ચાહકોને આજે એક રસાકસી ભર્યો મુકાબલો જોવા મળે એવી આશા છે.

નોંધનીય છે કે દક્ષિણ આફ્રિકાની ટીમ ટુર્નામેન્ટમાં અજેય રહી છે, જ્યારે ન્યુઝીલેન્ડને ટુર્નામેન્ટમાં બે મેચમાં  હાર મળી હતી, પણ ટીમના ખેલાડીઓ ખુબ જ સારા ફોર્મમાં છે. બંને ટીમો આજે જીત મેળવીને ફાઈનલમાં મેચમાં પહોંચવા માટે પુરેપુરી તાકાત લગાવશે. આજની મેચના પરિણામમાં ઇડન ગાર્ડન્સની પિચ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

બેટર્સને મળશે ફાયદો:
ઇડન ગાર્ડન્સની પિચને સામાન્ય રીતે બેટિંગ માટે વધુ અનુકૂળ માનવામાં આવે છે, આ પિચ પર બેટર્સને  મોટા શોટ રમવા સરળતા રહે છે. પિચ સૂકી હોવાથી બેટર્સને મદદ મળે છે. T20 વર્લ્ડ કપ 2026માં આ પિચ પર ઘણા રન બની ચુક્યા છે. સુપર-8 સ્ટેજમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની હાઈ સ્કોરિંગ મેચ  ઇડન ગાર્ડન્સમાં જ રમાઈ હતી.  ફાસ્ટ બોલરોને નવા બોલ સાથે શરૂઆતમાં થોડી મૂવમેન્ટ મળી શકે છે, પરંતુ એકવાર બોલ ઘસાઈ ગયા બાદ પરિસ્થિતિઓ બેટર્સ માટે વધુ અનુકૂળ થઇ જતી હોય છે. સ્પિનરોને વધુ ટર્ન મળવાની શક્યતા ઓછી છે. આ તમામ મુદાને ધ્યાનમાં લેતા આજે એક હાઈ સ્કોરિંગ સેમીફાઈનલમ મેચ જોવા મળી શકે છે.

ટોસ મહત્વપૂર્ણ ભૂમિકા:
મેચના પરિણામમાં ટોસ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ડ્યુ ફેક્ટરને ધ્યાનમાં રાખીને અહીં સામાન્ય રીતે ટોસ જીતીને ટીમ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરે છે. બીજી ઇનિંગમાં ઝાકળને કારણે બોલર્સને મુશ્કેલી પડી શકે છે, જેમો લાભ બેટર્સને થઇ શકે છે, જેથી રનચેઝ સરળ રહે છે. 

સુપર-8 સ્ટેજમાં વેસ્ટ ઈન્ડીઝ સામે ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતીય ટીમે 196નો ટાર્ગેટ સફળતા પૂર્વક ચેઝ કર્યો હતો. 

હેડ-ટુ-હેડ રેકોર્ડ:
દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં 18 T20 આંતરરાષ્ટ્રીય મેચો રમાઈ છે. જેમાંથી 11માં દક્ષિણ આફ્રિકાએ જીત મેળવી છે, જ્યારે ન્યુઝીલેન્ડે 7 મેચ જીતી છે. આમ હેડ-ટુ-હેડ રેકોર્ડમાં દક્ષિણ  આફ્રિકાનો પક્ષ ભારે છે.

ICC T20 વર્લ્ડ કપ 2026 ની પહેલી સેમિફાઇનલ મેચ ભારતીય સમય મુજબ આજે સાંજે 7:00 વાગ્યે શરૂ થશે, જેમાં ટોસ સાંજે 6:30 વાગ્યે થશે.