Thu Mar 12 2026

Logo

ક્રિકેટના મહાકુંભમાં નાના દેશોએ ગામ ગજાવ્યાં ટી-20 વર્લ્ડ કપમાં નેપાળ, ઇટલી, અમેરિકા, નેધરલૅન્ડ્સ, નામિબિયા, સ્કૉટલૅન્ડે મોટાં રાષ્ટ્રોની ટીમોને ભારે સંઘર્ષ કરાવ્યા

2 weeks ago
Author: Ajay Motiwala
Article Image

વાનખેડેમાં એક મહિનામાં નેપાળના હજારો પ્રેક્ષકો છવાઈ ગયા.

ઇટલીનો મૅચ-વિનિંગ ઓપનર ઍન્થની મૉસ્કા

અમેરિકાનો કૅપ્ટન મોનાંક પટેલ.

સ્પોર્ટ્સમૅન - અજય મોતીવાલા

એક સમય હતો જ્યારે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના અસોસિયેટ મેમ્બર્સ એટલે કે ક્રિકેટ રમતા નાના દેશોની મૅચોમાં કોઈ રસ નહોતું લેતું અને એના ખેલાડીઓને કોઈ ઓળખતું પણ નહોતું, પરંતુ આ વખતની ટી-20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટે એ બધાને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા છે. નેપાળ, અમેરિકા, નેધરલૅન્ડ્સ, નામિબિયા, ઇટલી, સ્કૉટલૅન્ડ વગેરે ટીમોએ આ વિશ્વ કપમાં મોટા દેશોની ટીમોને જે લડત આપી, જે સંઘર્ષ કરાવ્યો અને એમના ખેલાડીઓને જે રીતે હંફાવ્યા એ જોતાં નાનામાં નાનો ક્રિકેટપ્રેમી કહી શકે કે જો મોટા દેશો જરા પણ નબળું રમ્યા હોત તો અપસેટ થયા હોત. જોકે એક સમયે ક્રિકેટ જગતમાં મોટા દેશોની ટીમો સામે જીતનાર ઝિમ્બાબ્વેની ગણના થોડા સમયથી નબળા દેશ તરીકે થતી હતી, પણ આ વર્લ્ડ કપમાં એણે બે મોટા અપસેટ સર્જ્યા. લીગ રાઉન્ડમાં 13મી ફેબ્રુઆરીએ ઑસ્ટે્રલિયાને હરાવ્યું અને એ પરાજય જ કાંગારુઓ માટે ટૂર્નામેન્ટની બહાર ફેંકાવા માટે નિમિત્ત બન્યો. ગુરુવારે શ્રીલંકા સામેની મૅચના પરિણામનો કોઈ મતલબ તો નહોતો એમ છતાં ઝિમ્બાબ્વેએ એ મૅચને સિરિયસલી લીધી અને શ્રીલંકાને હરાવીને સુપર-એઇટમાં શાનથી અપરાજિત રહીને પ્રવેશ કર્યો.

વાત એવી છે કે ક્રિકેટમાં ટચૂકડા ગણાતા દેશો પણ હવે સાવજ થઈને રમી રહ્યા છે. 2024ના પાછલા ટી-20 વર્લ્ડ કપમાં મોનાંક પટેલના સુકાનમાં અમેરિકાએ પાકિસ્તાનને પછડાટ આપી હતી, જ્યારે અફઘાનિસ્તાને ન્યૂ ઝીલૅન્ડને અને ઑસ્ટે્રલિયાને પરાજિત કરીને સનસનાટી મચાવી હતી. આ વખતે ઝિમ્બાબ્વેએ આપેલા બે ઝટકાને બાદ કરતા ખાસ કોઈ અપસેટ નથી જોવા મળ્યા એમ છતાં ખાસ કરીને નેપાળ, ડેબ્યૂ કરનાર ઇટલી, અમેરિકા અને સ્કૉટલૅન્ડે મોટાં રાષ્ટ્રોની ટીમોને ધોળે દિવસે તારા જરૂર દેખાડ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો આ નાના દેશોએ હારતાં પહેલાં મોટા હરીફોને નાકે દમ લાવી દીધો હતો. યુએઇ, ઓમાન, નેધરલૅન્ડ્સ, આયરલૅન્ડ, નામિબિયા, કૅનેડાની ટીમમાંથી પણ ઘણા ખેલાડીઓની ટૅલન્ટ વિશ્વ કપના ફલક પર આવતી જોવા મળી. 2011માં ભારતને વન-ડેનો વર્લ્ડ કપ અપાવનાર ગૅરી કર્સ્ટન વર્તમાન ટી-20 વર્લ્ડ કપમાં નામિબિયાના ક્રિકેટ ક્નસલ્ટન્ટ તરીકે આવ્યા હતા. 2007માં ભારતે સૌપ્રથમ ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી લીધી ત્યારે લાલચંદ રાજપૂત ટીમ ઇન્ડિયાના મૅનેજર હતા અને આ વખતના ટી-20 વર્લ્ડ કપમાં તેઓ યુએઇના કોચ હતા. કહેવાનો અર્થ એ છે કે નાના દેશોની રોમાંચક સફળતામાં કર્સ્ટન, રાજપૂત જેવા દિગ્ગજોનો પણ ફાળો હતો.

સાતમી ફેબ્રુઆરીએ વાનખેડેમાં ભારતે અમેરિકા સામે ભારે સંઘર્ષ કરીને ટૂર્નામેન્ટની શરૂઆત કરી હતી. આ સૌથી ટૂંકા ફૉર્મેટના વર્લ્ડ નંબર-વન બૅટ્સમૅન અભિષેક શર્માએ શૂન્યની હૅટ-ટ્રિકની શરૂઆત એ મૅચથી જ કરી હતી. બૅટિંગ આપવામાં આવ્યા બાદ ભારતે હજી તો દાવની શરૂઆત કરી હતી અને અભિષેકે પહેલી વાર ક્રીઝમાં સ્ટાન્સ લીધું ત્યાં તો પેસ બોલર અલી ખાનના બૉલમાં લૉફ્ટેડ શૉટ મારવાના પ્રયાસમાં ડીપ કવરમાં ભારતીય મૂળના ફીલ્ડર સંજય ક્રિષ્નમૂર્તિને કૅચ આપી બેઠો હતો. ઇશાન કિશન (20 રન) પણ લાંબું ન ટક્યો અને તિલક વર્મા (પચીસ રન)એ પણ થોડી ફટકાબાજીની ઝલક આપીને ચાલતી પકડી હતી. જોત જોતામાં ભારતની છ વિકેટ માત્ર 77 રનના ટોટલમાં પડી ગઈ હતી. વાનખેડેમાં આ મુકાબલો જોવા આવેલા 30,000-પ્લસ પ્રેક્ષકોમાં સોપો પડી ગયો હતો. એ તો સારું થયું કે કૅપ્ટન સૂર્યકુમાર યાદવે નાની ભાગીદારીઓની મદદથી અણનમ 84 રન કર્યા અને 162 રનનો લક્ષ્યાંક આપ્યા બાદ છેવટે ભારત 29 રનના નાના માર્જિનથી જીત્યું. 

જો ભારત સામેની મૅચમાં અમેરિકાની ફીલ્ડિંગ નબળી ન હોત તો મૅચનું પરિણામ જુદું જ હોત. એ જ રીતે નેધરલૅન્ડ્સ સામે પાકિસ્તાન બચી ગયું હતું. એક તબક્કે પાકિસ્તાને 125 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી અને પાકિસ્તાને વિજય મેળવ્યો ત્યારે ફક્ત ત્રણ બૉલ બાકી રહ્યા હતા. નેધરલૅન્ડ્સના બોલર્સે સલમાન અલી આગાની ટીમને છેક સુધી હંફાવી હતી.

વર્ષો પહેલાં માત્ર ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) અને ઑસ્ટે્રલિયાની બિગ બૅશ લીગ (બીબીએલ)ની બોલબાલા હતી. હવે તો વિશ્વભરમાં ટી-20 લીગ ટૂર્નામેન્ટનો રાફડો ફાટી નીકળ્યો છે. જોકે એનો લાભ ઘણા ઊભરતા ખેલાડીઓને મળ્યો છે અને એટલે જ આ વર્લ્ડ કપમાં અજાણ્યા ખેલાડીઓના રોમાંચક પર્ફોર્મન્સ જોવા મળ્યા. નેપાળના દીપેન્દ્રસિંહ એઇરીનું નામ તો સૌએ સાંભળ્યું જ હશે. માત્ર નવ બૉલમાં હાફ સેન્ચુરી ફટકારવાનો વિશ્વવિક્રમ તેના નામે છે. હા, યુવરાજ સિંહ (12 બૉલમાં 50) અને કૉલિન મન્રો (14 બૉલમાં 50)થી પણ તે આગળ છે. આઠમી ફેબ્રુઆરીએ તે ફક્ત 44 રન કરી શક્યો હતો, પણ નેપાળની ટીમે ઇંગ્લૅન્ડ તરફથી મળેલા 185 રનના ટાર્ગેટ સામે છ વિકેટે 180 રન કરીને (લક્ષ્યાંકની લગોલગ પહોંચીને) બ્રિટિશરોને ચિંતામાં તો મૂકી જ દીધા હતા. ઇંગ્લૅન્ડ જરાક માટે નેપાળની નાગચૂડમાંથી બચી ગયું હતું.

એ મૅચ બાદ એઇરીએ બે હાફ સેન્ચુરી ફટકારી હતી. તમે જ વિચાર કરો કે ટી-20 ઇન્ટરનૅશનલના રૅન્કિંગમાં અભિષેક શર્મા પછી બીજો ક્રમ ધરાવતા ફિલ સૉલ્ટ (એક રન)ને નેપાળે એ દિવસે માત્ર બે બૉલમાં વાનખેડેના પૅવિલિયન ભેગો કરી દીધો હતો. એક સમયનો શ્રેષ્ઠ હાર્ડ-હિટર જૉસ બટલર (26 રન)ને પણ નેપાળના બોલર્સે પૂરા 20 બૉલ પણ નહોતો રમવા દીધો. નેપાળે છેલ્લે 17મી ફેબ્રુઆરીએ સ્કૉટલૅન્ડની અનુભવી ટીમને હરાવીને વિજય સાથે શાનથી વર્લ્ડ કપમાંથી વિદાય લીધી હતી. નેપાળની ચારેય લીગ મૅચ વાનખેડેમાં રમાઈ હતી અને હજારો નેપાળીઓએ દરેક મૅચમાં ભરપૂર મોજ માણી હતી. એક મૅચ દરમ્યાન કહેવાયું હતું કે ` વાનખેડેમાં સલામતી વ્યવસ્થાની જરૂર જ નથી, કારણકે હજારો ગુરખાઓ સ્ટેડિયમમાં મોજૂદ છે.'

ઇંગ્લૅન્ડે નસીબથી જ સુપર-એઇટ રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે. નેપાળ પછી સ્કૉટલૅન્ડે પણ બ્રિટિશરોને ટેન્શનમાં લાવી દીધા હતા. ઇંગ્લૅન્ડે કોલકાતામાં 153 રનનો લક્ષ્યાંક પાંચ વિકેટ ગુમાવીને મેળવ્યો ત્યારે માત્ર 10 બૉલ બાકી હતા. નવાઈની વાત એ છે કે એ મૅચમાં પણ ફિલ સૉલ્ટ (બે રન) અને જૉસ બટલર (ત્રણ રન) ફ્લૉપ ગયા હતા. ઇટલીએ બે વખત ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન બનેલા વેસ્ટ ઇન્ડિઝને 165 રન સુધી સીમિત રાખ્યું અને પછી છેક 18મી ઓવરમાં હાર સ્વીકારી હતી. ફૂટબૉલની રમતમાં લોકપ્રિય ઇટલીએ બે સગા ભાઈઓની ઓપનિંગ જોડી સાથે પોતાના સૌપ્રથમ વર્લ્ડ કપમાં ઝંપલાવ્યું અને ભારે પ્રશંસા સાથે આ ટૂર્નામેન્ટમાંથી વિદાય લીધી છે. 31 વર્ષના જસ્ટિન મૉસ્કા અને તેના મોટા ભાઈ 34 વર્ષીય ઍન્થની મૉસ્કાની ક્રિકેટમાં હવે ઉંમર ઘણી મોટી કહેવાય, પણ ક્રિકેટના વર્લ્ડ કપના ઇતિહાસમાં ઇટલીને સકારાત્મક પ્રવેશ અપાવવામાં તેમનું નામ હંમેશાં લેવાશે. નાના દેશો અંદરોઅંદર એકમેકથી ચડિયાતા પુરવાર થવા હરીફાઈમાં ઊતર્યા હતા અને એમાં લોકલાડીલા નેપાળની ટીમને વાનખેડેમાં 12મી ફેબ્રુઆરીએ ઇટલીએ જસ્ટિન મૉસ્કા (60 અણનમ) અને ઍન્થની મૉસ્કા (62 અણનમ)ની 124 રનની વિશ્વવિક્રમી ઓપનિંગ ભાગીદારીની મદદથી 10 વિકેટે હરાવ્યું હતું. નેપાળની જેમ ઇટલીની ક્રિકેટ ટીમ પણ દેશમાં પાછા ગયા બાદ કહી શકી હશે કે તેઓ ખાલી હાથે પાછા નથી આવ્યા. ચારમાંથી એક મૅચ જીતીને આવ્યા છે.

આઇપીએલને ભારતમાંથી જ દર વર્ષે અસંખ્ય નવા ખેલાડીઓ મળી રહેતા હોય છે. હવે આવનારાં વર્ષોમાં વર્લ્ડ કપના આ નાના દેશોના ખેલાડીઓ પણ આઇપીએલમાં રમવા દાવેદાર બનશે. એ જ રીતે, બીજી ટી-20 લીગ ટૂર્નામેન્ટોને પણ આવો ફાયદો થશે. બે પૈસા હવે વર્લ્ડ કપના નાના દેશોના ટૅલન્ટેડ ખેલાડીઓ પણ કમાશે