Mon Jul 27 2026

Logo

બંગાળમાં શુભેન્દુના PAને ગોળી માર્યા પછી હત્યારાઓએ મરી જાય ત્યાં સુધી રાહ જોઈ

2026-05-07 08:56:00
Author: Vimal Prajapati
Article Image

કોલકાતાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા પછી હિંસા ભડકી રહી છે. ગતમોડી રાત્રે જ પશ્ચિમ બંગાળના સંભવિત મુખ્ય પ્રધાન શુભેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથની હત્યા કરવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે નોર્થ 24 પરગણા જિલ્લામાં આવેલા મધ્યમગ્રામમાં આ બનાવ બન્યો હતો. જેમાં કારમાં જઈ રહેલા ચંદ્રનાથ રથ પર બાઈકસવારે ગોળીબાર કર્યો હતો. જેમાં ચંદ્રનાથના ડ્રાઈવરને પણ ગોળી વાગી હોવાનું જાણવા મળ્યું છે. આ હત્યાકાંડના કારણે પશ્ચિમ બંગાળમાં અત્યારે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે.

હત્યારાઓએ ગોળી મારી મોત થાય ત્યા સુધી રાહ જોઈ

બુધવારે મોડી રાતના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ (પીએ) ચંદ્રનાથ રથ પર ફાયરિંગ કરવામાં આવતા મૃત્યુ નિપજ્યું છે. તેમાં વિગતો આપતા પોલીસે જણાવ્યું કે, આ એક પૂર્વઆયોજિત હત્યા છે. કારણ કે, ચંદ્રનાથ રથને ગોળી માર્યા બાદ હત્યારાઓ તેમનું (ચંદ્રનાથ રથ) મોત થાય ત્યા સુધી રાહ જોઈ હતી. જ્યારે 10.20 વાગ્યાની આસપાસ ચંદ્રનાથ રથ ઘરે જઈ રહ્યાં હતા ત્યારે બાઈક પર આવેલા આરોપીઓએ તેમની કાર રોકી અને ત્રણ ગોળીઓ ફાયર કરી હતી. 

રેકી કરી હત્યાનો પ્લાન બનાવવામાં આવ્યો હતોઃ પોલીસ

આ ઘટના અંગે વાત કરતા શુભેન્દુ અધિકારીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, પોલીસને તપાસમાં પુરાવા મળી ગયાં છે. આ એક પૂર્વઆયોજિત હત્યા છે, પોલીસ પણ તેવું જ કહી રહી છે. 2થી 3 દિવસ સુધી રેકી કરવામાં આવી અને હત્યાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. આ ઘટના એટલી દુઃખદ છે કતે, અમારી પાસે નિંદા કરવા માટે પણ કોઈ શબ્દો નથી. પોલીસ અત્યારે તપાસ કરી રહી છે, કેટલાક પુરાવા મળ્યાં જેના કારણે તપાસ આગળ વધારવામાં આવી છે.

ચંદ્રનાથ રથને મૃત અવસ્થામાં જ હોસ્પિટલ લઈ જવામાં આવેલા

કેટલાક સૂત્રોના જણાવ્યાં પ્રમાણે ચંદ્રનાથ રથ ગોળીબારમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા, અને તેમને  તે જ અવસ્થામાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં. પરંતુ હોસ્પિટલના ડૉક્ટરોનું કહેવું છે કે, પીડિત (ચંદ્રનાથ રથ)ને મૃત અવસ્થામાં જ હોસ્પિટલ લાવવામાં આવ્યાં હતા. તેમને છાતી પર ગોળીઓ વાગેલી હતી અને એક ગોળી પેટ પર પણ લાગી હતી.