મુંબઈઃ ૨૦૧૬માં 'લાઇન ઓફ કંટ્રોલ' (એલઓસી) પાર આતંકવાદી છાવણીઓ પર કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇકમાં મહત્વની ભૂમિકા ભજવનારા લેફ્ટનન્ટ જનરલ રાજેન્દ્ર રામરાવ નિમ્ભોરકરે (નિવૃત્ત) જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તત્કાલીન સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકર દ્વારા દર્શાવવામાં આવેલા "દ્રઢ સંકલ્પ"ને કારણે જ આ કાર્યવાહી શક્ય બની હતી.
નિમ્ભોરકરે કહ્યું હતું કે, "અમારી પાસે ક્ષમતા હતી, પરંતુ કોઈકે લીલી ઝંડી આપવી જરૂરી હતી. અત્યાર સુધી, અમારા સૈનિકોના મોતનો બદલો લેવાની વાતો તો ઘણી થતી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નહોતી."
સર્જિકલ સ્ટ્રાઇક્સ દરમિયાન મુખ્ય ઓપરેશનલ કમાન્ડ્સનું નેતૃત્વ કરનારા ત્રણ વરિષ્ઠ આર્મી કમાન્ડરોમાંના એક એવા ભૂતપૂર્વ સૈન્ય અધિકારીએ કહ્યું કે, તેઓ (મોદી અને પર્રિકર) તેમના પગલાંના પરિણામોની જવાબદારી સ્વીકારવા તૈયાર હતા.
નાગરોટા સ્થિત ૧૬ કોર્પ્સ (વ્હાઇટ નાઈટ કોર્પ્સ)ના જનરલ ઓફિસર કમાન્ડિંગ (જીઓસી) રહેલા નિમ્ભોરકરે રાજૌરી અને પૂંછ આ બે સરહદી જિલ્લાઓમાં ઓપરેશનલ સજ્જતા અને વ્યૂહાત્મક અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
"૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૬ની રાત્રે, અમારા સૈનિકોએ સરહદ પાર કરીને ઉરી, પૂંછ અને ભિંબર સેક્ટરમાં ૮૨ આતંકવાદીઓને ઠાર માર્યા હતા," તેમણે કહ્યું. તેમણે ઉમેર્યું કે આ કાર્યવાહીનું આયોજન અને અમલીકરણ એટલી ઝીણવટતાથી કરવામાં આવ્યું હતું કે તેમાં કોઈ પણ પ્રકારનું નુકસાન (કોલેટરલ ડેમેજ) થયું નહોતું.
૧૮ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ ઉરી બ્રિગેડ હેડક્વાર્ટરના વહીવટી વિસ્તાર પર થયેલા હુમલામાં ૧૯ સૈનિકના મોતને પગલે ભારતે કાર્યવાહી કરવાનું નક્કી કર્યું હતું, તેમણે કહ્યું. "વડા પ્રધાન મોદી અને પર્રિકરના દ્રઢ સંકલ્પને કારણે જ આ અભૂતપૂર્વ મિશન સફળ થઈ શક્યું," તેમ નિમ્ભોરકરે ઉમેર્યું.
રવિવારે PM મોદીએ કહ્યું હતું કે સર્જિકલ સ્ટ્રાઇક્સ એ આતંકવાદી હુમલાઓની પીડા સામે ભારતનો નિર્ણાયક જવાબ હતો અને તેના દ્વારા દેશની આતંકવાદ-વિરોધી નીતિનું એક નવું ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું હતું.
(પીટીઆઈ)