સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં કૂતરાં હિંસક બની રહ્યા હોય તેમ અઠવાડિયામાં છઠ્ઠી ઘટના સામે આવી હતી. બેગમવાડી તિરુપતિ માર્કેટના પાર્કિંગમાં નાના છોકરાને રગદોળીના કૂતરાંએ બચકાં ભર્યા હતા. આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. એક સાથે ત્રણ કૂતરાઓ બાળકને ખેંચીને તેની ઉપર તૂટી પડ્યા હતા. જોકે આસપાસ હાજર લોકો તુરંત દોડી આવ્યા હતા અને કૂતરાંને ભગાડી બાળકનો જીવ બચાવ્યો હતો. ઘટનામાં બાળકને ઇજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ પહેલાં સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલા તિરુપતિ માર્કેટમાં એક મહિલા પોતાના બાળક સાથે ખરીદી કરવા માટે આવી હતી. આ દરમિયાન બાળક માતાથી થોડું દૂર ગયું હતું ત્યારે અચાનક ત્રણથી ચાર રખડતા કૂતરાં બાળક તરફ દોડી આવ્યા હતા અને તેના પર હુમલો કર્યો હતો.કૂતરાંના હુમલાથી માર્કેટ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.કૂતરાં બાળકને ઘેરીને હુમલો કરી રહ્યા હતા ત્યારે આસપાસ હાજર વેપારીઓ અને સ્થાનિક લોકો તરત જ દોડી આવ્યા હતા. લોકોએ લાકડાં અને અન્ય વસ્તુઓ વડે કૂતરાંને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. ભારે મહેનત બાદ બાળકને બચાવવામાં આવ્યો હતો. હુમલામાં બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઘોડદોડ રોડ પર આવેલા ઘંટીવાલા ગાર્ડનમાં એક 8 વર્ષની બાળકી પરિવાર સાથે રમતી હતી ત્યારે અચાનક કૂતરાંએ હુમલો કર્યો હતો. જેના કારણે લોહીલુહાણ થતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. બાળકી તેના ભાઈ-બહેન અને માતા સાથે ગાર્ડનમાં રમવા ગઈ હતી. તેની માતા નજીકમાં આઈસ્ક્રીમ લેવા ગયા હતા. આઈસ્ક્રીમની થેલી લઈને બાળકી અને તેની માતા ગાર્ડનમાં જતા હતા ત્યારે રખડતાં કૂતંરાની નજર તેના પર પડી હતી. કૂતરાએ થેલીમાં ખાવાનું હશે તેમ સમજીને બાળકી પર હુમલો કર્યો હતો. થોડીવારમાં બાળકી લોહીલુહાણ થઈ ગઈ હતી. જે બાદ તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
કડોદરામાં ઘર પાસે રમતાં 6 વર્ષના બાળક પર 3 કૂતરાંએ હુમલો કર્યો હતો. બાળક તેના પરિવાર સાથે સોસાયટી નજીક આવેલી કેનાલ તરફ ફરવા ગયો હતો. આ સમયે બાળક આગળ દોડી રહ્યો હતો ત્યારે અચાનક ત્રણ જેટલા કૂતરા તેના પર તૂટી પડ્યા હતા. અહીં ચાર-પાંચ અને સાત-આઠ કૂતરાંઓ ઝુંડમાં ફરે છે અને બાળકોને જોતા જ હિંસક બની જાય છે. આ ઘટના સમયે પણ જો નજીકમાંથી પસાર થતી 14-15 વર્ષની બે હિંમતવાન છોકરીઓએ દોડી આવીને કૂતરાઓ પર પથ્થરમારો ન કર્યો હોત, તો તેનો જીવ બચાવવો મુશ્કેલ હોત.
20 મેના રોજ પીપોદરા ખાતે આવેલી એક ફેકટરીમાં મજૂરી કામ કરતા એક યુવકનો અઢી વર્ષનો દીકરો ફેક્ટરીની અંદર રૂમ પાસે રમતો હતો. તે વખતે એક હડકાયા કૂતરાએ હુમલો કરી દીધો હતો. કૂતરાએ બાળકના ગાલે એટલું ભયાનક બચકું ભર્યું હતું કે ત્યાંથી માસૂમનો માંસનો લોચો નીકળી ગયો હતો. ઘટના બનતાની સાથે જ આસપાસના લોકો અને પરિવારજનો દોડી આવ્યા અને બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. બાળકના ચહેરા પર ગંભીર ઈજા થતાં પરિવારજનોમાં ભય અને ચિંતા છવાઈ ગઈ હતી.
સૂત્રો મુજબ, આ વર્ષે શહેરમાં ડોગ બાઈટના જાન્યુઆરીમાં 1148 કેસ, ફેબ્રુઆરીમાં 974 કેસ, માર્ચમાં 1136 કેસ, એપ્રિલમાં 1026 કેસ અને ચાલુ મહિને અત્યાર સુધીમાં 575થી વધુ કેસ નોંધાયા છે.