નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કથિત ભડકાઉ ભાષણ (હેટ સ્પીચ) કેસમાં ભાજપના નેતા અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્માને રાહત યથાવત રાખી છે. સુપ્રીમ કોર્ટ તેના નિર્ણય પર પુનર્વિચાર નહીં કરે. કોર્ટે સીપીઆઈ(એમ) નેતા વૃંદા કરાતની એ રીવ્યુ પિટિશન ફગાવી દીધી છે, જેમાં તેમની(અનુરાગ ઠાકુર, પ્રવેશ વર્મા) સામે એફઆઈઆર નોંધવાની માંગ કરવામાં આવી હતી. તેમને ક્લીન ચિટ આપવાના નિર્ણય વિરુદ્ધ આ રીવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમને અમારા પાછલા નિર્ણય પર ફરીથી વિચાર કરવા લાયક કોઈ ભૂલ મળી નથી.
ભાજપના નેતા અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્મા વિરુદ્ધ વર્ષ 2020માં આપવામાં આવેલા ભાષણોને લઈને એફઆઈઆર નોંધવાની માંગ કરવામાં આવી હતી. શિકાયતમાં કહેવામાં આવ્યું હતું કે અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્માએ જાન્યુઆરી 2020માં નાગરિકતા સંશોધન અધિનિયમ એટલે કે સીએએ સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોને નિશાન બનાવીને નફરત ફેલાવનાર ભાષણો આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે આ પહેલા એપ્રિલમાં બંને નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માંગને ફગાવી દીધી હતી. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે કહ્યું હતું કે, 'દેશ કે ગદ્દારો કો, ગોલી મારો સાલો કો' જેવી વાત કહેવાથી કોઈ સંજ્ઞેય અપરાધનો મામલો બનતો નથી.
સુપ્રીમ કોર્ટે રિવ્યુ પિટિશન ફગાવી
સુપ્રીમ કોર્ટે ગત 29 એપ્રિલે 'હેટ સ્પીચ' પર દિશા-નિર્દેશ જારી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે કાયદામાં પહેલેથી જ પૂરતી વ્યવસ્થા છે. આ ટિપ્પણીઓ સાથે કોર્ટે કેસમાં દાખલ થયેલી તમામ અરજીઓ ફગાવી દીધી હતી. ત્યારબાદ CPIM નેતા વૃંદા કરાતે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરી હતી, જેને ફગાવી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અમને અમારા પાછલા નિર્ણય પર ફરીથી વિચાર કરવા લાયક કોઈ ભૂલ મળી નથી.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, 'હાઈકોર્ટે સ્વતંત્ર રીતે મામલાની તપાસ કર્યા પછી એવું માન્યું છે કે જે ભાષણોની વાત થઈ રહી છે, તેનાથી કોઈ સંજ્ઞેય અપરાધ થવાની માહિતી મળતી નથી.'
સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે- 'હાઈકોર્ટે એવું તારણ કાઢ્યું કે આ નિવેદનો કોઈ ચોક્કસ સમુદાય વિરુદ્ધ નહોતા અને ન તો તેનાથી હિંસા કે સાર્વજનિક અશાંતિ ફેલાઈ હતી.'