પ્રત્યેક વર્ષે વિશ્વમાં વધતી જતી અમીરી-ગરીબી વચ્ચેની ખાઈ પર અંકુશ મેળવવા કેટલાક શ્રીમંતો સ્વેચ્છાએ વધુ કરવેરા આપવા તૈયાર થયા છે, પણ આર્થિક નિષ્ણાતો કહે છે કે ધનિકો પરનો અધિક ટેક્સ નુકસાનકારક પુરવાર થઈ શકે!
ક્લોઝ અપ - ભરત ઘેલાણી
ધારી લો કે કલાસના તોફાની ટપુડાઓ અચાનક ડાહ્યા-ડમરા થઈ જાય - ‘નો તોફાન-મસ્તી’ સાથે નિયમિત હોમ વર્ક કરીને આવે. એટલું જ નહીં, શિક્ષકને સામેથી વધુ ને વધુ નવું શીખવાડવા કહે ત્યારે તો શિક્ષકો સુધ્ધાંને આશ્ર્ચર્યના ચોરસ ચોરસ ચક્કર આવવા માંડે. એમને સમજાય નહીં કે આ તોફાનીઓમાં આવો હ્રદયપલટો આવ્યો ક્યાંથી?
આવો જ સિનારિયો આજકાલ સરકાર અને શ્રીમંતો વચ્ચે સર્જાયો છે. આમ તો કોઈ પણ દેશની સરકાર હોય,એની ફરજ છે કમાણી કરતા નાગરિકો પાસેથી કર ઉઘરાવી દેશનું કામકાજ ચલાવવું- સુશાસન કરવું. બીજી તરફ, નાગરિકનો જન્મસિદ્ધ અધિકાર છે કે કમાણીનું સુનિયોજન કરીને ટેકસ બચાવવો બન્ને પક્ષ આ જાણે છે, છતાં બન્નેને એક યા બીજી રીતે આ રમતના નિયમોનું પાલન કરવાનું ટાળે છે. સરકાર વધુ કરવેરા ઝીંકે છે અને સામે વેપારી-ઉદ્યોગપતિ-ઓ કરચોરી કરે છે. સરકાર અને ખાસ કરીને ખમતીધર વેપારીઓની આ વર્ષો જૂની રમત છે-ટક્કર છે.
હમણાં આમાં એક નવું પરિમાણ ઉમેરાયું છે. જગતના વિભિન્ન રાષ્ટ્રોમાં ફેલાયેલી ભૂખમરાની સમસ્યા તથા જગતના ધનકૂબેરો-ગરીબો વચ્ચે વધતી જતી આવકની ખાઈના ખબર-અંતર રાખતી જાણીતી આંતરરાષ્ટ્રીય સંસ્થા ‘ઑક્સફામ’ છેલ્લાં આંકડા-અહેવાલ લઈને આવી છે, જે ચોંકાવનારા છે.
‘ઑક્સફામ’ અનુસાર, વિશ્વના 10 ધનિક એવાં છે, જે રોજના 11 હજાર કરોડ રૂપિયા કમાય છે. આ જો રોજ આડેધડ 7.5 કરોડ પણ વાપરે તો પણ એમની સંપત્તિ આગામી 84 વર્ષ સુધી ખતમ ન થાય !
બીજી તરફ, ભારત જેવા દેશમાં રોજના 7000ને હિસાબે દર વર્ષે 25 લાખથી વધુ લોકો ભીષણ ગરીબી અને ભૂખમરાથી મરે છે...
આમ અમીરી-ગરીબી વચ્ચેની આવી આર્થિક અસમાનતા કોઈને પણ માત્ર અકળાવનારી જ નહીં, પણ હચમચાવનારી છે.
વિસ્મય જગાડે એવા આ બધા આંકડાની વિગતો પ્રગટ થઈ રહી છે એમાં બીજા એક સમાચારે દુનિયાભરના લોકોને ચોંકાવી દીધા છે અને આર્થિક નિષ્ણાતોને પણ વિચાર કરતાં કરી મૂક્યાં છે.
ખરી આવક છુપાવી પોતાના દેશમાં કરચોરી કરે અને જ્યાં ‘ટેક્સ-હેવન’ની સુવિધા એવા દેશમાં પણ આવક રળવા યુક્તિ-પ્રયુક્તિ કરવા માટે મોટાભાગના ધનિકો વગોવાયેલા છે.
જો કે કેટલાક અતિ શ્રીમંતો એવા છે, ‘જેમની ‘આવક અધધધ છે, છતાં એ લાકો ઘણો ઓછો ટેક્સ ચૂકવે છે’ એવી ફરિયાદ અવારનવાર થતી રહે છે. અત્યાર સુધી આવી ફરિયાદના જવાબ કે ખુલાસા મળતા કે થતાં નહોતા, પણ તાજેતરમાં ‘ઑકસફામ’ના વિચારમાં મૂકી દે એવાં આર્થિક અસમાનતાના આંકડા પ્રગટ થયા પછી વિશ્વના ટોચના 102 અબજોપતિઓએ ‘વર્લ્ડ ઈકોનોમિક ફોરમ’ (WCF) ને એક પત્ર લખીને એ મતલબની અપીલ કરીને કહ્યું છે : ‘હા,અસમાન કર-વ્યવસ્થાને લીધે અમે બીજાંની સરખામણીએ વધુ ધનઉપાર્જન કરીએ છીએ માટે જો અમને વધુ ટેક્સ ચૂકવવા કહેશો તો એ અમે સ્વેછાએ આપવા તૈયાર છીએ..’
102 અમીરોની સામેથી વધુ કર ચૂકવવાની આવી બાંહેધરી સહેજે બધાને નવાઈ પમાડે. જો કે આ શ્રીમંતોના આવા વધારાના ટેક્સથી શું શું થઈ શકે એની પણ હમણાં ગણત્રી કરવામાં આવી છે. એક અડસટ્ટા મુજબ વધારાના કરવેરા દ્વારા 2.52 ટ્રિલિયન ડૉલર (આંકડા પર 12 મીંડાવાળી રકમ!) જેટલું ફંડ એકઠું થઈ જશે, જેનાથી દુનિયાની પ્રત્યેક વ્યક્તિને વેક્સિન આપી શકાશે. એટલું જ નહીં, બે અબજથી વધુ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢી શકાશે ઉપરાંત અસંખ્યોને ભૂખમરામાંથી ઉગારી શકાશે નવાઈની વાત એ છે કે સ્વેછાએ વધુ કર ચૂકવવાના આ પત્રમાં અમેરિકા-કેનેડા- બ્રિટન-ફ્રાન્સ- ડેનમાર્ક, ઈત્યાદિ જેવાં અનેક દેશોના શ્રીમંતોએ હસ્તાક્ષર કરી સહમતિ દર્શાવી છે, પરંતુ એમાં આપણા સૌથી અમીર મુકેશ અંબાણી કે ગૌતમ અદાણી કે પછી અન્ય ભારતીય ધનાઢ્ય વ્યક્તિઓનાં નામ સુદ્ધાં નથી.
હકીકતમાં તો સામેથી વધુ કરવેરા ચૂકવવાની વાત સાવ નવી નથી. ‘હા, અમારા જેવા શ્રીમંતોએ વધુ ટેક્સ ચૂકવવો જોઈએ અને સરકાર કહેશે તો અમે આવા ટેક્સ આપવા તૈયાર છીએ.’ એ પ્રકારની રજૂઆત આજથી ચારેક વર્ષ પહેલાં વિશ્વના પ્રથમ 10 અમીરોમાં આવે એવા અમેરિકાના સૌથી સફ્ળ ઈનવેસ્ટર- રોકાણકાર વોરેન બફેટ સાથે જ ‘માઈક્રોસોફટ’ના બિલ ગેટ્સે કરી હતી.
આજની તારીખે 160 અબજ ડૉલરને નેટવર્થ ધરાવતા બફેટનું કહેવું અને માનવું છે કે અમીર -ગરીબની આવક- બચત અને રોકાણ વચ્ચેની અસમાનતાને લીધે ગરીબ વધુ ગરીબ અને પૈસાવાળા વધુ ધનવાન થતાં જાય છે. આને રોકવા માટે સરકારે અમારા જેવા ‘સુપર રીચ’ પાસેથી વધુ ટેક્સ વસૂલ કરવો જોઈએ. ખાસ કરીને, અમારી એસ્ટેટ જાગીરની ખરીદી પર’ વોરેન બફેટે તો પોતાની ઑફિસના એક કર્મચારીની તેમજ પોતાની આવક તેમજ બન્નેના ટેક્સ માળખા સરખાવીને બધાને દર્શાવ્યું કે પેલા કર્મચારી કરતાં પોતાને કેટલો ઓછો ટેક્સ ભરવો પડે છે..!
આવા સિનારિયો વચ્ચે ન્યૂયોર્કના મેયર અને કેટલાક જાણીતી હસ્તિઓ એવી વાત લાવ્યા છે કે 10 લાખ ડૉલરથી વધુ આવક ધરાવતા લોકો પર 2 ટકાથી વધુનો ટેક્સ નાખવો જોઈએ. યુરોપમાં પણ આ રીતનો વધુ ટેક્સ વસૂલ કરવાની ચર્ચા ચાલી રહી છે. કેટલાક શ્રીમંતો સ્વેચ્છાએ વધુ કરવેરા આપવા તૈયાર થયા છે, પણ આર્થિક નિષ્ણાતો કહે છે કે ધનિકો પરનો અધિક ટેક્સ નુકસાનકારક પુરવાર થઈ શકે. એમના મત અનુસાર આ વધારાનાના કરવેરાને કારણે મોટી કંપની નવી રિ-સર્ચ -નવી શોધખોળ ઉપરાંત એમાં વધુ જોખમ લેવાની ક્ષમતામાં ઘટાડો થશે. સરવાળે આર્થિક ક્ષેત્રે વધુ નુકસાન થવાની શક્યતા વધી જશે...!
કોઈ પણ દેશની પ્રજાના સામાજિક-સાંસ્કૃતિક કે તબીબી-વિજ્ઞાન કે પછી કોઈ પણ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે પહેલી જરૂર ધનની પડે. આર્થિક રીતે સક્ષમ હો તો જ ઝડપી પ્રગતિ શક્ય છે. જયારે જે તે દેશના સત્તાધીશ આર્થિક રીતે પહોંચી ન શકે ત્યારે દાન તરીકે મળતા ધન પર વિશેષ આધાર રાખવો પડે.
કોવિડ-કાળના અપવાદને બાદ કરતાં એકંદરે આપણો દેશ આર્થિક દ્રષ્ટિએ મજબૂત થતો જાય છે. અબજપતિઓની સંખ્યા વધી રહી છે, છતાં એમના દ્વારા અપાતાં દાનની રકમ બીજા દેશોના શ્રીમંતોની રકમની સરખામણીએ જોઈએ તેટલી જરાય પ્રોત્સાહિત કરે તેટલી નથી.
ગયા વર્ષે 2025માં ભારતીય દાનવીરો વિશે થયેલાં ‘હુરુન ઈન્ડિયા’ના એક સર્વે મુજબ શિવ નાદર -મુકેશ અંબાણી- કુમાર મંગલમ -ગૌતમ અદાણી- બજાજ, વગેરેના પરિવાર દાનમાં અગ્રસર રહ્યા. એમની સરખામણીએ તો ‘વિપ્રો’ના અઝીમ પ્રેમજી પણ અવ્વલ રહ્યા. આ દિલદાર ઉદ્યોગપતિ પરોપકારનાં કાર્યોમાં રોજના સરેરાશ રૂપિયા 27 કરોડનું દાન કરે છે !
-અને હા, આ બધા વચ્ચે અત્યારે વિશ્વના સૌથી અમીર અને અમેરિકાના ઈલેક્ટ્રીક કાર ‘ટેસ્લા’ તથા ‘સ્પેસડ’ કંપનીના સર્વેસર્વા અલગારી ઉદ્યોગપતિ ઈલોન મસ્ક આ વર્ષે આશરે 500 અબજ ડૉલર એટલે આશરે 42 હજાર કરોડ રૂપિયાનો ટેક્સ ભરશે. અમેરિકન કોર્પોરેટ ઈતિહાસમાં સૌથી વધુ ટેકસ ભરવાનો જેમનાં નામે આ રેકોડ સર્જાશે એવા આ ઈલોન કહે છે :
‘યેસ, મારા જેવા અલ્ટ્રા રીચ પર સરકાર હજુ સુપર ટેક્સ નાખશે તો એ પણ હું ભરવા તૈયાર છું, બોસ..!’
અબજોપતિઓની આંકડાબાજી...
જગતના આર્થિક સિનારિયો પર નજર રાખતી સંસ્થા ‘ઑકસફામ’ કહે છે કે કોવિડ મહામારી પછી વિશ્વમાં અબજોપતિની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. 2025ના છેલ્લામાં છેલ્લાં સર્વેક્ષણ મુજબ ભારતમાં અબજોપતિની સંખ્યા વધીને 284 થઈ છે અને એમાંય સૌથી વધુ સંપત્તિ ધરાવતા પ્રથમ 100 ભારતીયની કુલ સંપત્તિ મળીને 1 ટ્રિલિયોનથી વધુ છે (આશરે રૂપિયા 83 લાખ કરોડ ! )
એ બધાની વચ્ચે આપણા મુકેશ અંબાણીની ખુદની રોજિંદી આવક છે 163 કરોડ રૂપિયા!