(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈઃ મહારાષ્ટ્ર તેમ જ ઉત્તર પ્રદેશની ખાંડ મિલો પર સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે મજબૂત વલણ રહ્યું હોવાના નિર્દેશો હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટોની નવી લેવાલી મંદ પડી હતી, પરંતુ રિટેલ સ્તરની માગ જળવાઈ રહેતાં હાજરમાં સ્મોલ અને મિડિયમ ગે્રડની ખાંડમાં મિશ્ર વલણ રહેતાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. આઠથી 10નો ઘટાડો આવ્યો હતો, જ્યારે ઉપલા મથાળેથી રૂ. 10 વધી આવ્યા હતા. જોકે, આજે મથકો પાછળ નાકા ડિલિવરી ધોરણે ભાવમાં ક્વિન્ટલે રૂ. 115થી 125ની તેજી આગળ ધપી હતી.
બજારના સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે 28થી 29 ટ્રકની આવક સામે ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં ઉપાડ લગભગ 26થી 27 ટ્રકનો રહ્યો હતો. આમ એકંદરે માગ મર્યાદિત રહેતાં હાજરમાં સ્મોલ ગે્રડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. આઠના ઘટાડા અને ઉપલા મથાળેથી રૂ. 10ના સુધારા સાથે રૂ. 4922થી 4992માં અને મિડિયમ ગે્રડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 10ના ઘટાડા અને ઉપલા મથાળેથી રૂ. 10ના સુધારા સાથે રૂ. 5012થી 5122માં થયા હતા.
વધુમાં આજે મથકો પરનાં પ્રોત્સાહક અહેવાલ અને ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવમાં તેજીનો અન્ડરટોન જળવાઈ રહેતાં સ્મોલ ગે્રડની ખાંડના ભાવ ક્વિન્ટલે રૂ. 115થી 120 વધીને રૂ. 4875થી 4920ના મથાળે અને મિડિયમ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 115થી 125 વધીને રૂ. 4950થી 5020ના મથાળે રહ્યા હતા.