મુંબઈ : બોલીવુડ અભિનેતા સુદેશ બેરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે કરેલી ટિપ્પણીઓએ સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચાવ્યો છે. એક પોડકાસ્ટમાં તેમણે વડાપ્રધાન મોદીને ભગવાન વિષ્ણુનો અવતાર ગણાવતા કહ્યું કે તેઓ તેમના પગ ધોઈને તે પાણી પીવા માંગે છે. તેમના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર સમર્થન અને ટીકા બંને જોવા મળી રહ્યા છે.
સુદેશ બેરીએ કહ્યું કે તેઓ વ્યક્તિગત રીતે ક્યારેય વડાપ્રધાન મોદીને મળ્યા નથી, પરંતુ ભગવાનને જોયા વગર જેમ લોકો તેમની પૂજા કરે છે, તેવી જ રીતે તેઓ મોદીજી પ્રત્યે આદર વ્યક્ત કરે છે. તેમણે જણાવ્યું કે, "હું મોદીજીના પગ ધોઈને તે પાણી પીવા માંગું છું. જો કોઈ મારી તેમની સાથે મુલાકાત કરાવી આપે તો મને ખૂબ આનંદ થશે. હું કોઈ રાજકીય પક્ષથી પ્રેરિત નથી, પરંતુ એક વ્યક્તિ તરીકે તેમનું ખૂબ જ સન્માન કરું છું."
અભિનેતાએ વડાપ્રધાન મોદીના કાર્યની પ્રશંસા કરતાં કહ્યું કે ચા વેચનાર વ્યક્તિએ દેશને વૈશ્વિક સ્તરે એક નવી ઓળખ આપી છે. તેમણે દાવો કર્યો કે આજે ભારતમાં "રામ રાજ્ય" આવી ગયું છે અને કેટલાક લોકો માત્ર સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવા માટે મોદીજીને ગાળો આપે છે
.
એક ખાનગી પોડકાસ્ટ દરમિયાન સુદેશ બેરીએ કોકરોચ જનતા પાર્ટી (સીજેપી )ના વિરોધ પ્રદર્શનની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું કે તેઓ આ સંગઠનને ઓળખતા પણ નથી, પરંતુ આવા આંદોલનો દેશને આગળ વધારવાને બદલે પાછળ ધકેલી રહ્યા છે. તેમના મત મુજબ, જો સમાજની સેવા કરવી હોય તો બગીચા, વૃદ્ધાશ્રમ અને જનહિતના કામ કરવા જોઈએ, માત્ર જંતર-મંતર પર બેસીને વિરોધ પ્રદર્શન કરવાથી કોઈ હકારાત્મક પરિણામ મળતું નથી.
તેમણે સીજેપીના નામ પર પણ કટાક્ષ કરતાં કહ્યું કે "કોઈ જીવડાના નામે પાર્ટી બનાવવાને બદલે બીજું કંઈ નામ પણ રાખી શક્યા હોત." જોકે, વડાપ્રધાન મોદી અંગેના તેમના નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર અનેક લોકોએ તેમની ટીકા કરી છે. કેટલાક યુઝર્સે તેને અંધભક્તિ ગણાવી છે, જ્યારે અન્યોએ તેમની પોતાની વ્યક્તિગત શ્રદ્ધા હોવાનું કહી આ વાતનું સમર્થન પણ આપ્યું છે. અભિનેતાના આ નિવેદનને કારણે રાજકીય અને સોશિયલ મીડિયા વર્તુળોમાં નવી ચર્ચા શરૂ થઈ છે.પરંતુ આ વિવાદાસ્પદ નિવેદનના કારણે લોકોની ધાર્મિક ભાવના પણ દુભાઈ છે.