Wed Sep 30 2026

Logo

છેલ્લા આઠ દિવસમાં રાજ્યમાં પાંચ વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યુંઃ કૉંગ્રેસ

2026-09-26 20:00:49
Author: Pooja Shah
છેલ્લા આઠ દિવસમાં રાજ્યમાં પાંચ વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યુંઃ કૉંગ્રેસ

અમદાવાદઃ છેલ્લા આઠ દિવસમાં સુરત, રાજકોટ અને વડોદરામાં પાંચ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવવાની ઘટના ઘણી જ ગંભીર છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સુરતમાં ૧૮ સપ્ટેમ્બરે બી.કોમ ની પરીક્ષા આપી ઘરે પહોંચી વિદ્યાર્થીએ ૧૩ માળે થી કૂદીને જીવન ટૂંકાવ્યુ. બીજી ઘટના સુરતમાં ૨૪ સપ્ટેમ્બરે પી.જી. મેડીકલના બીજા વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી.

વડોદરામાં ૧૦માં ધોરણની વિદ્યાર્થીનીએ આત્માહત્યા કરી જીવન ટૂંકાવ્યુ. મારવાડી યુનિવર્સિટીમાં ૧૯ સપ્ટેમ્બરે ૧૦ માળે થી કૂદીને આત્મહત્યા કરી ત્યારે ફરી વધુ એક ત્રીજા વર્ષના કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીએ છટ્ઠા માળેથી કુદીને જીવન ટૂંકાવ્યુ. મારવાડી યુનિવર્સિટીમાં સતત બીજી વિદ્યાર્થિની આત્મહત્યાની ઘટના શિક્ષણક કેમ્પસ માટે અને રાજ્ય માટે પણ ચિંતાનો વિષય છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧,૮૯૯  વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હોવાનું તેમણે જણાવ્યું હતું.  વર્ષ ૨૦૨૪માં ૫૬૮ વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું હતું. એટલે ગુજરાતમાં સરેરાશ દર બે દિવસે ત્રણ વિધાર્થીઓ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. પરીક્ષામાં નાપાસ થવાના ડરથી ૧૦૮ માસૂમ વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું જ્યારે બેરોજગારીના લીધે ૧૫૯ યુવાનોએ આપઘાત કરી જીવન ટુંકાવ્યું.ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧,૦૨૪થી વધુ દીકરીએ આપઘાતનું અતિમ પગલું ભર્યું છે. રાજ્યમાં વિદ્યાર્થીઓનું માનસિક સ્વાસ્થ્ય, શિક્ષણ વ્યવસ્થા અને રોજગારની આશાઓ ગંભીર સંકટમાંથી પસાર થઈ રહી છે.

વર્ષ ૨૦૨૪માં દેશમાં ૧૪,૪૮૮ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી, દેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૪૧,૪૨૪ જેટલા વિધાર્થીઓએ આત્મહત્યા કરી છે. છેલ્લા એક દાયકામાં વિદ્યાર્થી આત્મહત્યાના કેસોમાં ૮૦ ટકા વધારો નોંધાયો છે. વર્ષ ૨૦૧૪થી ૨૦૨૪ દરમિયાન ૧.૨૩ લાખથી વધુ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી, જ્યારે ૨૫,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ માત્ર પરીક્ષામાં નિષ્ફળતાના કારણે જીવન ટૂંકાવ્યું હોવાનુ તેમણે જણાવ્યું હતું.  વર્ષ ૨૦૧૯થી ૨૦૨૪ દરમિયાન ૧૮ વર્ષથી ઓછી ઉંમરના ૬૩,૯૧૫ બાળકો અને કિશોરોએ આત્મહત્યા કરી એટલે કે દેશમાં દરરોજ સરેરાશ ૪૦થી વધુ બાળકો અને કિશોરો આત્મહત્યા કરે છે. ભારત અને ગુજરાતમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાઓ હવે વ્યક્તિગત દુઃખદ ઘટનાઓ નથી રહી, પરંતુ દેશની શિક્ષણ, રોજગાર અને માનસિક આરોગ્ય વ્યવસ્થાની ગંભીર નિષ્ફળતાનું પ્રતિબિંબ છે, તેવો આક્ષેપ તેમણે કર્યો હતો. 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ માંગ કરતા જણાવ્યું હતું કે હવે સમય માત્ર સંવેદના વ્યક્ત કરવાનો નથી, પરંતુ શિક્ષણ વ્યવસ્થામાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાનો, વિદ્યાર્થીઓને આશા આપવાનો અને તેમના જીવનની સુરક્ષા માટે કડક તથા અસરકારક પગલાં લેવાનો છે.