Wed Aug 19 2026

Logo

Stock Market: શેર બજારના ટ્રેડિંગ ટાઇમમાં ફેરફાર, રોકાણકારો માટે જાણવું જરુરી; 3 તારીખથી લાગૂ થશે નિયમ

2026-08-01 15:04:00
Author: Mumbai Samachar Team
Article Image

Stock Market Trading Timing: જો તમે પણ શૅર બજારમાં ટ્રેડિંગ કરો છો તો આ સમાચાર તમારા કામના છે. શૅર બજારના ટ્રેડિંગ ટાઈમિંગમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) મળીને ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) કેટેગરીમાં સામેલ શૅર્સ માટે ક્લોઝિંગ ઓક્શન સેશન (CAS) ની શરૂઆત કરવા જઈ રહ્યા છે. આ પગલાથી શૅર બજારમાં ક્લોઝિંગ પ્રાઈઝ નક્કી કરવાની જૂની સિસ્ટમ બદલાઈ જશે. લાંબા ગાળાના રોકાણકારો પર તેની કોઈ અસર નહીં થાય. પરંતુ F&O ટ્રેડર્સ, બ્રોકર્સ, સંસ્થાગત રોકાણકારો (ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ) અને પેસિવ ફંડ્સ માટે આ મહત્ત્વનું સાબિત થશે.

નવા નિયમની સૌથી મોટી અસર એ થશે કે શૅર બજારના બંધ થવાનો સમય એકસરખો નહીં રહે. નોન-F&O શૅર્સ માટે નોર્મલ ટ્રેડિંગ પહેલાની જેમ બપોરે 3:30 વાગ્યા સુધી ચાલુ રહેશે. તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જોકે, F&O વાળા શૅર્સના કેશ માર્કેટમાં સતત ટ્રેડિંગ બપોરે 3:15 વાગ્યા સુધી જ થશે. ત્યારબાદ 3:35 વાગ્યા સુધી ક્લોઝિંગ ઓક્શન સેશન ચાલશે. આ ઉપરાંત, સ્ટોક અને ઇન્ડેક્સ F&O માં ટ્રેડિંગનો સમય વધારીને બપોરે 3:40 વાગ્યા સુધી કરી દેવામાં આવ્યો છે. અંતમાં પોસ્ટ-ક્લોઝ સેશન બપોરે 3:50 વાગ્યાથી સાંજે 4:00 વાગ્યાની વચ્ચે રહેશે.

ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ માટે 10 મિનિટ એકસ્ટ્રા

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ ઇક્વિટી ડેરિવેટિવ્ઝ માટે બિઝનેસનો સમય 10 મિનિટ વધારી દીધો છે. આ સેક્શનમાં રોકાણકારો બપોરે 3:30 વાગ્યાથી 3:40 વાગ્યા સુધી ટ્રેડ કરી શકશે. કારોબારના સમયમાં 10 મિનિટનો વધારો એટલા માટે કરવામાં આવ્યો છે જેથી ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગનું સામંજસ્ય કેશ માર્કેટમાં શરૂ કરવામાં આવેલી નવી ઓક્શન બેઝ્ડ ક્લોઝિંગ પ્રોસેસ સાથે બેસાડી શકાય. તેનાથી ટ્રેડર્સ પોતાની પોઝિશનને વધુ સારી રીતે મૅનેજ કરી શકશે.

નોર્મલ શૅર્સની જેમ બંધ નહીં થાય F&O વાળા શૅર

જે શૅર F&O સેગમેન્ટનો હિસ્સો છે, તેમાં નોર્મલ સતત ટ્રેડિંગ બપોરે 3:15 વાગ્યે અટકી જશે. આ શૅર 3:30 વાગ્યા સુધી સતત ટ્રેડ થવાને બદલે સીધા ક્લોઝિંગ ઓક્શન સેશનમાં જતા રહેશે. આ સ્પેશિયલ સેશનમાં તમામ ઓર્ડર્સ ભેગા કરવામાં આવશે અને તેનું મિલન કરીને એક ફાઇનલ ક્લોઝિંગ પ્રાઈઝ નક્કી કરવામાં આવશે. જે શૅર F&O સેગમેન્ટમાં સામેલ નથી, તેમના માટે કેશ માર્કેટમાં હંમેશની જેમ 3:30 વાગ્યા સુધી નોર્મલ ટ્રેડિંગ ચાલુ રહેશે.

નવું ક્લોઝિંગ ઓક્શન સેશન કેવી રીતે કામ કરશે

નવી ઓક્શન પ્રક્રિયા સંપૂર્ણપણે સમયબદ્ધ રીતે કામ કરશે. બપોરે 3:15 થી 3:20 વાગ્યા વચ્ચે બજાર રેગ્યુલર ટ્રેડિંગમાંથી ઓક્શન સેશનમાં ટ્રાન્સફર થશે અને રેફરન્સ પ્રાઇસની ગણતરી કરવામાં આવશે. ત્યારબાદ 3:20 થી 3:25 વાગ્યા સુધી માર્કેટ અને લિમિટ ઓર્ડર્સ નોંધી શકાશે. 3:25 થી 3:30 વાગ્યા વચ્ચે માત્ર લિમિટ ઓર્ડર્સ જ માન્ય ગણવામાં આવશે અને આ સમયગાળા દરમિયાન માર્કેટ ઓર્ડર્સમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવાની મંજૂરી રહેશે નહીં. 3:28 થી 3:30 વાગ્યા વચ્ચે રેન્ડમ ઓર્ડર એન્ટ્રી બંધ થશે. જ્યારે, 3:30 થી 3:35 વાગ્યા વચ્ચે ઓર્ડર્સનું મિલન (મેચિંગ) કરીને ક્લોઝિંગ પ્રાઇસ શોધવામાં આવશે.