Sun Apr 19 2026

Logo

સ્થાપત્યનું વાઈ-ફાઈઃ ચુઝી- તમિળનાડુનું સર્પાકાર આવાસ...

2026-03-14 08:26:02
Author: હેમંત વાળા
Article Image

હેમંત વાળા

સમાજથી દૂર, સન 2022માં સ્થપતિ `વોલમેકર્સ' દ્વારા નિર્મિત, તામિલનાડુના સુલગીરી વિસ્તારનું આ ચુઝી નામનું બે બેડરૂમની સગવડતાવાળું એક માળનું અંગત આવાસ એક નવાં જ પ્રકારની અનુભૂતિ કરાવે છે. મલયાલમ ભાષામાં ચુઝીનો અર્થ `વમળ' થાય છે. વાસ્તવમાં આ આવાસ સર્પાકાર વમળ જેવાં ભાગોને એકત્રિત કરીને બનાવાયું હોય તેમ પ્રતીત થાય છે. 

પહેલેથી જ બનાવાયેલ-પ્રિકાસ્ટ સર્પાકારમાં વળેલાં બીમને એકબીજા સાથે, એકબીજા ઉપર, એકબીજાને અડીને ગોઠવી, આ સમગ્ર રચના એવી રીતે નિર્ધારિત કરાઈ છે કે એમ જણાય કે ધીમે ધીમે તે જમીનની નીચે તરફ જઈ રહી છે. આવી અનુભૂતિ લાવવાં માટે આજુબાજુની ખડકાળ પરિસ્થિતિનો અસરકારક ઉપયોગ થયો છે.

આશરે 200 ચોમીનો વિસ્તાર, જીવનશૈલી તથા મૂલ્યોને અનુરૂપ ડિઝાઇન, છદ્માવરણ શૈલીના સ્થાપત્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા, સ્થાન પર હયાત વૃક્ષને જાળવી રાખી તેની સાથે સ્થાપિત કરાયેલ રસપ્રદ સંવાદ, નજીકમાં આવેલ વૃક્ષની ડાળીઓ સાથે સાંકળી દેવાયેલી ઉપયોગિતા, જુદાં જુદાં કુદરતી માહોલ સાથે ઊભી થતી રમ્ય સંવાદિતતા, ખડકાળ પરિસ્થિતિ સાથે સ્થપાયેલ તાલમેળ, કુદરત સાથેનાં નવાં જ પ્રકારનાં સમીકરણથી સ્થપાતી વિશેષ પરિસ્થિતિને કારણે ઉદભવતી તણાવમુક્ત સ્થિતિ, 

છતની સાથે કેટલાંક ભાગમાં વણાયેલી પારદર્શિતાને કારણે નજરમાં આવતાં વૃક્ષ તેમજ આકાશ અને પંખીઓ-જેનાથી વૃક્ષ નીચે રહેવાનો મળતો અહેસાસ, રચનામાં માટી, પથ્થર તથા કાટમાળનો સર્જનાત્મક ઉપયોગ, સમગ્ર બાંધકામમાં વ્યક્ત થતી દ્રઢતા, આવાસના અંગ નિર્ધારણમાં રખાયેલી નિયમબદ્ધતા સાથે સાથે તેની ગોઠવણમાં વ્યક્ત થતી મુક્તતા, પ્રકૃતિમાંથી જાતે જ ઊગી નીકળ્યું હોય તે પ્રમાણેની આવાસની અનુભૂતિ, બહારની ચોક્કસ પરિસ્થિતિ સાથે દ્રઢ સંબંધ સ્થાપિત થઈ શકે તે માટે વ્યૂહાત્મક રીતે પ્રયોજાયેલ વરંડા, અને આ બધાં સાથે આધુનિક જીવન માટે જરૂરી બધી જ સવલતોનો સમાવેશ; આ બાબતો આ આવાસને ઉલ્લેખનીય બનાવે છે.

આ પ્રકારની કુદરતી પરિસ્થિતિ માટે એમ કહી શકાય કે સામાન્ય રીતે વ્યક્તિ પોતાના આવાસમાંથી બહારનાં કુદરતી સુંદર દ્રશ્યો જોવાની ચાહ રાખે, પણ અહીં આ સુંદર દ્રશ્ય સાથે ઇમારત કેવી દેખાય છે તેનો પણ ખ્યાલ રખાયો છે. આ પ્રકારના આયોજનથી આવાસ જાણે આજુબાજુની પરિસ્થિતિ સાથે એવી રીતે ગોઠવાઈ જાય છે કે તે ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં અટકે છે તેનો સહજતાથી ખ્યાલ મેળવવો મુશ્કેલ બની રહે. 

એમ જણાય છે કે કોઈ ચોક્કસ સ્થળે આવાસ બનાવાયું નથી પણ તે ચોક્કસ કુદરતી સ્થળ પર આવાસ વ્યવસ્થિત જગ્યા ગોતીને બેસી ગયું છે. આ સમગ્ર રચનામાં કુદરતી ઢોળાવનો પણ રચનાત્મક ઉપયોગ થયો છે. અહીંની સમગ્ર રંગ વ્યવસ્થા પણ કુદરતના માહોલ સાથે તાલમેલ સ્થપાય તે રીતની છે. આ બધાથી એમ જણાય છે કે કુદરતી પરિસ્થિતિ પર આ આવાસ ન્યૂનતમ અસર છોડે છે.

આ આવાસની રચના નિર્ધારિત કરતી વખતે કુદરતી ખડક અને પ્રિકાસ્ટ બીમ વડે નિર્ધારિત કરાયેલ સર્પાકારનો હેતુલક્ષી, અસરકારક અને સ્વીકૃત ઉપયોગ કરાયો છે. અહીં રાચરચીલાની ગોઠવણમાં પણ આ બાબતો સકારાત્મક ભાગ ભજવે છે. એક મંતવ્ય પ્રમાણે આ આવાસ જે સ્થાને બનાવાયું છે તે સ્થાન રહેવા માટે, આ પ્રકારનાં આવાસ માટે અયોગ્ય છે. આવાસની રચનાના પ્રકાર થકી આ અયોગ્યતાને પસંદગીમાં રૂપાંતરિત કરી દેવાઈ છે. સ્થપતિની આ સિદ્ધિ કહેવાય.

આમ તો આ આવાસનો પ્લાન જોવામાં સરળ જણાય તેવો છે. બે સમાંતર બંધિયાર દીવાલોની વચ્ચે પરિસ્થિતિ પ્રમાણે, ખૂણાઓ સ્વીકારતાં સ્વીકારતાં, અન્ય બે બાજુને શક્ય હોય એટલી ખુલ્લી રાખીને, પ્લાન નિર્ધારિત કરાયો છે. તેનાં આડા છેદમાં-સેક્શનમાં પણ, એમ જણાય છે કે છતની ઊંચાઈમાં એટલી અને એવી ભિન્નતા નથી. આ રચનાની મજા તેની ત્રિપરિમાણીયતામાં છે. અહીં નાટકીયતા પ્રવેશે છે. અહીં પ્રકાશ-છાયાનો ખેલ શરૂ થાય છે. અહીં કાચની પારદર્શિતા અને ખડક તેમજ પ્રિકાસ્ટની દ્રઢતાનો સુસંગત વિરોધાભાસ સ્થાપિત થાય છે. અહીં કુદરત અને માનવ નિર્મિત વચ્ચે સુસંવાદિતતા પ્રતીત થાય છે. વાસ્તવમાં આ આવાસ તેની ત્રિપરિમાણીયતામાં જ ખીલી ઊઠે છે.

છતના સ્તરેથી આવાસ તે સ્તરના ખડક સાથે જોડાઈ જાય છે અને નીચેના લેવલે પણ તેમ જ થાય છે. એકવાર તો છતના સ્તરે નીચે આવાસ હોવાની જાણ પણ ન થાય તે પ્રમાણેની સર્પાકાર અંગોની ગોઠવણ છે. અહીંથી મકાન જાણે નીચે જમીનમાં ઊતરે છે. અહીં છતમાં એટલી પારદર્શિતા છે કે એકવાર છત હોવાં વિશે પણ શંકા થાય. આ બધાં સાથે આ આવાસની બીજી અગત્યની વાત એ છે કે સમગ્ર રચનાનું પ્રમાણમાપ માનવ તેમજ કુદરતી પરિસ્થિતિ વચ્ચેના તાલમેલ સમાન છે. અહીં જાણે માનવીય સંવેદનાઓ સાથે કુદરતની લાગણીનું પણ ધ્યાન રખાયું છે.

અહીં એ નક્કી કરવું મુશ્કેલ છે કે માનવીએ કુદરતમાં પ્રવેશ કર્યો છે કે કુદરતે માનવી સામે હાથ લંબાવી તેને આવકાર આપ્યો છે. અહીં એ નિર્ધારિત કરવું અઘં છે કે સ્વયં પથ્થરે જાતે કેટલાંક ભૌમિતિક આકાર ધારણ કરેલાં છે કે આ બધાં ભૌમિતિક આકાર ક્રમશ: કુદરત સાથે ભળી જાય છે. અહીં એ સમજવું કઠિન છે કે માનવીએ કુદરત સાથે સ્વર મેળવ્યો છે કે કુદરતે માનવીને અનુકૂળ સ્વરનું ઉચ્ચારણ કર્યું છે. એકંદરે એમ કહી શકાય કે આ આવાસ કુદરત સાથે એક નવા જ પ્રકારનું સંગીત સ્થાપિત કરે છે.