Sat May 02 2026

Logo

હવે મૅચ-ફિનિશર જેવું કંઈ છે જ નહીં, શરૂઆતથી જ ફટકાબાજી થતી હોય છેઃ ફ્લેમિંગ

2026-04-04 16:45:57
Author: Ajay Motiwala
Article Image

BCCI/IPL


ચેન્નઈઃ એક સમય હતો જ્યારે મહેન્દ્રસિંહ ધોનીને સર્વશ્રેષ્ઠ મૅચ-ફિનિશર (Match Finisher) તરીકે ઓળખાવવામાં આવતો હતો અને અન્યોમાં ડેવિડ મિલર, રિન્કુ સિંહ, રવીન્દ્ર જાડેજા, દિનેશ કાર્તિક, રિષભ પંત, કિરૉન પોલાર્ડ, ગ્લેન મૅક્સવેલ વગેરેના નામ પર એક ટાઇમે ચર્ચાતા હતા, પરંતુ થોડા સમયથી ભાગ્યે જ કોઈ બૅટ્સમૅન રાબેતા મુજબ મૅચ-ફિનિશરની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે અને એ વાતને સ્ટીફન ફ્લેમિંગ પુષ્ટિ આપી છે.

ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ના હેડ-કોચ ફ્લેમિંગે (Fleming) શુક્રવારે અહીં પંજાબ કિંગ્સ સામેની મૅચમાં સીએસકેના પાંચ વિકેટે થયેલા પરાજય બાદ પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન એક સવાલના જવાબમાં કહ્યું હતું કે `મને નથી લાગતું કે હવે ફિનિશર જેવું કંઈ છે. હવે તો લગભગ દરેક મૅચમાં પહેલા બૉલથી જ ફટકાબાજી શરૂ થતી હોય છે. એવું નથી કે 16મી ઓવર સુધી ઇનિંગ્સ ડેવલપ થાય અને પછી કોઈ એક કે બે બૅટ્સમેન દ્વારા મૅચ ફિનિશ કરવામાં આવે.'

શરૂઆતથી જ ઊંચો રનરેટ હોય છે

ફ્લેમિંગનું એવું પણ કહેવું હતું કે `હવે તો શરૂઆતથી જ ઓવર દીઠ 10, 11 અને 12ના રેટથી રન થતા હોય છે. શરૂઆતના 40-50 રન આક્રમક બૅટિંગથી બનાવવાની કોશિશ થાય છે. હવે એવું નથી કે રનરેટ ઇનિંગ્સના છેવટના ભાગમાં જ ઊંચો હોય. શરૂઆતથી જ રનરેટને બને એટલો ઊંચો રાખવાનો આક્રમક અભિગમ અપનાવી રાખવાનો પ્રયત્ન થાય છે.'

ફ્લેમિંગે પોતાની ટીમની વાત કરતા કહ્યું હતું કે `અમારી પાસે ડેવાલ્ડ બે્રવિસ છે, પણ તે ઈજાને લીધે હમણાં નથી રમી શક્તો. બેસ્ટ ફિનિશર્સમાં ગણાતો એમએસ ધોની પણ ઈજાગ્રસ્ત છે.'

સૅમસનનું મનોબળ વધારતું નિવેદન

ચેન્નઈના મુખ્ય કોચ ફ્લેમિંગે પહેલી બન્ને મૅચમાં નિષ્ફળ ગયેલા ટી-20 વર્લ્ડ કપના સુપરસ્ટાર ઓપનર સંજુ સૅમસન (6 અને 7 રન)નું મનોબળ વધારતું નિવેદન પત્રકારો સમક્ષ આપ્યું હતું. ફ્લેમિંગે સૅમસનના બચાવમાં કહ્યું હતું કે `તે ખૂબ પ્રૅક્ટિસ કરે છે. તે જ્યારે પણ ફૉર્મમાં આવી જાય ત્યારે મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમતો હોય છે. એટલે મારી દૃષ્ટિએ માત્ર બે ઇનિંગ્સની તેની નિષ્ફળતા કોઈ મોટી ચિંતાનો વિષય નથી.'