કોલંબોઃ ટી-20 વર્લ્ડ કપનું સહ-યજમાન શ્રીલંકા (SriLanka) બુધવારે ન્યૂ ઝીલૅન્ડ સામેના પરાજયને પગલે સેમિ ફાઇનલની રેસની બહાર થઈ ગયું એટલે શ્રીલંકામાં અસંખ્ય ક્રિકેટપ્રેમીઓ (Cricket fans)નો પિત્તો ગયો છે અને તેમણે વ્યાપક સ્તરે આક્રોશ ઠાલવ્યો છે તેમ જ વિરોધ નોંધાવ્યો છે. કોલંબોના સ્ટેડિયમમાં દાસુન શનાકાની ટીમ કિવીઓ સામે 61 રનથી પરાજિત થઈ ત્યાર પછી શ્રીલંકન ખેલાડીઓ પૅવિલિયનમાં પાછા આવી રહ્યા હતા ત્યારે પ્રેક્ષકોએ તેમનો હુરિયો બોલાવ્યો હતો.
સોશ્યલ મીડિયામાં પણ શ્રીલંકાના ક્રિકેટપ્રેમીઓએ ભરપૂર રોષ ઠાલવ્યો છે તેમ જ ક્રિકેટ સંબંધિત મંચ પર પણ ઘરઆંગણાની ટીમની ટીકા કરી છે. લોકોએ વ્યાપક ફેરફારોની માગણી કરી છે. કેટલાકે ફૉર્મ ગુમાવી બેઠેલા ખેલાડીઓને ટીમમાંથી પડતા મૂકવાની માગણી કરી છે તો કોઇકે તો ક્રિકેટ બોર્ડના આખા વહીવટતંત્રને જ બદલી નાખવાની ડિમાન્ડ કરી છે.
શ્રીલંકન ટીમના ઘણા સપોર્ટરોએ ગુસ્સામાં આવીને મીડિયામાં જણાવ્યું છે કે તેઓ આ ટીમની હારની હારમાળાથી કંટાળી ગયા છે, ટીમનું પ્લાનિંગ પણ ઠીક નથી હોતું અને ટીમના રકાસ માટે કોઈ જવાબદારી પણ નથી સ્વીકારતું. શ્રીલંકા સુપર-એઇટ રાઉન્ડમાં પહોંચ્યું એટલે ટીમ પાસે અપેક્ષા ખૂબ વધી ગઈ હતી, પરંતુ આ રાઉન્ડમાં ટીમની મોટી નામોશી થઈ. શ્રીલંકાની પહેલાં ઇંગ્લૅન્ડ સામે 51 રનથી હાર થઈ એટલે ઇંગ્લૅન્ડ સેમિમાં પહોંચી ગયું અને હવે ન્યૂ ઝીલૅન્ડ સામેના પરાજયથી એ પણ સેમિની લગોલગ આવી ગયું છે.
મીડિયામાં ક્રિકેટલવર્સે એવું પણ જણાવ્યું છે કે શ્રીલંકા યજમાન તરીકે આ ટૂર્નામેન્ટમાં રમ્યું એટલે એના પર મોટી અપેક્ષા હતી, પરંતુ વર્તમાન શ્રીલંકન ટીમે દેશનું નામ ડૂબાડ્યું છે. લોકોના મતે શ્રીલંકન ટીમમાં સાતત્યતા નથી, વ્યૂહરચના જેવું પણ કંઈ નથી અને બૅટ્સમેનોમાં બૅટિંગ વિશે વિચિત્ર માનસિકતા છે. ક્રિકેટ ફૅન્સનો એવો પણ આક્ષેપ છે કે તેમણે મહેનતના પૈસાથી સ્ટેડિયમમાં ટિકિટો ખરીદી હતી અને સમય કાઢીને મૅચો જોવા આવ્યા, પરંતુ તેઓ ધાર્યા જેવું રમ્યા જ નહીં.
કૅપ્ટન શનાકાએ શું કહ્યું?
શ્રીલંકાના સુકાની દાસુન શનાકાએ બુધવારે કિવીઓ સામેના પરાજય બાદ કહ્યું, `ટીમના ખેલાડીઓની ફિટનેસનું સ્તર શ્રેષ્ઠ નથી, કેટલાક બેસ્ટ પ્લેયર્સ ટીમની બહાર હતા, ચારથી પાંચ ખેલાડી ઈજાગ્રસ્ત છે. છેલ્લાં થોડા વર્લ્ડ કપ પર નજર કરીએ તો સૌથી વધુ ઈજાગ્રસ્ત ખેલાડીઓની યાદીમાં શ્રીલંકાનું નામ જરૂર વાંચવા મળશે. ખેલાડીઓને સિલેક્ટ કરવામાં આવે ત્યારે ફિટનેસને લગતી માર્ગદર્શિકા તેમના ધ્યાનમાં હોવી જ જોઈએ. ક્યારેક હું વિચારું છું કે અન્ય ટીમો ફિટનેસની બાબતમાં શ્રીલંકા કરતાં ક્યાંય આગળ છે.'
2014 પછી સેમિમાં નથી પહોંચ્યા
ઈજાગ્રસ્ત વનિન્દુ હસરંગા, મથીશા પથિરાના અને એશાન મલિન્ગાની ખોટ શ્રીલંકાને આ વર્લ્ડ કપમાં ખૂબ વર્તાઈ હતી. જોકે શ્રીલંકાનો પર્ફોર્મન્સ એકંદરે નબળો જ રહ્યો છે. 2014માં આ વર્લ્ડ કપનું ટાઇટલ જીત્યા બાદ તેઓ આઇસીસીની કોઈ પણ ઇવેન્ટમાં સેમિ ફાઇનલ સુધી નથી પહોંચ્યા.