Tue Apr 21 2026

Logo

સ્પોર્ટ્સમૅનઃ કેમ ભાઈ, ગુજરાતીમાં ક્રિકેટની કૉમેન્ટરી કેમ નથી?

2026-03-14 07:47:15
Author: યશવંત ચાડ
Article Image

યશવંત ચાડ

ટી-20 વર્લ્ડ કપની રવિવારની ન્યૂ ઝીલૅન્ડ સામેની ફાઇનલ અમદાવાદમાં ક્રિકેટ જગતના સૌથી મોટા શ્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ. આ વિશાળ સ્ટેડિયમમાં સવા લાખ પ્રેક્ષકોનો બહુ સારી સગવડતાથી સમાવેશ થયો હતો એ આપણે સર્વેએ જોયું છે અને મેં (સ્કોરર તરીકે) જાતે અનુભવ્યું છે. આ સ્ટેડિયમમાં મોટા ભાગના ગુજરાતી ભાષી લોકો હોય છે. હા, હિન્દી ભાષા પણ ખૂબ બોલાતી હોય છે અને અન્ય ભાષી લોકો પણ મૅચ માણતા હોય છે.

આ તો વાત થઈ, સ્ટેડિયમમાં પ્રત્યક્ષ ક્રિકેટ મૅચ માણતા ક્રિકેટપ્રેમીઓની, પરંતુ ટીવી તેમ જ રેડિયો અને કેટલીક જાણીતી ઍપ પરના દર્શકોની વાત કરીએ તો તેમને મૅચની ગતિવિધિનું વર્ણન કરતી કૉમેન્ટરીમાં પણ ખૂબ રસ હોય છે. ફ્લૅશબૅકમાં જઈએ તો રેડિયો પર એટલે કે આકાશવાણી પર ક્રિકેટ મૅચનો આંખે દેખ્યો અહેવાલ સાંભળવા ન મળે એ બની શકે? કદાપી નહીં.

1950ના દાયકાથી હું ક્રિકેટ મૅચોની કૉમેન્ટરી સાંભળતો આવ્યો છું અને શરૂઆતમાં અંગ્રેજીમાં જ રેડિયો પર રનિંગ કૉમેન્ટરી સાંભળવા મળતી હતી. ત્યાર બાદ સમય જતાં સ્થાનિક ભાષાની કૉમેન્ટરીનું આગમન થયું હતું.

1960ના દાયકામાં જેમ કે સૌપ્રથમ તો રાષ્ટ્રભાષા હિન્દીમાં અને ત્યાર પછી સ્થાનિક ભાષા મરાઠી હોય કે ગુજરાત કે તમિળ કે મલયાલમ વગેરે બધી જ ભાષામાં રેડિયો કૉમેન્ટરી થતી હતી જે મેં સાંભળી છે અને જાતે કૉમેન્ટરી બૉક્સમાં સ્કોરર તરીકે અનુભવ્યું છે.

જે ક્રિકેટ રસિકો અમદાવાદ ન જઈ શક્યા તેમણે ટી-20 વિશ્વ કપ ફાઇનલ ટીવી પર અથવા તો મોબાઇલમાં ઍપ પર નિહાળી હશે.

હાલમાં મોટી ટૂર્નામેન્ટ વખતે સામાન્ય રીતે મૅચ શરૂ થવા પૂર્વે ટેલિવિઝન પર જાહેરાત કરવામાં આવતી હોય છે કે અંગ્રેજી ઉપરાંત બધી જ ભારતીય ભાષામાં મૅચનો આંખે દેખ્યો અહેવાલ જીવંત પ્રસારિત કરવામાં આવે છે જેમ કે અંગ્રેજી ઉપરાંત હિન્દી, ભોજપુરી, મરાઠી, તમિળ, ક્નનડ, મલયાલમ, પંજાબી વગેરે ભાષાઓમાં રનિંગ કૉમેન્ટરીનો લાભ તમે માણી શકશો. જોકે ગુજરાતી ભાષામાં આઈપીએલ ઉપરાંત પણ રનિંગ કૉમેન્ટરી થશે કે કેમ એ સાંભળવા મારા કાન તત્પર હતા. 

જોકે ગુજરાતી કૉમેન્ટરી એવું સાંભળવા જ નથી મળ્યું. કરોડો ક્રિકેટ પ્રેમીઓ જીવંત મૅચની મોજ માણતા હોય છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) આવ્યા પછી તો ક્રિકેટ મૅચો ઘેર-ઘેર જોવાય છે. અગાઉ પણ ટેસ્ટ અને વન-ડે મૅચો કરોડો ક્રિકેટપ્રેમીઓના ઘરમાં જોવાતી હતી, પરંતુ આઇપીએલ આવ્યા બાદ મહિલાઓ અને બાળકોનો પણ ક્રિકેટમાં રસ વધતો ગયો એટલે ઘરમાં લગભગ આખો પરિવાર મૅચની મજા લેતો હોય છે એવું કહીએ તો પણ ખોટું નથી.

ક્રિકેટપ્રેમી પરિવારો એટલે એમાં ગુજરાતી પરિવારોની સંખ્યા બહુ મોટી હોય છે. મારે એક અતિ અગત્યનો લાખ રૂપિયાનો નહીં, પણ અબજો રૂપિયાનો સવાલ ક્રિકેટ મૅચોનું પ્રસારણ કરનારાઓને પૂછવો છે કે એકંદરે ગુજરાતી ભાષામાં કૉમેન્ટરીને કેમ અવણવામાં આવે છે? ગુજરાતી ભાષા સાથે આવો અન્યાય શા માટે?

1950, 1960 અને 1970ના દાયકામાં ગુજરાતમાં ગુજરાતી ભાષામાં ક્રિકેટ મૅચોની કૉમેન્ટરી થતી હતી. કૉમેન્ટેટરો સર્વશ્રી ખેમુ દિવેટીયા, દિનકર દેસાઈ, સુરેશ મશરૂવાલા, સુભાષ મશરૂવાલા તેમ જ હજી પણ 50 વર્ષથી રેડિયો તથા ટેલિવિઝન પર કૉમેન્ટરી આપનાર સુધીર તલાટી, ક્રિકેટર નયન મોંગિયા, હર્ષદ જોશી, નિલેશ માંકડ ઉપરાંત ઘણા ક્રિકેટરો જેવા કે કરસન ઘાવરી, જયંતિલાલ કેનિયા, યજુર્વિન્દ્ર સિંહ અંગ્રેજી ઉપરાંત ગુજરાતીમાં કૉમેન્ટરી કરી શકે. તેમને એક તક તો આપી જુઓ. ક્રિકેટની દુનિયામાં (મેદાન પરના ખેલાડીઓ ઉપરાંત કૉમેન્ટરી બૉક્સમાંથી પણ) ગુજરાતીઓ છવાઈ જશે એ નિશ્ચિત છે.

ભારતીય કૉમેન્ટરીના ભિષ્મપિતામહ બૉબી તાલ્યારખાન, વિજય મર્ચન્ટ, અનંત સેતલવાડ, સુરેશ સરૈયા વગેરે ખ્યાતનામ નામો ગુજરાતી હતા, પણ તેમણે ઇંગ્લિશ કૉમેન્ટરીમાં પણ નામના મેળવી હતી તો શું તેમના પગલે પગલે ચાલીને હવે ગુજરાતીમાં કૉમેન્ટરી આપવા જેવી કોઈનામાં આવડત શું નથી એવું ટેલિવિઝન પર કૉમેન્ટરી પ્રસારિત કરનાર ચૅનલ માને છે? કે પછી ગુજરાતી ભાષાની અવગણના કરવામાં આવી રહી છે? 

દેશમાં રાજકીય ક્ષેત્ર હોય કે બિઝનેસ, ગુજરાતીઓ મોખરાના સ્થાને છે અને કરોડો ગુજરાતીઓ ક્રિકેટ મૅચોના જીવંત પ્રસારણ માણતા હોય છે. ગુજરાતીઓનો ડંકો આજે ક્યાં નથી વાગતો એ તો કહો! તો પછી તેમના માટે ગુજરાતીમાં કૉમેન્ટરી કેમ નહીં? ટીવી પર લાઇવ મૅચો પ્રસારિત કરનારી ચૅનલે આ સવાલોના જવાબ આપવા જ પડશે. ચૅનલ અત્યાર સુધી થઈ રહેલી આ ભૂલ જલદી સુધારી લેશે અને ગુજરાતીમાં પણ ક્રિકેટ મૅચોનો આંખે દેખ્યો અહેવાલ રાબેતા મુજબ આપવાની ફરી નવી શરૂઆત  કરી દેશે એવી આશા રાખીએ.                                 

ક્રિકેટ મૅચ એક, કૉમેન્ટરીની ભાષા અનેક

ગુજરાતી ક્રિકેટરસિકોને પણ થોડા સમયમાં રાબેતા મુજબ ધોરણે ગુજરાતીમાં ક્રિકેટની કૉમેન્ટરી સાંભળવા મળશે એવી આશા રાખીએ, પરંતુ એ સાથે એક રસપ્રદ જાણકારી પણ મેળવી લઈએ. વર્લ્ડ કપ સહિતની અન્ય ક્રિકેટ ટૂર્નામેન્ટોમાં ભારતની વિવિધ ભાષાઓમાં મૅચની જીવંત ઘટનાઓની કૉમેન્ટરી તેમ જ સમીક્ષા જાણીતા ખેલાડીઓ અને નિષ્ણાત કૉમેન્ટેટર્સ દ્વારા આપવામાં આવતી હોય છે:

(1) અંગ્રેજી: રવિ શાસ્ત્રી, સુનીલ ગાવસકર, હર્ષા ભોગલે, ઇયાન બિશપ, નાસિર હુસેન વગેરે.
(2) હિન્દી: આકાશ ચોપડા, ઇરફાન પઠાણ, સુરેશ રૈના, જતીન સપ્રુ, હરભજન સિંહ વગેરે
(3) તમિળ: કે. શ્રીકાંત, એસ. બદરીનાથ, મુરલી વિજય, અભિનવ મુકુંદ વગેરે
(4) ભોજપૂરી: રવિ કિશન, સૌરભ, શિવમ સિંહ
(5) તેલુગુ: એમએસકે પ્રસાદ, હનુમા વિહારી, વેણુગોપાલ રાવ
(6) ક્ન્નડ: અનિલ કુંબલે, વિજય ભારદ્વાજ, વિનય કુમાર, વેન્કટેશ પ્રસાદ.