ભોપાલઃ મધ્યપ્રદેશમાં એક ગોઝારા એકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. રાયસેન-ભોપાલ નેશનલ હાઈવે પર સેહતગંજ નજીક બે ખાનગી ટ્રાવેલ્સની બસો વચ્ચે સામસામે થયેલી જોરદાર ટક્કરમાં એક માસૂમ બાળક સહિત પાંચ લોકોના મોત થયા છે, જ્યારે 35 મુસાફરો ઘાયલ થયા છે. ફૂલ સ્પીડ અને ઓવરટેક કરવાનો પ્રયાસ આ અકસ્માતનું કારણ બન્યો હતો. પ્રશાસને રાહત સહાયની જાહેરાત કરીને તપાસ શરૂ કરી દીધી છે.
રાયસેન-ભોપાલ નેશનલ હાઈવે શુક્રવારે સવારે એક દર્દનાક અકસ્માતનો સાક્ષી બન્યો. સેહતગંજ ફેક્ટરી પાસે પેટ્રોલ પંપ નજીક સાગરથી ભોપાલ જઈ રહેલી શક્તિ ટ્રાવેલ્સ અને ભોપાલથી સાગર પરત ફરી રહેલી કલ્પના ટ્રાવેલ્સની બસો સામસામે અથડાઇ. પળવારમાં જ હાઈવે ચીસાચીસ અને કરુણ આક્રંદથી ગુંજી ઉઠ્યો. આ અકસ્માતમાં એક માસૂમ સહિત પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 35 મુસાફરો ઘાયલ થયા છે. કેટલાક મુસાફરોની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા છે.
બંને બસો ખૂબ જ સ્પીડમાં હતી. સિંગલ લેન રોડ પર ઓવરટેક કરવાના પ્રયાસમાં ચાલકોએ (ડ્રાઇવરોએ) કાબૂ ગુમાવ્યો અને બસો સામસામે સીધી અથડાઈ. ટક્કર એટલી જોરદાર હતી કે બંને બસોની કેબિન કચડાઈ ગઈ હતી. બારી પાસે બેઠેલા મુસાફરોને સૌથી વધુ ઈજાઓ થઈ હતી. 1 મહિલા, 2 પુરુષ અને 1 માસૂમ બાળકે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.
કાચ તોડીને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા
ધડાકા જેવો અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો અને પેટ્રોલ પંપના કર્મચારીઓ દોડી આવ્યા હતા. બસના કાચ તોડીને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા. ઘટનાની માહિતી મળતા જ ગેરતગંજ પોલીસ સ્ટેશનની ટીમ, ડાયલ-100 અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કલેક્ટર અરુણ વિશ્વકર્મા અને પોલીસ અધિક્ષક આશુતોષ ગુપ્તાએ પોતે મોરચો સંભાળ્યો હતો. ઘાયલોને તાત્કાલિક ગેરતગંજ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી 12 ગંભીર ઘાયલોને ભોપાલની હમીદિયા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
દોઢ કલાક સુધી હાઈવે જામ રહ્યો
કલેક્ટર વિશ્વકર્માએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં અતિ ઝડપ અને બેદરકારી સામે આવી છે. સિંગલ લેન રોડ પર ભારે ટ્રાફિક હોવા છતાં બસો 80 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે દોડી રહી હતી. અકસ્માત બાદ આશરે દોઢ કલાક સુધી હાઈવે જામ રહ્યો હતો. ક્રેન દ્વારા ક્ષતિગ્રસ્ત બસોને હટાવ્યા બાદ વાહનવ્યવહાર સામાન્ય થયો હતો.